News of Friday, 4th September 2026
સિંગાપોરની પ્રખ્યાત પાર્કવે કેન્સર સેન્ટરમાં ભારતીય દર્દીઓની સંખ્યામાં વાર્ષિક ૨૦ ટકાનો મોટો ઉછાળો નોંધાયો
ભારતમાં ઉપલબ્ધ તમામ સારવારના વિકલ્પો અજમાવ્યા બાદ ૬૦ થી ૭૦ ટકા દર્દીઓ એકદમ અંતિમ અને ગંભીર તબક્કામાં વિદેશ તરફ પ્રયાણ કરી રહ્યા હોવાનો આંચકાજનક ખુલાસો

સિંગાપોર / કોલકાતા:વિદેશી તબીબી ક્ષેત્રે ભારતીય દર્દીઓની વધતી જતી નિર્ભરતા અંગે એક મહત્વપૂર્ણ અને આંખ ઉઘાડનારો અહેવાલ સામે આવ્યો છે. વિશ્વસ્તરીય તબીબી સુવિધાઓ માટે જાણીતા સિંગાપોર સ્થિત પાર્કવે કેન્સર સેન્ટર (PCC) ખાતે સારવાર અર્થે પહોંચતા ભારતીય દર્દીઓની સંખ્યામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન વાર્ષિક ધોરણે લગભગ ૨૦ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જોકે, આ આંકડા સાથે ચિંતાજનક બાબત એ પ્રકાશમાં આવી છે કે સિંગાપોર પહોંચતા ભારતીય દર્દીઓમાંથી મોટાભાગના એટલે કે ૬૦ થી ૭૦ ટકા દર્દીઓ રોગના અત્યંત એડવાન્સ્ડ (અંતિમ) અથવા તબીબી ભાષામાં જેને 'ટ્રીટમેન્ટ-રેસિસ્ટન્ટ' (સારવારની અસર ન થવી) કહેવાય તેવા ગંભીર તબક્કામાં હોય છે, જેના કારણે ડોક્ટરો પાસે પણ તેમને સંપૂર્ણપણે સાજા કરવાના મર્યાદિત વિકલ્પો બચે છે.
પાર્કવે કેન્સર સેન્ટરના મેડિકલ ડિરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. એંગ પેંગ તિયામે આ પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતમાંથી વિદેશ સારવાર માટે આવતા દર્દીઓમાંથી માત્ર ૩૦ ટકા દર્દીઓ જ એવા તબક્કામાં હોય છે જ્યાં તેમને સંપૂર્ણપણે કેન્સરમુક્ત કરી શકાય. મોટાભાગના દર્દીઓ ભારતમાં ઉપલબ્ધ તમામ પ્રકારની તબીબી સારવાર, કીમોથેરાપી કે સર્જરી કરાવ્યા બાદ અને ત્યાંના ડોક્ટરો દ્વારા શક્ય તમામ પ્રયાસો પૂર્ણ થઈ ગયા પછી નવેસરથી આશા સાથે સિંગાપોર પહોંચે છે. દર્દીઓ અને તેમના સ્વજનોને આશા હોય છે કે સિંગાપોરની નવી મેડિકલ ટીમ કદાચ કોઈ અલગ દ્રષ્ટિકોણ, નવી પદ્ધતિ કે કોઈ અલગ સારવારનો માર્ગ બતાવી શકશે.
સિંગાપોરમાં સારવારનો અભિગમ અલગ: અંગો કાપી નાખતી શસ્ત્રક્રિયાઓ ટાળવા પ્રયાસ
ડૉ. તિયામે વૈશ્વિક તબીબી વિજ્ઞાન અને સારવારની શૈલી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, વિજ્ઞાન દરેક જગ્યાએ સમાન છે પરંતુ સારવાર કરવાની કળા દરેક દેશમાં અલગ હોય છે. સિંગાપોરમાં ખાસ કરીને મોં અને ગળાના (હેડ એન્ડ નેક) કેન્સરના કિસ્સામાં શરીરના અવયવોને નુકસાન પહોંચાડતી કે કાપી નાખવી પડે તેવી 'મ્યુટિલેટિંગ સર્જરી' ને શક્ય હોય ત્યાં સુધી ટાળવામાં આવે છે. શસ્ત્રક્રિયા કરતા પહેલાં દર્દીને કીમોથેરાપી, રેડિયેશન અથવા ઇમ્યુનોથેરાપી આપીને ગાંઠ નાની કરવાનો કે નાબૂદ કરવાનો પ્રયાસ કરાય છે, અને સર્જરીને માત્ર અંતિમ વિકલ્પ તરીકે જ રાખવામાં આવે છે.
આ ઉપરાંત, ફેફસાના ચોથા સ્ટેજના કેન્સરમાં પણ જો ચોક્કસ વિશિષ્ટ જીનેટિક મ્યુટેશન (જેમ કે ROS1 અથવા ALK) જોવા મળે, તો યોગ્ય મોલેક્યુલર પ્રોફાઈલિંગ અને લક્ષિત દવાઓ (ટાર્ગેટેડ ઓરલ મેડિસિન) વડે દર્દી ચોથા તબક્કામાં હોવા છતાં ૧૦, ૧૫ કે ૨૦ વર્ષ સુધી સારું જીવન જીવી શકે છે.
ઝડપી નિદાન અને દવાનો તફાવત
વિદેશથી આવતા દર્દીઓ પાસે સમય મર્યાદિત હોવાથી સિંગાપોરનું આ સેન્ટર ઈમેજિંગ, બાયોપ્સી, પેથોલોજી અને મોલેક્યુલર પ્રોફાઈલિંગ સહિતની તમામ જટિલ તપાસ માત્ર ૪૮ કલાકમાં પૂર્ણ કરી દે છે. સારવારના ખર્ચ અંગે ડૉ. તિયામે જણાવ્યું હતું કે કેન્સરની સારવાર વ્યક્તિગત જરૂરિયાત પર આધારિત હોય છે. દર્દીની સ્થિતિ મુજબ દવાનો એક સાયકલનો ખર્ચ સામાન્ય સેંકડો સિંગાપોર ડોલરથી લઈને ૧૪,૦૦૦ સિંગાપોર ડોલર સુધીનો હોઈ શકે છે.
ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત અને વહેલા નિદાનની જરૂરિયાત
વિશ્વભરમાં વધતી જતી વૃદ્ધાવસ્થા, જીવનશૈલી અને નિદાનના સાધનોના સુધારાને કારણે કેન્સરના કિસ્સા વધ્યા છે. જોકે, ભારત આ વધતા બોજ સામે પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછતનો સામનો કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે ભારતમાં તમાકુ અને સોપારીના સેવન સામે વ્યાપક જાગૃતિ અને હાઈ-રિસ્ક ધરાવતા લોકોમાં 'લો-ડોઝ સીટી સ્કેન' જેવા સ્ક્રીનિંગ કાર્યક્રમો ચલાવવામાં આવે તો કેન્સરનું પ્રાથમિક તબક્કામાં જ નિદાન શક્ય બને, જેનાથી વિદેશ જવાની જરૂરિયાત ઘટે અને દર્દીનો જીવ બચાવી શકાય.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
