News of Saturday, 9th May 2026
ઓલિમ્પિકના અખાડાથી ગુનેગારોના એન્કાઉન્ટર સુધી: યુપી પોલીસના આ 'ચુલબુલ પાંડે' પર બનશે દમદાર વેબ સિરીઝ, જેના નામથી માફિયાઓ ફફડે છે!
અર્જુન એવોર્ડ વિજેતા અને ફિટનેસ આઈકોન ASP અનુજ ચૌધરીની રોમાંચક સફર હવે રૂપેરી પડદે; અનેક મોટા પ્રોડક્શન હાઉસ બાયોપિક બનાવવા માટે લાઈનમાં

ફિરોઝાબાદ : ઉત્તર પ્રદેશ પોલીસના એક એવા અધિકારી જેમની પીચકારી જોઈને નહીં, પણ જેમનું નામ સાંભળીને જ ગુનેગારોને પરસેવો છૂટી જાય છે, તેવા ASP અનુજ ચૌધરી હવે ફિલ્મી પડદે છવાઈ જવા માટે તૈયાર છે. ઓલિમ્પિક કુસ્તીબાજથી લઈને એક શક્તિશાળી પોલીસ અધિકારી સુધીની તેમની ફિલ્મી જેવી લાગતી સાચી સફર પર વેબ સિરીઝ અથવા ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અનેક મોટા પ્રોડક્શન હાઉસે આ 'સુપરકોપ'ના જીવનને જનતા સમક્ષ મૂકવા માટે રસ દાખવ્યો છે.
મેદાનમાં મેડલ અને મેદાન-એ-જંગમાં એન્કાઉન્ટર
મુઝફ્ફરનગરના વતની અનુજ ચૌધરીની કારકિર્દી કોઈ બોલિવૂડ બ્લોકબસ્ટરથી ઓછી નથી. તેઓ એક આંતરરાષ્ટ્રીય સ્તરના કુસ્તીબાજ રહી ચૂક્યા છે. ૨૦૦૪માં એથેન્સ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા અનુજ ચૌધરીએ કોમનવેલ્થ ગેમ્સમાં બે વખત સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. રમતગમતમાં તેમના અપ્રતિમ યોગદાન બદલ રાષ્ટ્રપતિ દ્વારા તેમને પ્રતિષ્ઠિત 'અર્જુન એવોર્ડ'થી પણ નવાજવામાં આવ્યા છે. ૨૦૧૪ સુધી તેઓ કુસ્તીમાં નેશનલ ચેમ્પિયન રહ્યા હતા.
ખાખીનો ખોફ: જ્યારે રેસલર બન્યા ઓફિસર
સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ યુપી પોલીસમાં જોડાયેલા અનુજ ચૌધરીએ જે રીતે અખાડામાં વિરોધીઓને પછાડ્યા હતા, તેવી જ રીતે પોલીસ યુનિફોર્મમાં ગુનેગારોના હાડકાં ગણ્યા છે. ઓગસ્ટ ૨૦૧૫માં એડિશનલ એસપી તરીકે પ્રમોશન મેળવનાર અનુજ ચૌધરી પોતાની કડક કાર્યશૈલી અને નિખાલસ નિવેદનો માટે જાણીતા છે. સંભલ અને હવે ફિરોઝાબાદમાં તેમની પોસ્ટિંગ દરમિયાન તેમણે અનેક કુખ્યાત ગુનેગારો સામે એક્શન લીધા છે, જેના કારણે તેમને યુપી પોલીસના 'ચુલબુલ પાંડે' તરીકે ઓળખવામાં આવે છે.
સોશિયલ મીડિયાના સ્ટાર અને જનતાના ફેવરિટ
માત્ર મેદાનમાં જ નહીં, સોશિયલ મીડિયા પર પણ અનુજ ચૌધરીનો દબદબો છે. લાખો ફોલોઅર્સ ધરાવતા આ અધિકારી પોતાની ફિટનેસ અને જીવનશૈલીથી લાખો યુવાનોને પ્રેરણા આપે છે. એએસપી અનુજ ચૌધરીએ જણાવ્યું કે, જો કોઈ પ્રોડક્શન હાઉસ તેમની રાષ્ટ્ર માટેની રમતની સફર અને ખાખીમાં રહીને સમાજસેવાની વાર્તાને ન્યાય આપી શકશે, તો તેઓ ચોક્કસપણે પોતાની બાયોપિક માટે સહમતી આપશે.
અર્જુન એવોર્ડ માટેનો એ સંઘર્ષ
તેમના જીવનમાં માત્ર સફળતા જ નહીં પણ સંઘર્ષ પણ રહ્યો છે. અર્જુન એવોર્ડ માટે તેમને અન્યાય થયો હોવાનું લાગતા તેઓ દિલ્હીના જંતર મંતર પર ધરણા પર બેસી ગયા હતા. તત્કાલીન રમતગમત મંત્રી સુનીલ દત્તે પોતે આવીને તેમના ઉપવાસ તોડાવ્યા હતા અને બીજા જ વર્ષે તેમનું સન્માન કરાયું હતું. ટૂંક સમયમાં જ દર્શકો આ નીડર અને ફિટ પોલીસ અધિકારીની રોમાંચક જીવનયાત્રા ટીવી સ્ક્રીન પર જોઈ શકશે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
