તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Sunday, 9th August 2026
રાષ્ટ્રીય સ્તર પર એલપીજીના ભાવ અંગે ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો મોટો નિર્ણય: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા પણ કોમર્શિયલ ગ્રાહકોને રાહત, જાણો તમારા શહેરના નવીનતમ દરો
વૈશ્વિક બજાર અને પુરવઠા સ્થિતિ વચ્ચે ઘરેલુ ૧૪.૨ કગ્રા સિલિન્ડરના ભાવ જૂના સ્તરે યથાવત રખાયા, જ્યારે ૧૯ કગ્રાના કોમર્શિયલ સિલિન્ડરમાં નોંધપાત્ર ઘટાડો તથા બુકિંગ માટે ઓટીપી અને દિવસ મર્યાદાના કડક નિયમો લાગુ

નવી દિલ્હી / અમદાવાદ:દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા રસોઈ ગેસ (LPG) સિલિન્ડરના નવીનતમ દરો જાહેર કરી દેવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં થતી હલચલ વચ્ચે સામાન્ય ગ્રાહકો માટે ઘરેલુ વપરાશના ૧૪.૨ કિલોગ્રામ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને ભાવ જૂના સ્તરે જ જાળવી રાખવામાં આવ્યા છે. જોકે, હોટેલ, રેસ્ટોરન્ટ અને વેપારી એકમો માટે વાપરવામાં આવતા ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત આપતાં કંપનીઓએ પ્રતિ સિલિન્ડર રૂ. ૨૦૯ સુધીનો ઘટાડો કર્યો છે, જેનાથી વેપારી આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓના આંકડા અનુસાર, છેલ્લા બે મહિના દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કૂલ મળીને રૂ. ૪૦૦ સુધીનો ધરખમ ઘટાડો નોંધાયો છે. જુલાઈ મહિનામાં ૧૯ કગ્રાના સિલિન્ડરમાં રૂ. ૧૭૩ થી ૧૮૩.૫૦ સુધીનો કાપ મુકાયા બાદ તાજેતરના તબક્કામાં પણ રૂ. ૨૦૯ સુધીની રાહત આપવામાં આવી છે. બીજી તરફ, ગૃહિણીઓના ઘરના બજેટને અસર કરતા ઘરેલુ સિલિન્ડરના ભાવમાં હાલ પૂરતો કોઈ વધારો કે ઘટાડો કરાયો નથી. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ઘરેલુ સિલિન્ડરમાં રૂ. ૬૦ અને ત્યારબાદ જૂન મહિનામાં રૂ. ૨૯નો વધારો ઝીંકાયો હતો, જેના કારણે દેશના અનેક શહેરોમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત ૧૦૦૦ રૂપિયાની નજીક કે તેને પાર પહોંચી ગઈ હતી.
મુખ્ય શહેરોમાં ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડરના આજના રેટ:
નવી દિલ્હી: ઘરેલુ સિલિન્ડર રૂ. ૯૪૨.૦૦ | કોમર્શિયલ સિલિન્ડર રૂ. ૨,૭૩૮.૦૦
મુંબઈ: ઘરેલુ સિલિન્ડર રૂ. ૯૪૧.૫૦ | કોમર્શિયલ સિલિન્ડર રૂ. ૨,૬૯૧.૫૦
અમદાવાદ / ગુજરાત: ઘરેલુ સિલિન્ડર રૂ. ૯૪૯.૫૦ | કોમર્શિયલ સિલિન્ડર રૂ. ૨,૭૯૭.૫૦
કોલકાતા: ઘરેલુ સિલિન્ડર રૂ. ૯૬૮.૦૦ | કોમર્શિયલ સિલિન્ડર રૂ. ૨,૮૭૨.૫૦
ચેન્નાઈ: ઘરેલુ સિલિન્ડર રૂ. ૯૫૭.૫૦ | કોમર્શિયલ સિલિન્ડર રૂ. ૨,૯૦૬.૦૦
જયપુર: ઘરેલુ સિલિન્ડર રૂ. ૯૪૫.૫૦ | કોમર્શિયલ સિલિન્ડર રૂ. ૨,૭૬૫.૫૦
લખનૌ: ઘરેલુ સિલિન્ડર રૂ. ૯૭૯.૫૦ | કોમર્શિયલ સિલિન્ડર રૂ. ૨,૮૬૦.૫૦
પટના: ઘરેલુ સિલિન્ડર રૂ. ૧,૦૩૧.૫૦ | કોમર્શિયલ સિલિન્ડર રૂ. ૩,૦૧૮.૦૦
ગેસ સિલિન્ડર બુકિંગ અને વિતરણના નિયમો વધુ કડક કરાયા
દેશમાં એલપીજી સિલિન્ડરનો પૂરતો પુરવઠો જળવાઈ રહે અને બ્લેક માર્કેટિંગ તેમજ ગેરકાયદેસર સંગ્રહખોરી અટકે તે માટે કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓ દ્વારા સિલિન્ડર બુકિંગના નિયમોમાં ભારે કડકાઈ લાવવામાં આવી છે. નવા નિયમો મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં ૨૫ દિવસ અને શહેરી વિસ્તારોમાં ૪૫ દિવસ પહેલાં નવો ઘરેલુ એલપીજી સિલિન્ડર બુક કરી શકાશે નહીં. આ ઉપરાંત, ગેસ ડિલિવરી પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક બનાવવા માટે ‘ઓટીપી’ (OTP) આધારિત સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી છે. ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતો ઓટીપી વેરિફાય કર્યા બાદ જ ડિલિવરી બોય દ્વારા નવો સિલિન્ડર આપવામાં આવશે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
