તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
તમિલનાડુમાં સત્તાના સંગ્રામ વચ્ચે વિજયના શપથગ્રહણ પર સસ્પેન્સ : રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરે સરકાર બનાવવા માટે બહુમતી સાબિત કરવાની કડક શરત મૂકી : TVK નો શપથગ્રહણ સમારંભ હાલ મોકૂફ
ટીવીકે ચીફ વિજયે કોંગ્રેસના સમર્થન સાથે દાવો રજૂ કર્યો હોવા છતાં રાજ્યપાલ આંકડાકીય વિગતોથી અસંતુષ્ટ : ૨૩૪ બેઠકોની વિધાનસભામાં ૧૧૮ના જાદુઈ આંકડા માટે રસાકસી અને કાયદાકીય ગૂંચવણ વધી

ચેન્નાઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ નવી સરકારની રચનાને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ટીવીકે (TVK) પ્રમુખ વિજયે કોંગ્રેસના સમર્થન સાથે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હોવા છતાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે બહુમતી સાબિત થયા બાદ જ શપથગ્રહણ થઈ શકે તેવી શરત મુકતા સસ્પેન્સ સર્જાયું છે. રાજ્યપાલ રાજ્યમાં સ્થિર સરકાર ઈચ્છતા હોવાથી હાલ કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાના મૂડમાં નથી.
સમર્થન પત્રોની સોંપણી અને આંકડાકીય માથાકૂટ:
વિજયે ગુરુવારે ફરી એકવાર લોક ભવન ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. અગાઉ બુધવારે તેમણે કોંગ્રેસના ધારાસભ્યોના સમર્થન સાથેની યાદી સોંપી હતી. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યપાલ હાલના આંકડાઓથી સંતુષ્ટ નથી. ૨૩૪ સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે ૧૧૮ ધારાસભ્યોની જરૂર છે. વિજયની પાર્ટી ટીવીકે ૧૦૮ બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે, પરંતુ હજુ પણ તે બહુમતીના આંકડાથી દૂર છે. વળી, વિજય બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા હોવાથી તેમણે એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે, જે આંકડાકીય સમીકરણોને વધુ જટિલ બનાવે છે.
સીપીઆઈ દ્વારા રાજ્યપાલના વલણ સામે સવાલો:
બીજી તરફ, વિજયના શપથગ્રહણમાં થઈ રહેલા વિલંબને લઈને સીપીઆઈ (CPI) દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પક્ષે જણાવ્યું છે કે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલા ટીવીકેને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવા જોઈએ. શપથગ્રહણ પહેલા જ બહુમતી સાબિત કરવાનું કહેવું તે સ્વીકાર્ય નથી અને આ બાબતે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓને ધ્યાને લેવા જોઈએ.
સમર્થકોમાં નિરાશા અને કાયદાકીય સલાહ:
ગુરુવારે ચેન્નાઈના નેહરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વિજયના શપથગ્રહણની આશાએ મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા, પરંતુ કાર્યક્રમ રદ થતા તેમને નિરાશ થઈ પરત ફરવું પડ્યું હતું. રાજ્યપાલ હાલમાં આ મામલે કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા છે અને સત્તાવાર આંકડાઓની ચોકસાઈ બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. વિજયે પણ ગુરુવારે પોતાની પાર્ટીના નવનિર્વાચિત ધારાસભ્યો સાથે બેઠક યોજીને આગળની રણનીતિ પર ચર્ચા કરી હતી.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
