તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
મુંબઈમાં હવે મરાઠી પાટિયાં જ ચાલશે: BMCનું એક મહિનાનું અલ્ટીમેટમ, દુકાનો અને ફાઈવ સ્ટાર હોટલોએ નિયમ પાળવો જ પડશે
સાઈનબોર્ડ પર મરાઠી અક્ષરો અન્ય ભાષા કરતા નાના નહીં ચાલે: શિવસેનાએ આપી ચેતવણી - જો નિયમ નહીં પળાય તો થશે ‘શિવસેના સ્ટાઈલ’માં કાર્યવાહી

મુંબઈ, તા. ૧૪: મુંબઈની ઓળખ અને મહારાષ્ટ્રની શાન ગણાતી મરાઠી ભાષાને લઈને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ ફરી એકવાર આકરો મિજાજ અપનાવ્યો છે. BMC એ મુંબઈની તમામ દુકાનો, હોટલો, રિટેલ આઉટલેટ્સ અને કોર્પોરેટ ઓફિસોને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે એક મહિનાની અંદર તેમના સાઇનબોર્ડ (પાટિયાં) મરાઠીમાં પ્રદર્શિત કરવા પડશે. જો નિર્ધારિત સમયમાં આ નિયમનું પાલન કરવામાં નહીં આવે, તો સંબંધિત સંસ્થાઓએ આકરા દંડ અને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે.
શું છે સાઈનબોર્ડનો નવો નિયમ?
BMC ના નવા આદેશ મુજબ, કોઈપણ વાણિજ્યિક સંસ્થાએ મરાઠી ભાષામાં દેવનાગરી લિપિનો ઉપયોગ કરીને નામ દર્શાવવું ફરજિયાત છે. આમાં સૌથી મહત્વની શરત એ છે કે મરાઠીમાં લખેલા અક્ષરોનું કદ અન્ય કોઈ પણ ભાષા (જેમ કે અંગ્રેજી કે હિન્દી) માં લખેલા અક્ષરો જેટલું જ અથવા તેનાથી મોટું હોવું જોઈએ. એટલે કે, હવે મરાઠી ભાષાને ગૌણ રાખવાની માનસિકતા નહીં ચાલે.
શિવસેનાની ‘શૈલી’માં કાર્યવાહીની ધમકી
આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. મુંબઈના ડેપ્યુટી મેયર અને મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના શિવસેના નેતા સંજય ઘડીએ ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, ફાઈવ સ્ટાર હોટલો હોય કે મોટા સેલિબ્રિટીઝના આઉટલેટ્સ, જો એક મહિનામાં મરાઠી સાઈનબોર્ડ નહીં લાગે તો શિવસેના પોતાની શૈલીમાં જવાબ આપશે. તેમણે ઉમેર્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવું દરેક માટે અનિવાર્ય છે.
૫,૦૦૦ થી વધુ સંસ્થાઓ હજુ પણ નિયમ વિરુદ્ધ
આંકડાકીય માહિતી આપતા સંજય ઘડીએ જણાવ્યું કે મુંબઈમાં અંદાજે ૯ લાખ જેટલી દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ આવેલી છે. તેમાંથી મોટાભાગની સંસ્થાઓએ મરાઠી પાટિયાં લગાવી દીધા છે, પરંતુ હજુ પણ ૫,૦૨૦ જેટલી સ્થાપનાઓ એવી છે જેમણે આ નિયમનો અમલ કર્યો નથી. હવે આ તમામ સંસ્થાઓ BMC ના રડારમાં છે.
મહિના પછી શરૂ થશે મોટું ચેકિંગ અભિયાન
BMC અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે એક મહિનાની મહેતલ પૂરી થયા બાદ આખા મુંબઈ શહેરમાં સઘન નિરીક્ષણ ઝુંબેશ (Inspection Drive) હાથ ધરવામાં આવશે. આ અભિયાન દરમિયાન જે સંસ્થાઓના પાટિયાં મરાઠીમાં નહીં હોય અથવા નિયમ મુજબના કદના નહીં હોય, તેમને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે અને જરૂર જણાયે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારના આદેશ બાદ વહીવટીતંત્ર હવે આ મામલે સહેજ પણ ઢીલ મૂકવાના મૂડમાં નથી.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
