તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
NTA નો મોટો નિર્ણય: UGC-NET 2026 ની અંગ્રેજી, કોમર્સ અને સોશિયોલોજીની પરીક્ષા રદ : નવું ટાઈમટેબલ જાહેર!
પ્રશ્નપત્રોમાં ટાઈપિંગ, ભાષાંતર અને વ્યાકરણની ગંભીર ભૂલો સામે આવ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા રિ-એક્ઝામની જાહેરાત : ૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાનારી પુનઃપરીક્ષા માટે ઉમેદવારો પાસેથી કોઈ પણ વધારાની ફી લેવામાં આવશે નહીં

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા તાજેતરમાં લેવાયેલી UGC-NET જૂન 2026 ની પરીક્ષાને લઈને એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અંગ્રેજી, વાણિજ્ય (Commerce) અને સમાજશાસ્ત્ર (Sociology) જેવા ત્રણ મુખ્ય વિષયોના પ્રશ્નપત્રોમાં વ્યાપક ભૂલો જોવા મળ્યા બાદ NTA એ આ ત્રણેય વિષયોની પરીક્ષા રદ કરીને ફરીથી લેવાની જાહેરાત કરી છે. પ્રશ્નપત્રોની ચકાસણી દરમિયાન તથ્યલક્ષી ક્ષતિઓ, ટાઇપોગ્રાફિકલ ભુલો, હિન્દી-અંગ્રેજી અનુવાદની ગંભીર ભૂલો તેમજ પુસ્તકોના નામ અને વિદ્વાનોના સ્પેલિંગમાં મોટી ખામીઓ સામે આવી હતી. પરીક્ષાની પારદર્શિતા અને ચોકસાઈ જાળવી રાખવા માટે એજન્સીએ આ આકરો નિર્ણય લીધો છે.
જાહેર કરાયેલા નવા સમયપત્રક અનુસાર, વાણિજ્ય વિષયની પુનઃપરીક્ષા 9 સપ્ટેમ્બર, 2026 ના રોજ બપોરે 3:00 થી 6:00 વાગ્યા દરમિયાન યોજાશે, જ્યારે સમાજશાસ્ત્રની પરીક્ષા 10 સપ્ટેમ્બર, 2026 ના રોજ સવારે 9:00 થી 12:00 વાગ્યાના શિફ્ટમાં લેવામાં આવશે. NTA એ સ્પષ્ટ કર્યું છે કે આ પુનઃપરીક્ષા માટે ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની વધારાની પ્રોસેસિંગ કે પરીક્ષા ફી ચૂકવવાની રહેશે નહીં. પરીક્ષા કેન્દ્ર, શહેર અને નવા એડમિટ કાર્ડ (Admit Card) અંગેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં NTA ની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
ઉમેદવારોની ચિંતા દૂર કરતાં NTA એ સ્પષ્ટતા કરી છે કે બાકીના 84 વિષયોની પરિણામ પ્રક્રિયા નિર્ધારિત સમયપત્રક મુજબ જ આગળ વધશે. આ ત્રણ વિષયોની રી-એક્ઝામથી અન્ય વિષયોના JRF, અસિસ્ટન્ટ પ્રોફેસર કે PhD પ્રવેશ પ્રક્રિયા પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં. અસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે સફળ ઉમેદવારોની 6% ટકાવારી મૂળ પરીક્ષા અને પુનઃપરીક્ષામાં હાજર રહેલા કુલ ઉમેદવારોની સંખ્યાના આધારે પારદર્શક રીતે નક્કી કરવામાં આવશે, જેથી તમામ વિદ્યાર્થીઓને ન્યાય મળી રહે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
