તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
ડુંગળી-લસણે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું: છૂટક મોંઘવારીનો પારો ૫.૫૪ ટકાએ પહોંચ્યો : રેસ્ટોરન્ટમાં જમવું પણ મોંઘું!
CPI શ્રેણીમાં ફુગાવો પ્રથમ વખત ૫ ટકાને પાર: ગ્રામીણ ભારતમાં મોંઘવારીનો સર્વાધિક ફટકો : તમિલનાડુ દેશમાં સૌથી મોંઘું રાજ્ય બન્યું!

નવી દિલ્હી: દેશમાં આમ આદમીના રસોડા પર મોંઘવારીનો ભયાનક પ્રહાર થયો છે. સપ્ટેમ્બર મહિનામાં ભારતનો છૂટક ફુગાવો વધીને ૫.૫૪ ટકાના સ્તરે પહોંચી ગયો છે, જે ઓગસ્ટમાં ૪.૮૩ ટકા હતો. નવી ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) શ્રેણી અમલમાં આવ્યા બાદ આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ફુગાવાનો દર ૫ ટકાની ઉપલી સીમાને વટાવી ગયો છે. માર્ચ મહિના પછી સતત છઠ્ઠા મહિને મોંઘવારીમાં ઉછાળો નોંધાયો છે, જેના કારણે સામાન્ય નાગરિકોથી લઈને મધ્યમ વર્ગના લોકોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
આ આકાશી મોંઘવારી પાછળનું મુખ્ય કારણ શાકભાજી અને રસોડાની ચીજવસ્તુઓના ભાવમાં થયેલો વિસ્ફોટક વધારો છે. ખાદ્ય ફુગાવો ઓગસ્ટના ૫.૯૭ ટકાથી ઉછળીને સપ્ટેમ્બરમાં ૭.૭૪ ટકા થઈ ગયો છે. રોજીંદા ખોરાકમાં વપરાતી ડુંગળીનો ફુગાવો રેકોર્ડબ્રેક ૧૦૮.૦૯ ટકા પર પહોંચ્યો છે, જ્યારે લસણનો ફુગાવો ૫૪.૬૨ ટકા અને લીંબુનો ફુગાવો ૩૬.૪૧ ટકા નોંધાયો છે. રસોડા ઉપરાંત બહાર જમવાના શોખીનોને પણ મોટો ફટકો પડ્યો છે, કારણ કે રેસ્ટોરન્ટ, રહેઠાણ અને ખાદ્ય-પીણાં સેવાઓમાં આશરે ૯.૩૯ ટકાનો ભાવવધારો ઝીંકાયો છે.
મોંઘવારીની આ તીવ્ર અસર શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળી રહી છે. ગ્રામીણ ભારતનો છૂટક ફુગાવો ૫.૨૪ ટકાથી વધીને ૬.૦૮ ટકા થઈ ગયો છે, જેની સરખામણીએ શહેરી ફુગાવો ૪.૮૮ ટકા રહ્યો છે. રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુ ૬.૮૧ ટકા સાથે દેશમાં સૌથી વધુ મોંઘવારી ધરાવતું રાજ્ય બન્યું છે, જ્યારે ઓડિશા, મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ પણ મોંઘવારીની ઝપેટમાં અગ્રેસર રહ્યા છે. ડુંગળી અને લસણના ભડકે બળતા ભાવથી હાલ તુરંત રાહત મળવાના કોઈ એંધાણ દેખાતા નથી.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
