તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
ભારતમાં ગરીબોની સંખ્યામાં અંદાજે 62.7 કરોડનો ઘટાડો થયો: દક્ષિણ કોરિયાના અર્થશાસ્ત્રી ક્યુન્ઘૂન કિમે પ્રશંશા કરી
તેમના મતે, છેલ્લા દાયકાઓમાં ભારતનું જીવનધોરણ સુધર્યું અને અમીર દેશો સાથેનું આવકનું અંતર ઘટ્યું:ગરીબીમાં ઘટાડો અને GDPમાં વધારો દેશની આર્થિક પ્રગતિની મહત્વપૂર્ણ તસવીર રજૂ કરે છે.

નવી દિલ્હી :ભારતીય અર્થતંત્ર માટે સતત સારા સમાચાર સામે આવી રહ્યા છે. IMF અને વર્લ્ડ બેંક જેવી વૈશ્વિક સંસ્થાઓએ ભારતના આર્થિક વિકાસની સંભાવનાઓને મહત્ત્વ આપ્યું છે. હવે દક્ષિણ કોરિયાના એક અર્થશાસ્ત્રીએ પણ ભારતની પ્રગતિની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે દેશની પ્રતિ વ્યક્તિ GDP અમીર દેશો સાથેનું અંતર ધીમે ધીમે ઘટાડી રહી છે. તેમણે આર્થિક આંકડાઓ સાથે સમજાવ્યું છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતની આવકમાં કેટલો વધારો થયો છે અને ગરીબીમાં કેટલો ઘટાડો નોંધાયો છે.
દક્ષિણ કોરિયાના અર્થશાસ્ત્રી ક્યુન્ઘૂન કિમના મતે, ભારતની આર્થિક પ્રગતિને માત્ર દેશ ગરીબ છે કે અમીર, તેના આધારે માપવી યોગ્ય નથી. તેના બદલે એ જોવું જરૂરી છે કે લોકોનું જીવનધોરણ કેટલી ઝડપથી સુધરી રહ્યું છે અને ભારત અન્ય અર્થતંત્રોની સરખામણીમાં કેટલી પ્રગતિ કરી રહ્યું છે. તેમણે ભારતની વધતી પ્રતિ વ્યક્તિ આવક અને ગરીબીમાં થયેલા નોંધપાત્ર ઘટાડાને મહત્ત્વપૂર્ણ ગણાવ્યાં છે.
કોરિયા ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક પોલિસી (KIEP)માં ભારત અને દક્ષિણ એશિયા ટીમના વડા કિમે રવિવારે ભારતની મધ્યમ ગાળાની આર્થિક સંભાવનાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભારત હજુ પણ ગરીબ દેશ છે તેવી ટિપ્પણીઓ અગાઉ તેમના આકલનના જવાબમાં કરવામાં આવી હતી. જોકે, તેમના મતે વધુ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ભારતમાં જીવનધોરણ કેટલી ઝડપથી વધી રહ્યું છે અને શું દેશ આર્થિક પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે? તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર અનેક પોસ્ટ દ્વારા આ વાત સમજાવી હતી.
કિમે શેર કરેલા આંકડાઓ અનુસાર, વર્ષ 2025માં ભારતની પ્રતિ વ્યક્તિ GDP 2,702 ડૉલર હતી. જ્યારે ખરીદશક્તિ સમાનતા પ્રમાણે ગણતરી કરવામાં આવે ત્યારે આ આંકડો 11,784 ડૉલર થાય છે. ઐતિહાસિક સરખામણી માટે તેમણે વર્ષ 2021ના સ્થિર PPP ભાવના આધારે પ્રતિ વ્યક્તિ GDPનો ઉપયોગ કર્યો હતો.
આ ગણતરી મુજબ, 2025માં ભારતની પ્રતિ વ્યક્તિ GDP 10,039 ડૉલર હતી. કિમે જણાવ્યું કે વર્લ્ડ બેંકે વર્ષ 2007 સુધી ભારતને ઓછી આવક ધરાવતા દેશ તરીકે વર્ગીકૃત કર્યું હતું. વર્ષ 1990માં ભારતની પ્રતિ વ્યક્તિ GDP ઓછી આવક ધરાવતા દેશોની સરેરાશ કરતાં માત્ર 15 ટકા વધુ હતી. પરંતુ 2025 સુધીમાં તેમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. આ સમયગાળામાં ભારતની પ્રતિ વ્યક્તિ GDP ઓછી આવક ધરાવતા દેશોની સરેરાશ કરતાં 4 ગણીથી પણ વધુ થઈ હતી.
