તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
ટિકિટ કેન્સલેશનના નામે ઓનલાઈન એપ્સની લૂંટફાટ: ગ્રાહકો પાસેથી ૧૫ ગણી વધુ ફી વસૂલાતા કેન્દ્ર સરકાર એક્શનમાં
એરલાઇન્સ કરતાં બુકિંગ પ્લેટફોર્મ્સ ગ્રાહકોના ખિસ્સા ખંખેરતા હોવાની ચોંકાવનારી ફરિયાદ બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ Agoda સહિતની ટ્રાવેલ એપ્સ વિરુદ્ધ હાઈ-લેવલ તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હી : ઓનલાઈન ટિકિટ બુકિંગ એપ્સ દ્વારા કેન્સલેશન ફીના નામે ગ્રાહકો સાથે થતી ખુલ્લી લૂંટ હવે સરકારના રડારમાં આવી ગઈ છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ્સની મનસ્વીતા અને ગેરરીતિઓને રોકવા માટે ગ્રાહક બાબતોના વિભાગ અને કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ (CCPA) ને ઉચ્ચ સ્તરીય તપાસના કડક આદેશ આપ્યા છે. સરકાર હવે એ તપાસ કરી રહી છે કે Agoda સહિતની જાણીતી ટ્રાવેલ વેબસાઇટ્સ ગ્રાહકો પાસેથી એરલાઇન્સના નિયમો અથવા બુકિંગ સમયે દર્શાવેલી રકમ કરતાં વધુ ચાર્જ વસૂલ કરીને કઈ રીતે છેતરી રહી છે.
આ સમગ્ર કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના રાષ્ટ્રીય સચિવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની સાથે થયેલી છેતરપિંડીની આપવીતી શેર કરી. તેમણે Agoda એપ દ્વારા અકાસા એરલાઇન્સની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ લોકેશનમાં ભૂલ થતાં જ્યારે ટિકિટ કેન્સલ કરી, ત્યારે એપ દ્વારા ₹૪,૭૬૪ નો તોતિંગ કેન્સલેશન ચાર્જ કાપીને માત્ર ₹૧,૫૭૧ નું રિફંડ દર્શાવવામાં આવ્યું હતું. આ આઘાતજનક તફાવત એરલાઇનના સત્તાવાર ચાર્જ કરતાં ક્યાંય વધુ હોવાથી ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
સોશિયલ મીડિયા પર આ ગંભીર ફરિયાદ વાયરલ થતાં જ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ત્વરિત સંજ્ઞાન લીધું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે બુકિંગ પ્લેટફોર્મ્સ ગ્રાહકોને કેન્સલેશનના નિયમો અંગે અંધારામાં રાખે છે કે કેમ અને છૂપી રીતે વધારાના પૈસા પડાવે છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ થશે. આગામી દિવસોમાં CCPA ની આ તપાસના આધારે જો ઓનલાઈન ટ્રાવેલ એપ્સ દોષિત જણાશે, તો ગ્રાહકોના હિત રક્ષણ માટે સરકાર તેમના પર ભારે દંડ ફટકારવા સહિતના કડક કાનૂની પગલાં ભરી શકે છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
