News of Tuesday, 10th November 2026
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' જોવા માટે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું
ગુજરાત સહિત દેશભરમાંથી લોકો એડવાન્સ ઓનલાઇન બુકિંગ કરાવી પહોંચ્યા: સમગ્ર એકતા નગરમાં ઉત્સાહનો માહોલ

દિવાળીના મિની વેકેશન અને તહેવારોની રજાઓની મોજ માણવા માટે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પ્રવાસીઓ માટે સર્વોચ્ચ પસંદગીનું કેન્દ્ર બની ગયું છે. સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી વિરાટ પ્રતિમાને પ્રત્યક્ષ નિહાળવા માટે સમગ્ર ગુજરાત સહિત દેશના ખૂણે-ખૂણેથી હજારો પ્રવાસીઓનું ઘોડાપૂર કેવડિયા ખાતે ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ પરિસરમાં પ્રવેશવા અને વ્યુઇંગ ગેલેરી સુધી પહોંચવા માટે પર્યટકોની લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે. પ્રવાસીઓના ભારે ધસારાને પગલે સમગ્ર કેવડિયા કોલોની વિસ્તારમાં ભારે ચહલપહલ અને અદભુત ઉત્સાહનો માહોલ સર્જાયો છે.
માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ હજારો પ્રવાસીઓ દિવાળી વેકેશનનો આનંદ માણવા સરદાર સાહેબના સાનિધ્યમાં પહોંચ્યા છે.તહેવારો દરમિયાન ધસારો રહેવાની અપેક્ષાએ મોટાભાગના પ્રવાસીઓએ અગાઉથી જ સત્તાવાર પોર્ટલ પરથી ઓનલાઇન ટિકિટ બુક કરાવી લીધી હતી. સ્લોટ મુજબ પ્રવેશ છતાં પરિસરમાં માનવ મહેરામણ છલકાઈ રહ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે જંગલ સફારી, નર્મદા આરતી, કેક્ટસ ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, ગ્લો ગાર્ડન અને રિવર રાફ્ટિંગ જેવા તમામ પ્રવાસન આકર્ષણો પણ હાઉસફુલ થઈ ગયા છે.પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે એકતા નગર ઓથોરિટી તેમજ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ઈ-બસ પરિવહનની વ્યવસ્થાને વધારીને સુગમ બનાવવામાં આવી છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
