<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

શ્રાઈન બોર્ડ દ્વારા યાત્રાના ત્રણ દિવસ પહેલા જ ઓન સ્‍પોટ રજીસ્‍ટ્રેશન શરૂ

અમરનાથ યાત્રા ૨૦૨૬: પહલગામ નરસંહારના ડર વિના ભક્‍તોમાં ભારે ઉત્‍સાહ

જમ્‍મુઃ અમરનાથ યાત્રા માટે ઓનલાઈન રજીસ્‍ટ્રેશનમાં થયેલા ઘટાડાને ધ્‍યાનમાં રાખીને શ્રાઈન બોર્ડ દ્વારા યાત્રા શરૂ થવાના ત્રણ દિવસ પહેલા જ આજે ઑફલાઇન એટલે કે ઓન સ્‍પોટ રજીસ્‍ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્‍યું છે.

આતંકવાદી હુમલા અને પહલગામ નરસંહાર (ઓપરેશન સિંદૂર) જેવી હચમચાવી દેનારી ઘટનાઓ પછી પણ શિવભક્‍તોમાં કોઈ જ ડર કે ભય જોવા મળી રહ્યો નથી. બમ બમ ભોલેના નાદ અને આધ્‍યાત્‍મિક ઉત્‍સાહ સાથે મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્‍યા છે.

શુક્રવાર ૩ જુલાઈથી શરૂ થનારી આ પવિત્ર યાત્રા માટે જમ્‍મુના ભગવતીનગર યાત્રી નિવાસથી આવતીકાલે ૨ જુલાઈએ પહેલો જથ્‍થો રવાના થશે.

જે લોકોએ ડિજિટલ નોંધણી કરાવી નથી તેમના માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ કેન્‍દ્રો ઊભા કરાયા છે. સવારથી જ પરમિટ મેળવવા ભક્‍તોની લાંબી કતારો લાગી છે. સરસ્‍વતી ધામ અને વૈષ્‍ણવી ધામમાં સામાન્‍ય લોકોની અવરજવર બંધ કરી દેવાઈ છે.

દેશના ખૂણે ખૂણેથી આવેલા શ્રદ્ધાળુઓ સેના પર સંપૂર્ણ ભરોસો વ્‍યક્‍ત કરી રહ્યા છે. મુંબઈથી ૧૫ લોકોના ગ્રુપ સાથે આવેલા શ્રદ્ધાળુ શકદીપ ઝા અને અન્‍ય યાત્રાળુઓએ સ્‍પષ્ટ કહ્યું કે જ્‍યાં સુધી આપણી સેના છે ત્‍યાં સુધી અમને કોઈનો ડર નથી. ગત વર્ષના હુમલાઓ છતાં લોકોનો આત્‍મવિશ્વાસ અડગ છે અને તેઓ અન્‍ય લોકોને પણ મોટી સંખ્‍યામાં યાત્રામાં જોડાવા હાકલ કરી રહ્યા છે

(1:36 PM IST)