આ ઉપરાંત, ભારતની પ્રતિ વ્યક્તિ GDP મધ્યમ આવક ધરાવતા દેશોની સરેરાશના 64 ટકા સુધી પહોંચી હતી. કિમના જણાવ્યા અનુસાર, આ પ્રગતિનો મોટો હિસ્સો છેલ્લા એક દાયકામાં નોંધાયો છે. ચીન અને વિયેતનામ જેવા ઝડપથી વિકાસ કરતા દેશોનો સમાવેશ ધરાવતા મધ્યમ આવક જૂથ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે પણ ભારતની પ્રગતિ સ્પષ્ટપણે જોવા મળે છે.
કિમના મતે, ભારત ઉચ્ચ આવક ધરાવતા દેશો સાથેનું આવકનું અંતર ઘટાડવા તરફ આગળ વધી રહ્યું છે. જોકે, આ ક્ષેત્રમાં ભારતની પ્રગતિ મધ્યમ ગાળાની સરખામણીમાં ધીમી રહી છે, પરંતુ તેમાં સતત સુધારો થઈ રહ્યો છે. વર્ષ 1990માં ભારતની પ્રતિ વ્યક્તિ GDP ઉચ્ચ આવક ધરાવતા દેશોની સરેરાશના માત્ર 6 ટકા જેટલી હતી.
વર્ષ 2025 સુધીમાં આ પ્રમાણ વધીને 17 ટકા થયું હતું. કિમે સ્પષ્ટ કર્યું કે આ સુધારામાં કેટલાક સમૃદ્ધ દેશોની ધીમી આર્થિક વૃદ્ધિએ પણ ભૂમિકા ભજવી છે. બીજી તરફ, ભારતની પ્રતિ વ્યક્તિ GDP વૈશ્વિક સરેરાશની નજીક પણ આગળ વધી રહી છે. વર્ષ 1990માં ભારતની આર્થિક સ્થિતિ વૈશ્વિક સરેરાશના આશરે પાંચમા ભાગ જેટલી હતી, જ્યારે હવે તે લગભગ અડધી સરેરાશની નજીક પહોંચી રહી છે.
ભારતની પ્રગતિનો સૌથી મહત્ત્વનો હિસ્સો ગરીબી ઘટાડવામાં જોવા મળ્યો છે. કિમના જણાવ્યા અનુસાર, ભારતમાં ગરીબીમાં જીવતા લોકોની સંખ્યામાં અંદાજે 627 મિલિયન એટલે કે 62.7 કરોડનો ઘટાડો થયો છે. દરરોજ 4.40 ડૉલરની ગરીબી રેખા (Poverty Line)ના આધારે કરવામાં આવેલી ગણતરી મુજબ, ભારતમાં ગરીબીનો દર વર્ષ 2004માં 73 ટકા હતો, જે વર્ષ 2023 સુધીમાં ઘટીને માત્ર 14 ટકા થઈ ગયો હતો. ભારતની વસ્તી આશરે 1.4 અબજ એટલે કે 140 કરોડ હોવાને કારણે આ ઘટાડો વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ આંકડાઓ દર્શાવે છે કે દેશની આર્થિક વૃદ્ધિ સાથે મોટા પાયે લોકોના જીવનમાં પણ સુધારો થયો છે.
કિમે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે ભારત ઓછી આવક ધરાવતા દેશોથી આગળ વધી રહ્યું છે, ઉચ્ચ આવક ધરાવતા દેશોની સમકક્ષ પહોંચવા તરફ સતત પ્રયાસ કરી રહ્યું છે અને મધ્યમ આવક ધરાવતા દેશોની સરેરાશ સુધી પહોંચવાની દિશામાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. તેમણે એ માન્યતાને પણ પડકારી હતી કે વિકાસશીલ દેશો સમય જતાં આપમેળે સમૃદ્ધ દેશોની સમકક્ષ બની જાય છે.
તેમના મતે, આર્થિક સમાનતા આપમેળે પ્રાપ્ત થતી નથી. તેના માટે સતત વિકાસ અને યોગ્ય આર્થિક પ્રગતિ જરૂરી છે. કિમે અંતમાં જણાવ્યું હતું કે ભારત સામે અનેક પડકારો હજુ પણ છે, પરંતુ ખાસ કરીને છેલ્લા દાયકામાં નોંધાયેલી આર્થિક વૃદ્ધિ અને મધ્યમ ગાળાની સકારાત્મક વિકાસ સંભાવનાઓ પ્રશંસનીય છે. 140 કરોડની વસ્તી ધરાવતા દેશ માટે આ પ્રકારની પ્રગતિ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
