તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
તહેવારોની મોસમમાં ગ્રામીણ મહિલાઓની કળાને ઓનલાઈન પ્લેટફોર્મ : 'ઇ-સરસ' (eSARAS) પોર્ટલ પર ઉપલબ્ધ છે ૧૪૦૦ થી વધુ ઉત્પાદનો
દીનદયાલ અંત્યોદય યોજના અંતર્ગત ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા તૈયાર હસ્તકલા અને ખાદ્ય ચીજવસ્તુઓ એક જ ક્લિક પર ઉપલબ્ધ : ONDC અને UMANG સાથે જોડાવાથી ડિજિટલ બજારની તકો વધુ મજબૂત

નવી દિલ્હી: ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણી માત્ર ખુશીઓ વહેંચવાનો અવસર નથી, પરંતુ પરંપરા અને લાગણીઓનું પ્રતીક છે. આ તહેવારોની મોસમમાં ઘરની સજાવટથી લઈને પ્રિયજનો માટે ભેટસોગાદોની ખરીદી કરવાનું હવે વધુ સરળ બન્યું છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળની દીનદયાલ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) દ્વારા વિકસિત 'ઇ-સરસ' (eSARAS) પોર્ટલ ગ્રામીણ મહિલા કારીગરોની કળાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે એક અનોખું માધ્યમ બની ગયું છે. આ ડિજિટલ પ્લેટફોર્મ થકી ગ્રાહકો ઘર બેઠા જ દેશભરની પરંપરાગત ચીજવસ્તુઓની ખરીદી કરી શકે છે અને મહિલાઓની આત્મનિર્ભરતામાં ભાગીદાર બની શકે છે.
વિવિધતાસભર ઉત્પાદનો અને ડિજિટલ એકીકરણ:
ઇ-સરસ પ્લેટફોર્મ પર હાલમાં ૧૪૦૦ થી વધુ અનોખા ઉત્પાદનો લિસ્ટેડ કરવામાં આવ્યા છે. જેમાં ખાદ્ય તેમજ ફૂડ પ્રોસેસિંગ ઉત્પાદનો, હસ્તકલા અને હેન્ડલૂમ વસ્તુઓ, માટીકામ અને ગૃહ સુશોભનની સામગ્રી તેમજ કૃષિ અને પશુપાલન આધારિત વિવિધ ચીજોનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મનું ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) અને 'ઉમંગ' (UMANG) જેવા પ્રમુખ ડિજિટલ માધ્યમો સાથે સત્તાવાર એકીકરણ કરવામાં આવ્યું છે, જેના કારણે ગ્રામીણ મહિલાઓ દ્વારા તૈયાર થતી ચીજવસ્તુઓ દેશના ખૂણે-ખૂણે સુધી સરળતાથી પહોંચી રહી છે.
ગુજરાતથી લઈને બિહાર સુધીની હસ્તકલા એક જ છત નીચે:
ભારતની સાંસ્કૃતિક વિવિધતા તેની હસ્તકલામાં સ્પષ્ટ દેખાય છે. ગુજરાતનું પરંપરાગત ભરતકામ અને પ્રખ્યાત બાંધણી, બિહારની મધુબની પેઇન્ટિંગ, છત્તીસગઢના લોહ શિલ્પ તથા રાજસ્થાનની આરસપહાણની કલાત્મક કૃતિઓ હવે આ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આનાથી ગુજરાત સહિત દેશભરની ગ્રામીણ મહિલાઓ સ્થાનિક બજારની સીમાઓ ઓળંગીને રાષ્ટ્રીય સ્તરે ગ્રાહકો સાથે સીધી જોડાઈ રહી છે. આ તહેવારોમાં નાગરિકો 'www.esaras.in' વેબસાઇટની મુલાકાત લઈને પરંપરાગત કારીગરીને અપનાવી શકે છે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવી શકે છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
