તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
ભારતની ટોપ ૫૦૦ લિસ્ટેડ કંપનીમાં માત્ર ૯ મહિલા CEO
૨૫ મહિલા એમડીઃ દેશમાં ૨.૧૪ મિલિયન એક્ટિવ કંપનીમાં ૧.૬ મિલિયન મહિલા ડાયરેક્ટર પદે : દેશના કોર્પોરેટ જગતમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે

નવી દિલ્હી તા.૧૩: ભારતના ઉદ્યોગજગતમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ અત્યંત ૪ ઓછું જવા મળ્યું છે. દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓમાં માત્ર ૯ મહિલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે અને ૨૫ મહિલા મેનેજિગ ડાયરેક્ટર (MD) તરીકે કાર્યરત છે. લોક્સભામાં કોર્પોરેટ બાબતોના મંત્રી હર્ષ મલહોત્રાએ ટર્ન ઓવરની દ્રષ્ટિએ દેશની ટોચની ૫૦૦ લિસ્ટેડ કંપનીમાં મહિલા પ્રતિનિધિત્વ અંગે ઉક્ત માહિતી આપી હતી.
MCA21 ડેટાબેઝમાં રજૂ કરાયેલી માહિતી મુજબ, આ કંપનીઓના બોર્ડ સભ્યો અને ડાયરેક્ટર તરીકે કુલ ૮૬૦ મહિલાઓ છે. તેમાં ૭૮૩ ડાયરેક્ટર, ૬૭ હોલ-ટાઈમ ડાયરેક્ટર, ૨૫ મેનેજિગ ડાયરેક્ટર, ૧૮ એડિશનલ ડાયરેક્ટર અને ૧૨ નોમિની ડાયરેક્ટરનો સમાવેશ થાય છે. કંપનીઓમાં ચીફ ફાઈનાન્શિયલ
ઓફિસર (CFO) પદે માત્ર ૨૨ મહિલા છે. કોર્પોરેટ જગતમાં ટોચના પદો પર મહિલાઓનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું હોવા છતાં સંપૂર્ણ ઈકોસીસ્ટમમાં મહિલાઓનું યોગદાન નોંધપાત્ર છે.
મંત્રાલયના આંકડા મુજબ, ૧.૧૬ મિલિયન મહિલાઓ વિવિધ સક્રિય કંપનીમાં ડાયરેક્ટર પદે છે, જ્યારે દેશભરમાં કુલ ડાયરેક્ટરની સંખ્યા ૩.૯ મિલિયન છે. ભારતમાં ૨.૧૪ મિલિયન એક્ટિવ કંપની છે અને તેમાંથી ૫૦૬,૦૦૦થી વધુ કંપની સક્રિયલિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ (LLP) તરીકે નોંધાયેલી છે. છેલ્લા એક દાયકા દરમિયાન ૧.૫૫ મિલિયનથી વધુ કંપની રજિસ્ટર્ડ થઈ છે.
કેન્દ્ર સરકારે લોકસભામાં એક સવાલના જવાબમાં ઉપરોક્ત માહિતી રજૂ કરતી વખતે સ્પષ્ટ કર્યું હતું કે, મહિલા ડાયરેક્ટર્સને સિનિયર લીડરશિપ સુધી પહોંચવામાં અવરોધરૂપ બનતા પરિબળોની ચકાસણી માટે કોઈ ચોક્ક્સ મૂલ્યાંકન થયું નથી. લેખિત જવાબમાં મલહોત્રાએ જણાવ્યું હતું કે, મહિલા ડાયરેક્ટર્સને કોર્પોરેટ ભારતમાં પ્રગતિ કરવામાં પડકારજનક બનતી સ્થિતિઓ અંગે અલગ અભ્યાસ હાથ ધરાયો નથી. મહિલા ડાયરેક્ટર્સની નિમણૂક બાબતે ઘડાયેલા હાલના કાનૂની માળખા મુજબ મહિલાઓને મહત્ત્વના પદ પર નિમણૂક બદલ પ્રોત્સાહનની કોઈ નીતિ અમલમાં નથી. મહિલાઓને ચાવીરૂપ પદો પર નિમણૂક બદલ પ્રોત્સાહન આપવાની કે મહિલાઓની લઘુતમ ભાગીદારી નક્કી કરવા માટેની નવી નીતિ બનાવવા અંગે પણ કોઈ વિચારણા ચાલી રહી નથી. વધુમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, કંપનીસ એક્ટ, ૨૦૧૩ અન્વયે ચેરપર્સન અથવા ચીફ ટેકનોલોજી ઓફિસરના પદની વ્યાખ્યા અપાયેલી નથી અને તેથી આ પદો અંગે મંત્રાલય પાસે માહિતી ઉપલબ્ધ નથી.
અપૂરતા પ્રતિનિધિત્વ બદલ ૫૦ કંપનીને દંડઃ કંપનીમાં ડાયરેક્ટર પદે મહિલાઓની નિમણૂક કરવાની જોગવાઈ કાયદામાં કરાયેલી છે અને તેનું પાલન નહીં કરનારી કંપનીઓને દંડ કરવામાં આવે છે. ૨૦૨૧-૨૨થી ૨૦૨૫-૨૦ દરમિયાન રજિસ્ટ્રાર્સ ઓફ કંપનીઝ દ્વારા ૫૦ હુકમ જારી થયા હતા અને ભંગ કરનારી કંપનીઓને રૂા.૭૧.૦૧ લાખનો દંડ કરાયો હતો. વર્ષ ૨૦૨૧-૨૨માં ભંગ બદલ દંડના બે હુકમ થયા હતા. ૨૦૨૨-૨૩માં આ સંખ્યા વધીને ૧૦ થઈ હતી અને ૨૦૨૩-૨૪માં સૌથી વધુ ૧૯ કિસ્સામાં દંડ કરાયો હતો. ૨૦૨૪-૨૫માં સંખ્યા ઘટીને ૧૧ અને ૨૦૨૫-૨૬માં ૮ થઈ હતી
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
