<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

ભારતીય કેપ્ટન પર હુમલાનો આરોપી ઓમાનનો સહપાઇલટઃ નામ હજી જાહેર નહીં; શા માટે નામ છુપાવાય છે? આતંકી કડી અને પૂર્વ આયજન તથા ઘટનાના હેતુ અંગે તપાસ ચાલુ

સંયુક્ત આરબ અમીરાતના એટર્ની જનરલ ડૉ. હમદ સૈફ અલ શમ્સીએ વિશેષ તપાસ ટીમ રચવાનો આદેશ આપ્યો છે. તપાસમાં ઘટનાનું કારણ, હુમલાનો હેતુ, સંભવિત આતંકી જોડાણ તેમજ અગાઉથી આયોજન કે કોઈના નિર્દેશની શક્યતા ચકાસવામાં આવશે

દુબઈ/તેલ અવીવ: દુબઈથી ઇઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ એફઝેડ ૧૦૭૩માં તા. ૩૦ સપ્ટેમ્બરે સર્જાયેલા ગંભીર બનાવમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરની હિંમત તથા મુસાફરો અને વિમાનકર્મીઓની સમયસર દરમિયાનગીરીથી મોટી હવાઈ દુર્ઘટના ટળી હતી. ઇઝરાયેલી અધિકારીઓના જણાવ્યા અનુસાર સહપાઇલટે કેપ્ટન પર ધારદાર હથિયારથી હુમલો કરીને વિમાનને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા સ્મિતે કોકપિટનો દરવાજો ખોલતાં અંદર મદદ પહોંચવી શક્ય બની હતી.

વિમાન અચાનક ઝડપથી નીચે ઊતરવા લાગતાં મુસાફરો માટે ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે યાનિવ હાયુન, ત્ઝવિકા માનેસ અને અસફ રાજુઆન દોડીને કોકપિટમાં પહોંચ્યા અને હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગના વર્ણન મુજબ યાનિવે વિમાનના નિયંત્રણને સ્થિર કરવામાં પણ ભૂમિકા ભજવી હતી. ત્ઝવિકાનાં પત્ની તાલીએ કોકપિટમાં ગડબડ અંગે સૌપ્રથમ ચેતવણી આપી હતી.

વિમાનમાં મુસાફરી કરી રહેલા દંતચિકિત્સક ડૉ. શોટા મુસાયેવે ઘાયલ કેપ્ટનને તાત્કાલિક સારવાર આપી હતી. તેમણે ભારે રક્તસ્રાવ રોકવામાં અને સ્મિતની સ્થિતિ સ્થિર કરવામાં મદદ કરી હતી. ત્યારબાદ વિમાનમાં હાજર અન્ય પાઇલટોએ વિમાન સંભાળી સાઉદી અરેબિયાના તબૂક ખાતે સુરક્ષિત ઉતરાણ કરાવ્યું હતું. આમ, કેપ્ટન, મદદે આવેલા મુસાફરો અને વિમાનકર્મીઓના સંયુક્ત પ્રયાસોથી વિમાન અને ૧૭૪ મુસાફરોનો બચાવ શક્ય બન્યો હતો.

આરોપી કોણ? ઓમાનની નાગરિકતા અંગે માહિતી, પરંતુ નામ અને સંપૂર્ણ ઓળખ હજી ભેદી રીતે ગુપ્ત રાખી

હુમલાનો આરોપી એ જ ફ્લાઇટનો સહપાઇલટ હતો. ઇઝરાયેલી અધિકારીઓએ તેની ઓળખ ઓમાનના નાગરિક તરીકે આપી છે, પરંતુ તેનું નામ જાહેર કર્યું નથી. તેનું ચોક્કસ વતન, ઉંમર, તાલીમ અને અગાઉની નોકરી અંગે પણ સત્તાવાર રીતે પ્રમાણિત સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ નથી. તેના વિશે ફરતા વ્યક્તિગત અને ધાર્મિક વર્તનના દાવાઓને તપાસના અંતિમ તારણ તરીકે સ્વીકારી શકાય નહીં.

સંયુક્ત આરબ અમીરાતના એટર્ની જનરલ ડૉ. હમદ સૈફ અલ શમ્સીએ વિશેષ તપાસ ટીમ રચવાનો આદેશ આપ્યો છે. તપાસમાં ઘટનાનું કારણ, હુમલાનો હેતુ, સંભવિત આતંકી જોડાણ તેમજ અગાઉથી આયોજન કે કોઈના નિર્દેશની શક્યતા ચકાસવામાં આવશે. સત્તાવાળાઓએ તપાસ પૂરી થાય તે પહેલાં અટકળો અને અપ્રમાણિત વિગતો ન ફેલાવવા જણાવ્યું છે. તેથી આ બનાવ પાછળ કોઈ ચોક્કસ દેશ કે સંગઠનનો હાથ હોવાનો નિશ્ચિત દાવો હાલ કરી શકાય નહીં.

સ્મિતની તબિયતમાં સુધારોઃ અબુધાબીમાં વધુ સારવાર; ચાર મદદગાર મુસાફરોના સન્માનની ભલામણ

સ્મિત મચ્છરની તબૂકમાં તાત્કાલિક શસ્ત્રક્રિયા કરવામાં આવ્યા બાદ તેમને વધુ સારવાર માટે સંયુક્ત આરબ અમીરાત ખસેડવામાં આવ્યા છે. અબુધાબી લઈ જવાયાના અહેવાલો વચ્ચે ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. અમીરાતમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે હોસ્પિટલમાં સ્મિત અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવતાં જણાવ્યું કે ગંભીર રીતે ઘવાયા છતાં અન્ય લોકોના જીવ બચાવવાનો તેમનો સંકલ્પ અડગ રહ્યો હતો.

ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ યાનિવ હાયુન, ત્ઝવિકા માનેસ, અસફ રાજુઆન અને ડૉ. શોટા મુસાયેવને નાગરિક શૌર્ય માટેના રાષ્ટ્રપતિ પુરસ્કારની ભલામણ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ફ્લાયદુબઈએ તપાસ ચાલુ રહે ત્યાં સુધી ઇઝરાયેલ જતી અને ત્યાંથી આવતી પોતાની ઉડાનો અસ્થાયી રીતે સ્થગિત કરી છે.

 અસલી મહાનાયકોને ઓળખો   

કેપ્ટન સ્મિત મચ્છર, જેમણે છરીનો ઘા વાગવા છતા હુમલાખોરનો સામનો કર્યો અને કોકપિટનો દરવાજો ખોલ્યો.

અસફ રેડજુઆન, જેઓ હુમલાખોરને કાબૂમાં લેવા ધસી ગયા.

ઇઝરાયેલી પિતા ત્ઝવિકા માન્સ, જેમણે હુમલાખોરને તારથી બાંધી દીધો, જેથી તે હલનચલન ન કરી શકે.

યાનિવ હાયોન, જેમણે વિમાનનું નિયંત્રણ સંભાળ્યું અને તેને સ્થિર રાખ્યું.

ડૉ. શોટા મુસાએવ, જેમણે કેપ્ટનની સારવાર કરી અને ભારે રક્તસ્રાવ અટકાવ્યો.

આ સૌએ સાથે મળીને કામ કર્યું અને તમામ ૧૭૪ મુસાફરો સુરક્ષિત રીતે ઊતરે તે સુનિશ્ચિત કર્યું. ખરેખર, આ સાચા બહાદુરો છે!

(11:48 PM IST)