<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

જીએસટી ટ્રિબ્‍યૂનલમાં કેસ દાખલ કરવા માટે ચાર્જના નામે ખુલ્લી લૂંટ

ઓછામાં ઓછા પાંચ હજારથી લઈ ૨૫૦૦૦ સુધીની ફરજિયાત વસૂલાત : આઇટી ટ્રિબ્‍યૂનલમાં વધુમાં વધુ કરવામાં આવતી ૧૦ હજાર સુધીની વસૂલાત

મુંબઈ,તા.૨૬: સરકારને સૌથી વધુ આવક રળી આવતી બે અલગ અલગ એજન્‍સીમાં આવેલી ટ્રિબ્‍યૂનલમાં કેસ દાખલ કરવા માટે વસૂલ કરવામાં આવતા ચાર્જમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. તેમાં પણ ઇન્‍કમટેક્‍સ ટ્રિબ્‍યૂનલ કરતા જીએસટી ટ્રિબ્‍યૂનલમાં સૌથી વધુ વસૂલાત કરવામાં આવી રહી હોવાના કારણે વેપારીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. જોકે વેપારી પણ પોતાના કેસનો ઝડપથી નિકાલ થાય તે માટે અધધ કહી શકાય તેવો ચાર્જ નાછૂટકે પણ ભરવા માટે તૈયાર હોય છે.

જીએસટીનો કાયદો લાગુ થયાના આઠ વર્ષ પછી જીએસટી ટ્રિબ્‍યૂનલ કાર્યરત કરવામાં આવનાર છે. જોકે હજુ સુધી સુરતમાં જીએસટી ટ્રિબ્‍યૂનલ કાર્યરત થઈ નથી. જ્‍યારે તેમાં સભ્‍યની વરણી તો કરી દેવામાં આવી છે. સાથે સાથે કેસ પણ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ તેમાં કેસ દાખલ કરવા માટે જે ચાર્જની વસૂલાત કરવામાં આવી રહી છે તે અધધ કહી શકાય છે, કારણ કે જીએસટી ટ્રિબ્‍યૂનલમાં કેસ દાખલ કરવાની ફી પેટે ઓછોમાં ઓછી પ હજારની ફી વસૂલ કરવામાં આવે છે. જ્‍યારે વધુમાં વધુ ૨૫ હજારની રકમ વસૂલ કરવામાં આવી રહી હોવાથી વેપારીઓ પર વધારાનું આર્થિક ભારણ આવવાનું છે. જ્‍યારે આઇટી ટ્રિબ્‍યૂનલમાં કેસ દાખલ કરવા માટે વધુમાં વધુ ૧૦ હજારથી જ વસૂલાત કરવામાં આવી રહી છે. જેથી સરકારની જ બે અલગ અળગ રેવન્‍યૂ એજન્‍સીમાં ફ્રી વસૂલાતમાં વિસંગતતાને લીધે વેપારીઓની પરેશાની વધી છે.

પ્રિ-ડિપોઝિટની રકમ વધારે હોવાથી પણ પરેશાની

અપીલ કરવા માટે ૨૦ ટકા રકમ ભરવાનો નિયમ લાવવામાં આવ્‍યો છે. તેમાં જીએસટી ટ્રિબ્‍યૂનલમાં કેસ ચલાવતા પહેલા તપાસ કરવામાં આવે છે કે વેપારીએ કેસ દાખલ કરવા માટે વિભાગમાં ૨૦ ટકા પેટે રકમ જમા કરાવી છે કે નહીં. જો વેપારીએ તે રકમ જમા કરાવી નહીં હોય તો કેસ જ ચલાવવામાં આવતો નથી

(10:27 AM IST)