તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
વન નેશન વન ઇલેક્શન પર બ્રેક! ૨૦૩૪ પહેલાં મોદી સરકારનું સપનું અધૂરું રહેવાની આશંકા
જેપીસીનો આ વિલંબ મોદી સરકાર માટે બહુમતી સાબિત કરવાનો લોઢાના ચણા ચાવવા જેવો ખેલ સાબિત થશે

નવી દિલ્હી, તા.૩૦: કેન્દ્રની મોદી સરકારના સૌથી મહત્વાકાંક્ષી અને ચર્ચાસ્પદ પ્રોજેક્ટ વન નેશન વન ઇલેક્શન ને મોટો કાનૂની અને રાજકીય ઝટકો લાગવાના સંકેતો મળી રહ્યા છે. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ પી.પી. ચૌધરીની આગેવાની હેઠળની પેનલે સ્પષ્ટ ઈશારો કર્યો છે કે તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી થાય તો પણ ૨૦૩૪ પહેલાં દેશભરમાં એકસાથે ચૂંટણીઓ યોજવી અશકય જેવું છે. ચોમાસા સત્રમાં આ બિલ અંગેનો રિપોર્ટ રજૂ થવાની સંભાવના નહિવત હોવાથી સરકારના આ પ્લાન પર હાલ પૂરતી બ્રેક લાગી ગઈ છે, કારણ કે ૩૯ સભ્યોની આ સમિતિ હજુ દેશના અનેક રાજ્યોમાં પરામર્શ પ્રક્રિયા જ પૂર્ણ કરી શકી નથી.
આ વિલંબ પાછળનું મુખ્ય કારણ સંસદમાં જરૂરી આંકડાકીય માયાવી બહુમતી અને જટિલ બંધારણીય સુધારાઓ છે, જેને પસાર કરવા માટે સરકાર પાસે પૂરતું સંખ્યાબળ નથી. ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી બાદ ભાજપ પાસે ૨૪૦ અને એનડીએ ગઠબંધન પાસે ૨૯૩ બેઠકો છે, જે લોકસભામાં ખાસ બે-તળતીયાંશ બહુમતી (૩૬૨ મતો) ના જાદુઈ આંકડાથી ઘણી દૂર છે. તેવી જ રીતે, વર્ષ ૨૦૨૬ની રાજ્યસભા ચૂંટણીઓ (માર્ચ અને જૂન) પછી ઉપલા ગળહમાં એનડીએનું સંખ્યાબળ ૧૪૧ થી ૧૫૩ બેઠકો સુધી પહોંચ્યું હોવા છતાં, તે બંધારણીય સુધારા માટે જરૂરી ૧૬૪ મતોની સરખામણીએ હજુ પણ પાછળ છે. આ પરિસ્થિતિમાં બિલ પસાર કરાવવા માટે વાયએસઆર કોંગ્રેસ અથવા બીજેડી જેવા બિન-ગઠબંધન પક્ષોની મદદ વિના સરકાર માટે આગળ વધવું અત્યંત મુશ્કેલ છે.
માત્ર સંસદ જ નહીં, પરંતુ આ કાયદાને અમલી બનાવવા માટે દેશના બંધારણની કલમ ૮૩, ૧૭૨ અને ૩૨૪એ માં મોટા ફેરફારો કરવા પડે તેમ છે, જે ભારતના સંઘીય માળખાને સીધી અસર કરે છે. નિયમ મુજબ સંસદના બંને ગળહોમાં વિશેષ બહુમતીથી પાસ થયા બાદ, દેશના ઓછામાં ઓછા ૫૦ ટકા રાજ્યોની વિધાનસભાઓમાંથી આ બિલને સામાન્ય બહુમતીથી મંજૂર કરાવવું ફરજિયાત છે. વિપક્ષી પક્ષો દ્વારા આ પ્રસ્તાવને રાજ્યોના બંધારણીય અધિકારો પર તરાપ ગણાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સરકાર ૨૦૨૯ની ચૂંટણી પહેલા મહિલા અનામત અને સીમાંકન બિલ સાથે આ મુદ્દાને જોડીને નવો રાજકીય દાવ ખેલવાની તૈયારી કરી રહી છે જે આગામી સમયમાં ભારતીય રાજકારણમાં મોટો ગરમાવો લાવશે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
