<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ONGCને ઓડીસામાં મોટી સફળતા: મહાનદી બેસિનમાં કુદરતી ગેસનો નવો ભંડાર મળ્યો

‘સમુદ્ર મંથન’ અભિયાન હેઠળ થયેલી આ પ્રથમ મોટી સફળતા: નવી ગેસ શોધથી દેશમાં ઊર્જા જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે

ONGCને ઓડિશાના કાંઠેથી કુદરતી ગેસનો નવો ભંડાર મળતા મોટી સફળતા મળી છે. ઓડિશાથી આશરે 43 કિલોમીટર દૂર મહાનદી બેસિનમાં આ ગેસનો જથ્થો મળી આવ્યો છે. ‘સમુદ્ર મંથન’ અભિયાન હેઠળ થયેલી આ પ્રથમ મોટી સફળતા હોવાનું જણાવાઈ રહ્યું છે. નવી ગેસ શોધથી દેશમાં ઊર્જા જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે અને આયાત બિલમાં ઘટાડો થવાની આશા છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આ શોધને મોટી સિદ્ધિ ગણાવી છે.

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) એ ઓડિશાના દરિયાકાંઠેથી આશરે 43 કિલોમીટર દૂર ઊંડા દરિયામાં મહાનદી બેસિનમાંથી કુદરતી ગેસની નવી અને મહત્વપૂર્ણ શોધ કરી છે. આ શોધ 18 સપ્ટેમ્બરના રોજ અંદાજે 1450 મીટરની ઊંડાઈએ આવેલા ‘MDW 28’ નામના કૂવામાં થઈ હતી, જ્યાં છેલ્લા ત્રણ દિવસથી સતત સારા પ્રેશર અને ઝડપ સાથે ગેસ નીકળી રહ્યો છે. જોકે, ગેસના કુલ ભંડારનો ચોક્કસ આંકડો હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી.

ભારત માટે આ શોધ અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે, કારણ કે તેનાથી દેશનું તેલ અને ગેસ આયાત બિલ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. હવે પછીના પરીક્ષણોથી એ સ્પષ્ટ થશે કે આ કૂવામાંથી કેટલો ગેસ કાઢી શકાશે અને તેનું વ્યાપારી ઉત્પાદન કેટલું આર્થિક ફાયદાકારક સાબિત થશે. ONGC એ જણાવ્યું છે કે કંપની ઊંડા અને અતિ-ઊંડા દરિયાઈ વિસ્તારોમાં ઓઇલ અને ગેસની શોધખોળ આગળ પણ ચાલુ રાખશે

(11:59 AM IST)