તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
નીટ યુજી ૨૦૨૬ ની પુનઃપરીક્ષામાં એનટીએ નો મોટો છબરડો : નાગપુરના વિદ્યાર્થીને એડમિટ કાર્ડ પર અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર ફાળવાયું
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ ગંભીર ભૂલને માત્ર ટેકનિકલ ખામી ગણાવી નવું હોલ ટિકિટ ઈશ્યુ કરવાની ખાતરી આપી પરંતુ પરીક્ષા કેન્દ્રોના ફેરફાર અંગે વ્યાપક ચિંતાઓ ઉભી થઈ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા લેવાતી પરીક્ષાઓમાં છબરડાઓની વણથંભી વણઝાર ચાલુ જ જોવા મળી રહી છે. મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી ૨૦૨૬ ના આયોજનમાં ફરી એકવાર એજન્સીની મોટી બેદરકારી સામે આવી છે. આ વખતે ફરીથી લેવાઈ રહેલી પરીક્ષામાં એડમિટ કાર્ડને લઈને ભારે અફરાતફરીનો માહોલ ઉભો થયો છે.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાગપુર શહેરના એક ઉમેદવારે નીટ યુજી ૨૦૨૬ ની પુનઃપરીક્ષા માટે અરજી કરી હતી. પરંતુ જ્યારે તેણે પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું ત્યારે તે ભારે આઘાતમાં સરી પડ્યો હતો. આ વિદ્યાર્થીને ભારતના કોઈ શહેરના બદલે સીધું જ સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર ફાળવી દેવામાં આવ્યું હતું.
આ ઘટના પ્રકાશમાં આવતા જ શિક્ષણ જગતમાં અને વાલીઓમાં ભારે રોષ અને આશ્ચર્ય જોવા મળ્યું હતું. નાગપુરના એક સામાન્ય વિદ્યાર્થી માટે પરીક્ષા આપવા છેક અબુ ધાબી જવું કેવી રીતે શક્ય બને તે એક મોટો પ્રશ્ન ઉભો થયો હતો. આ મામલે ભારે હોબાળો મચ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી સફાળી જાગી હતી.
એનટીએ સત્તાવાળાઓએ આ મોટી અને ગંભીર ભૂલને માત્ર એક ટેકનિકલ ખામી ગણાવીને પોતાનો બચાવ કરવાની કોશિશ કરી હતી. એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે સિસ્ટમની ભૂલના કારણે આ ખોટું કેન્દ્ર છપાઈ ગયું છે. આ સાથે જ તેમણે પીડિત વિદ્યાર્થીને સુધારેલી નવી હોલ ટિકિટ જારી કરવાની સત્તાવાર ખાતરી આપી છે.
જોકે એજન્સીના આ ખુલાસાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સંતુષ્ટ નથી. પરીક્ષા કેન્દ્રોના ફેરફાર અને અવારનવાર સર્જાતી આવી અંધાધૂંધીને કારણે સમગ્ર પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા સામે વ્યાપક ચિંતાઓ ઊભી થઈ છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષામાં થતી ભૂલો એજન્સીની કામગીરી પર મોટા સવાલો ઉભા કરે છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
