તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
NTAની તિજોરી છલકાઈ, પણ વિદ્યાર્થીઓના સપના રોળાયા: ૩૫૦૦ કરોડની કમાણી છતાં પેપર કેમ ફૂટે છે?
પરીક્ષા ફીના કરોડો રૂપિયા ક્યાં વપરાયા? NTA પાસે ૪૪૯ કરોડનો સરપ્લસ હોવા છતાં સુરક્ષામાં મોટી ચૂક : રાયબરેલીથી લઈને દિલ્હી સુધી વિદ્યાર્થીઓમાં રોષ

નવી દિલ્હી : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અત્યારે માત્ર પરીક્ષાઓ લેવા માટે નહીં, પરંતુ તેની અધધ કમાણી અને કથિત બેદરકારીને કારણે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ૨૦૧૮ થી ૨૦૨૪ દરમિયાન વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાંથી NTAએ કુલ ₹૩,૫૧૩.૯૮ કરોડની માતબર કમાણી કરી છે. સંસદમાં રજૂ થયેલા આંકડા ચોંકાવનારા છે, કારણ કે તમામ ખર્ચ કાઢ્યા પછી પણ એજન્સી પાસે ₹૪૪૯ કરોડનો નફો વધ્યો છે. તેમ છતાં, ૨૦૨૪માં NEET પેપર લીક કાંડ અને હવે ૨૦૨૬માં ફરી એકવાર ઉભી થયેલી અનિશ્ચિતતાએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો ઉભા કરી દીધા છે. વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે કે જો સંસાધનોની કોઈ કમી નથી, તો પછી પેપર માફિયાઓ સામે સુરક્ષા કવચ કેમ મજબૂત નથી?
NTAની આવકમાં ખરો ઉછાળો ૨૦૨૨માં CUET (કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ)ની શરૂઆત પછી આવ્યો હતો. અગાઉ માત્ર NEET અને JEE પૂરતી સીમિત આ એજન્સી હવે દેશની તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓના એડમિશન સંભાળે છે. ૨૦૨૩-૨૪માં તો એજન્સીની રેકોર્ડબ્રેક આવક ₹૧,૦૬૫ કરોડને પાર કરી ગઈ હતી. એક તરફ તિજોરી ભરાઈ રહી છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા પરીક્ષા સંયોજકો અને શિક્ષકોને લાંબા સમયથી પગાર ન મળ્યા હોવાના અહેવાલો છે. કરોડોનો સરપ્લસ હોવા છતાં સિસ્ટમનું સંચાલન કરતા લોકોના બાકી નાણાં ન ચૂકવવા એ એજન્સીની ગંભીર બેદરકારી અને આંતરિક ગેરવહીવટ તરફ આંગળી ચીંધે છે.
આ મામલે રાજકારણ પણ ગરમાયું છે, કોંગ્રેસ સહિતના વિપક્ષોએ સંસદમાં NTAની કાર્યક્ષમતા પર આકરા પ્રહારો કર્યા છે. NEET 2026 રદ થતાં લાખો વિદ્યાર્થીઓ ફરી એકવાર અનિશ્ચિતતાના અંધકારમાં ધકેલાયા છે. CBI તપાસ અને ટેકનિકલ સુધારાના સરકારી દાવાઓ વચ્ચે વિદ્યાર્થીઓનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. મેડિકલ, એન્જિનિયરિંગ અને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જે એજન્સી પર આખા દેશનો ભરોસો છે, તેના પર જ હવે ભ્રષ્ટાચાર અને નબળી સુરક્ષાના ડાઘ લાગ્યા છે. નવી પરીક્ષાની તારીખની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે હવે માત્ર તારીખ નહીં, પણ પારદર્શક સિસ્ટમની ખાતરી સૌથી વધુ જરૂરી છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
