તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
ચીની જાસૂસી વિવાદ અને અંગત જીવનના વંટોળ વચ્ચે એનવીડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી જેનસન હુઆંગને એક જ દિવસમાં સાત અબજ ડોલરથી વધુનું માતબર આર્થિક નુકસાન થયું
ચીની જાસૂસી સાથે જોડાયેલા વિવાદ અને વ્યક્તિગત જીવનમાં આવેલા ભૂકંપને કારણે એનવીડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી જેનસન હુઆંગની સંપત્તિમાં મોટો ઘટાડો નોંધાયો છે અને છૂટાછેડાની ચર્ચાઓ જોર પકડી રહી છે

અમદાવાદ : ટેકનોલોજી જગતના દિગ્ગજ અને વિશ્વના અગ્રણી અબજોપતિઓમાં સ્થાન ધરાવતા એનવીડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી જેનસન હુઆંગ હાલમાં પોતાના વ્યાવસાયિક કાર્યોની સાથેસાથે ગંભીર અંગત વિવાદોને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. એક મહિલા સાથેના કથિત સંબંધો અને તે મહિલા પર ચીન માટે જાસૂસી કરતી હોવાની શંકાના અહેવાલો વચ્ચે તેમની સંપત્તિ અને પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે માત્ર તેમની વ્યક્તિગત છબી જ નહીં પરંતુ વૈશ્વિક બજારમાં તેમની કંપનીના શેર પર પણ ભારે દબાણ જોવા મળ્યું છે. ફોર્બ્સના અહેવાલ અનુસાર નવમી નવેમ્બરના રોજ શેરબજારમાં કામકાજ શરૂ થયાની માત્ર પહેલી અડધી કલાકમાં જ જેનસન હુઆંગની કુલ સંપત્તિમાંથી સાત અબજ ચાર કરોડ ડોલર ઓછા થઈ ગયા હતા. આ અચાનક આવેલા ભારે ઘટાડાને કારણે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં આઠમા સ્થાન પરથી સરકીને સીધા દસમા સ્થાને પહોંચી ગયા છે. તેમના આ નુકસાનના કારણે બર્કશાયર હેથવેના વડા વોરેન બફેટ અને ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન સંપત્તિની રેસમાં તેમની આગળ નીકળી ગયા છે. બજારના જાણકારોનું માનવું છે કે કંપનીના શેરોમાં આવેલી આ નરમાઈ પાછળ તેમના અંગત જીવન સાથે જોડાયેલા તાજેતરના વિવાદો મુખ્ય કારણ છે. આ બધાની વચ્ચે જેનસન હુઆંગે પોતાની પત્ની લોરી હુઆંગ સાથે બેવફાઈ કરી હોવાની વાત જાહેરમાં સ્વીકારી લીધી છે અને પોતાના પરિવાર તથા બાળકોને પહોંચાડેલી વેદના બદલ માફી પણ માંગી છે. ચીનની જાસૂસીના શંકાસ્પદ કેસ સાથે જોડાયેલી એક મહિલા સાથેના કથિત સંબંધો બહાર આવ્યા બાદથી જ બંનેના છૂટાછેડા થવાની અટકળોએ જોર પકડ્યું છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે છૂટાછેડાની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ આખી દુનિયામાં એક નવી ચર્ચા જગાવી છે. જેનસન અને લોરી હુઆંગના લગ્ન વર્ષ ૧૯૮૫માં થયા હતા અને બંનેની મુલાકાત ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. તે સમયે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ જોડી આગળ ચાલીને વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપનીઓમાંની એક એવી એનવીડિયાના સફળ પ્રવાસનો મુખ્ય પાયો બનશે. વર્ષ ૧૯૯૩માં જેનસને એનવીડિયાની સહ-સ્થાપના કરી હતી અને લોરીએ હંમેશાં આ મુશ્કેલ સફરમાં તેમને સાથ આપ્યો છે તેમજ પરિવારની નાણાકીય વ્યવસ્થા સંભાળવામાં પણ તેમની ભૂમિકા રહી છે. જો ભવિષ્યમાં આ બંને વચ્ચે કાયદાકીય રીતે છૂટાછેડા થાય અને સંપત્તિની વહેંચણી થાય તો આંકડા ખૂબ જ ચોંકાવનારા સાબિત થઈ શકે છે. એક અંદાજ મુજબ જો તેમની કુલ સંપત્તિની સરખે ભાગે વહેંચણી કરવામાં આવે તો લોરીને લગભગ એક્યાસી અબજ ડોલર જેટલી માતબર રકમ મળી શકે છે. આ રકમ જેફ બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટને છૂટાછેડા પછી મળેલી લગભગ ૩૫ અબજ ડોલરની રકમ કરતાં પણ ઘણી વધારે હશે. જોકે આ માત્ર એક સંભવિત ગણતરી છે કારણ કે કેલિફોર્નિયા રાજ્યના સામૂહિક સંપત્તિના નિયમો અનુસાર લગ્નજીવન દરમિયાન મેળવેલી સંપત્તિ બંનેની સંયુક્ત માનવામાં આવે છે અને છૂટાછેડા સમયે તેની સમાન વહેંચણી થઈ શકે છે. જેનસન હુઆંગની મોટાભાગની સંપત્તિ એનવીડિયા કંપનીમાં તેમના શેર પર આધારિત છે કારણ કે તેમની પાસે કંપનીના સાડા ત્રણ ટકાથી વધુ શેર છે અને તેઓ તેના સૌથી મોટા વ્યક્તિગત શેરધારક છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
