News of Thursday, 30th April 2026
હોર્મુઝની નાકાબંધીથી તેલના ભાવમાં ભડકો: ટ્રમ્પનો દુનિયાને ગુપ્ત સંદેશ
ક્રૂડ ઓઈલ $126 પર પહોંચતા વૈશ્વિક અર્થતંત્રમાં હાહાકાર: ઈરાનની $140ની ચેતવણી સામે અમેરિકાએ આંતરરાષ્ટ્રીય સૈન્ય ગઠબંધન બનાવવા કમર કસી

વોશિંગ્ટન: હોર્મુઝમાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક તેલ બજારમાં આગ લાગી છે. ક્રૂડ ઓઈલના ભાવ ચાર વર્ષની સર્વોચ્ચ સપાટી $126 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે, જેણે ફુગાવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વિશ્વના 20% તેલ પુરવઠાને અસર થતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યંત ગુપ્ત રાજદ્વારી કેબલ દ્વારા સાથી દેશોને સંદેશ મોકલ્યો છે. અમેરિકા હવે આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગને ખોલવા માટે એક શક્તિશાળી આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવાની યોજના ઘડી રહ્યું છે, જેથી શિપિંગ સેવાઓ પુનઃસ્થાપિત કરી શકાય.
બીજી તરફ, ઈરાને અમેરિકી નાકાબંધીને પડકારતા તેલના ભાવ $140 સુધી જવાની ભવિષ્યવાણી કરી છે. ઈરાન-અમેરિકા યુદ્ધના બે મહિના બાદ પણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી ઉર્જા સંકટ વધુ ઘેરું બન્યું છે. અમેરિકા ઈરાનના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન તેલ નિકાસને અટકાવી તેને વાટાઘાટોના ટેબલ પર લાવવા મથામણ કરી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર હવે ઈરાન સામે નવા લશ્કરી હુમલાઓ કરવાની પણ યોજના બનાવી રહ્યું છે, જેની બ્રીફિંગ ટૂંક સમયમાં યોજાવાની શક્યતા છે.
રાજકીય માહોલ ત્યારે વધુ ગરમાયો જ્યારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મશીનગન સાથેનો પોતાનો ફોટો મૂકી "હું હવે શ્રી નાઇસ નથી રહ્યો" એવી ચેતવણી આપી. ઈરાને પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેની સુરક્ષા સામે ખતરો રહેશે ત્યાં સુધી તે જહાજોને અવરોધવાનું ચાલુ રાખશે. આ ખેંચતાણને કારણે વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને આર્થિક મંદીનું જોખમ તોળાઈ રહ્યું છે. હવે આંતરરાષ્ટ્રીય સમુદાય અમેરિકાના આ 'ગુપ્ત મિશન'માં જોડાશે કે કેમ તેના પર સૌની નજર છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
