તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
ઓલા-ઉબર કેબમાં હવે લાગશે મીટરઃ કંપની મનફાવે તેવું ભાડું નહીં વસૂલી શકે
Ola, Uber કે Namma Yatri જેવી એપ આધારિત કેબ સર્વિસનો ઉપયોગ કરતા મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યાઃ સરકાર લાવી રહી છે નવો નિયમ

બેંગ્લોર તા.૧૭: Ola, Uber કે Namma Yatri જેવી એપ આધારિત કેબ સર્વિસનો ઉપયોગ કરતા મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કર્ણાટક સરકારે હવે એપ આધારિત કેબ અને ટેક્સીઓમાં પણ ઓટોરિક્ષાની જેમ ફિઝિકલ મીટર લગાવવાનું ફરજિયાત બનાવવાની તૈયારી શરૂ કરી છે. રાજ્યના પરિવહન મંત્રી બાયરથી સુરેશે આ અંગે જાહેરાત કરી છે. નવા નિયમો લાગુ થયા બાદ કેબ અને ઓટોરિક્ષા મીટર વગર રસ્તા પર દોડી શકશે નહીં. ખાસ વાત એ છે કે એરપોર્ટ પર ચાલતી ટેક્સીઓને પણ આ નિયમના દાયરામાં લાવવામાં આવશે.
પરિવહન મંત્રીના જણાવ્યા અનુસાર, આ નિર્ણયને અમલમાં મૂકવા માટે પરિવહન વિભાગ નિયમોનો ડ્રાફટ તૈયાર કરી રહ્યું છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા આ અંગે સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવી શકે છે. મંત્રીએ સંકેત આપ્યો છે કે નવા નિયમો નવા વર્ષ સુધીમાં લાગુ થઈ શકે છે. જો કોઈ વાહનચાલક નિયમોનું પાલન નહીં કરે તો વાહન જપ્ત કરવાની સાથે દંડ પણ ફટકારવામાં આવી શકે છે.
નવા નિયમ મુજબ દરેક કેબમાં ઓટોરિક્ષાની જેમ અલગથી ફિઝિકલ મીટર લગાવવું પડશે. મુસાફરોએ મીટરમાં દેખાતી રકમ પ્રમાણે જ ભાડું ચૂકવવાનું રહેશે. એટલે કે કેબ કંપનીઓ માત્ર પોતાની મોબાઈલ એપમાં મીટરની સુવિધા આપીને નિયમનું પાલન કરી શકશે નહીં. દરેક વાહનમાં ફિઝિકલ મીટર લગાવવું ફરજિયાત રહેશે.
પરિવહન મંત્રી બાયરથી સુરેશે જણાવ્યું છે કે, પરિવહન વિભાગ દ્વારા અગાઉથી જ પ્રતિ કિલોમીટરનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આથી કેબ સંચાલકો મુસાફરો પાસેથી મનફાવે તેવું ભાડું વસૂલી શકશે નહીં. મુસાફરે મીટરમાં જેટલું ભાડું દેખાય એટલી જ રકમ ચૂકવવાની રહેશે. મંત્રીના નિવેદન પ્રમાણે, આ નિયમ હેઠળ મોબાઈલ એપ અથવા ફોનના આધારે ભાડું નક્કી કરવાની વ્યવસ્થાને મંજૂરી આપવામાં આવશે નહીં.
આ નવા નિયમની ખાસ વાત એ છે કે તેનો અમલ માત્ર કર્ણાટકમાં નોંધાયેલી (રજિસ્ટર) ટેક્સીઓ પૂરતો સીમિત નહીં રહે. રાજ્યની બહારથી આવીને કર્ણાટકમાં કેબ સર્વિસ આપતા ટેક્સી સંચાલકોએ પણ પોતાની ગાડીઓમાં ફિઝિકલ મીટર લગાવવું પડશે. એટલે કે રાજ્યમાં સેવા આપતી તમામ ટેક્સીઓએ નક્કી કરેલા નિયમોનું પાલન કરવું પડશે.
મંત્રી બાયરથી સુરેશના જણાવ્યા પ્રમાણે, કર્ણાટકના સ્થાનિક ટેક્સી ડ્રાઇવરો અને સંચાલકો લાંબા સમયથી ગાડીઓમાં મીટર લગાવવાની માગ કરી રહ્યા હતા. મોટાભાગના ડ્રાઇવરો આ નિર્ણય સાથે સહમત છે. જ્યારે અન્ય સંચાલકોએ પણ પોતાની ગાડીઓમાં મીટર લગાવવાની તૈયારી દર્શાવી છે.
સરકારનું કહેવું છે કે આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ કેબ સર્વિસમાં મનમાની રીતે ભાડું વસૂલવાની પ્રથા પર પ્રતિબંધ લગાવવાનો છે. ઘણી વખત મુસાફરોને એક જ અંતર માટે અલગ-અલગ ભાડું ચૂકવવું પડે છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ નક્કી કરેલા પ્રતિ કિલોમીટર દર અને મીટરના આધારે ભાડું વસૂલવામાં આવશે. જોકે, આ નિયમોનો વાસ્તવિક અમલ ક્યારે શરૂ થશે તે અંગે સરકારના સત્તાવાર આદેશની રાહ જોવાઈ રહી છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
