<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

દિલ્હીની ફેક્ટરીમાં કાળમુખી સેપ્ટિક ટાંકી બની ડેથ ટ્રેપ: ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થતાં 3 શ્રમિકોના તરફડિયા મારીને કરુણ મોત

સાથીદારને બચાવવા જતાં અન્ય બે મિત્રોએ પણ જીવ ગુમાવ્યો: મુંડકા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં બપોરે સર્જાયેલી હોનારતથી અરેરાટી, ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા મૃતદેહ

નવી દિલ્હી, તા.26: રાજધાની દિલ્હીના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુંડકા ઔદ્યોગિક વસાહત (ઇન્ડસ્ટ્રિયલ એરિયા)માંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. શુક્રવારે બપોરે અહીંની એક ફેક્ટરીમાં સેપ્ટિક ટાંકી (ગટરના કૂવા)ની સફાઈ દરમિયાન અંદર એકઠો થયેલો ઝેરી ગેસ શ્વાસમાં ચડી જતાં ત્રણ મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ની ટીમોએ ભારે જહેમત બાદ બચાવ કામગીરી હાથ ધરીને ત્રણેયને બહાર કાઢ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેઓએ દમ તોડી દીધો હતો.
એક પછી એક મોતની ખાઈમાં ઉતરતા ગયા!
આ ભયાનક અકસ્માત શુક્રવારે બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ મુંડકાની ફેક્ટરી નંબર 93/8માં બન્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, સૌથી પહેલા એક મજૂર સેપ્ટિક ટાંકી સાફ કરવા માટે અંદર ઉતર્યો હતો. પરંતુ ટાંકી ખોલતાની સાથે જ તેમાંથી નીકળેલા અત્યંત ઝેરી ગેસના કારણે તેની શ્વાસ લેવાની ક્ષમતા રૂંધાઈ ગઈ અને તે અંદર જ ફસાઈ ગયો. તેને તરફડિયા મારતો જોઈ, બહાર ઉભેલા તેના અન્ય બે સાથી મજૂરો તેને બચાવવા માટે એક પછી એક ટાંકીમાં ઉતર્યા હતા. પરંતુ કાળનો આંટો એવો હતો કે ઝેરી ગેસે ત્રણેયને પોતાની લપેટમાં લઈ લીધા અને ત્રણેય મિત્રો અંદર જ બેભાન થઈ ગયા.
ભારે ટ્રાફિક જામ વચ્ચે ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ
બપોરે 12:03 વાગ્યે જ્વાલા પુરી ફાયર સ્ટેશનને આ ઘટનાની માહિતી મળતા જ ફાયર ફાઈટર્સના બે વાહનો ઘટનાસ્થળે રવાના કરાયા હતા. જો કે, રસ્તામાં ભારે ટ્રાફિક જામ હોવાના કારણે તાત્કાલિક ટિકરી ફાયર સ્ટેશનથી વધારાની ટીમો મોકલવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ (DDMA) દ્વારા મુંડકાના એસડીએમ (SDM)ને પણ સ્થળ પર બોલાવી લેવાયા હતા. અગ્નિશામકોએ ભારે જહેમત બાદ ઓક્સિજન માસ્ક પહેરીને ત્રણેય મજૂરોને ટાંકીમાંથી બહાર કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
મૃતક શ્રમિકોની ઓળખ:
મૃત્યુ પામેલા ત્રણેય મજૂરો દિલ્હીના જ સુલતાનપુરી વિસ્તારના ઇન્દિરા તળાવ ઝૂંપડપટ્ટીના રહેવાસી હતા અને રોજગારી માટે અહીં આવ્યા હતા.
•    અરુણ (ઉંમર: 38 વર્ષ)
•    સંદીપ (ઉંમર: 32 વર્ષ)
•    ચાંદ (ઉંમર: 42 વર્ષ)
પોલીસે શરૂ કરી કાયદેસરની તપાસ
આ ઘટના બાદ મુંડકા પોલીસ સ્ટેશને ત્રણેય શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ફેક્ટરીમાં મજૂરોને ઉતારતી વખતે કોઈપણ પ્રકારના સેફ્ટી ગીયર્સ (સુરક્ષા સાધનો જેમ કે માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર) આપવામાં આવ્યા હતા કે નહીં, અને ફેક્ટરી માલિક દ્વારા સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે કે નહીં તેની પોલીસ બારીકાઈથી તપાસ કરી રહી છે. બેદરકારી સાબિત થ્યે ફેક્ટરી પ્રબંધન સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે તેમ ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે.

(4:19 PM IST)