News of Wednesday, 22nd April 2026
NRIs અને વિદેશી કંપનીઓ આઈટીના રડારમાં: અનલિસ્ટેડ શેર ડીલ્સ પર આવકવેરા વિભાગની તવાઈ, ‘પૈસા ક્યાંથી આવ્યા’ તેનો માંગ્યો હિસાબ
ટેક્સ હેવન ટાપુઓથી આવતા ફંડ અને ઊંચા વેલ્યુએશન પર સરકારની બાજ નજર: ડીમેટ એકાઉન્ટ બન્યું હથિયાર, રિટર્ન ફાઈલ નહીં કરનારાઓને નોટિસનો મારો

મુંબઈ, તા.૨૨: ભારતીય શેરબજારમાં અનલિસ્ટેડ શેરોની લે-વેચ કરનારા બિન-નિવાસી ભારતીયો (NRIs) અને ઓફશોર કંપનીઓ માટે મુશ્કેલીના એંધાણ વર્તાઈ રહ્યા છે. આવકવેરા વિભાગે વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૨-૨૩ દરમિયાન થયેલા શંકાસ્પદ વ્યવહારોની તપાસ તેજ કરી છે. ખાસ કરીને જે સોદાઓમાં શેરના ભાવ ખૂબ ઊંચા અથવા ખૂબ નીચા બતાવવામાં આવ્યા છે, ત્યાં વિભાગે રોકાણકારો પાસે નાણાંનો સ્ત્રોત (Source of Fund) અને વેલ્યુએશન રિપોર્ટ માંગ્યા છે.
ડીમેટ કનેક્શન: છુપાવવું હવે અશક્ય
સરકારે જૂન ૨૦૨૫ સુધીમાં તમામ ખાનગી કંપનીઓને તેમના શેર ડિમટીરિયલાઈઝ (ડીમેટ) કરવા આદેશ આપ્યો છે. આ પ્રક્રિયાને કારણે ઇન્કમ ટેક્સ વિભાગ પાસે ડેટાનો મોટો ભંડાર જમા થયો છે. ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે કાયમી એકાઉન્ટ નંબર (PAN) અનિવાર્ય હોવાથી, જે વિદેશી રોકાણકારો અત્યાર સુધી ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું ટાળતા હતા, તેઓ હવે સીધા અધિકારીઓની નજરમાં આવી ગયા છે.
મની લોન્ડરિંગ અને રાઉન્ડ-ટ્રિપિંગની શંકા
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જ્યારે કોઈ સ્થાનિક કંપનીના શેર વિદેશી રોકાણકારોને અસામાન્ય રીતે ઊંચા પ્રીમિયમ પર વેચવામાં આવે છે, ત્યારે મની લોન્ડરિંગની શંકા જાય છે. અધિકારીઓને શંકા છે કે ભારતમાંથી જ ખોટી રીતે વિદેશ મોકલેલા નાણાં ફરીથી રોકાણના નામે પાછા લાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મોરિશિયસ, યુએઈ (UAE) અને અન્ય ટેક્સ હેવન દેશોમાંથી આવતા ફંડની ઝીણવટભરી તપાસ થઈ રહી છે.
શું પ્રશ્નો પૂછવામાં આવ્યા છે?
આવકવેરા વિભાગે રોકાણકારોને મોકલેલી નોટિસમાં નીચે મુજબની વિગતો માંગી છે:
• રોકાણ કરનાર કંપનીના ડિરેક્ટરોની લાયકાત અને રહેણાંક સ્થિતિ.
• જે બોર્ડ મીટિંગમાં રોકાણનો નિર્ણય લેવાયો તેની મિનિટ્સ.
• રોકાણકારની ક્રેડિટ પાત્રતા સાબિત કરતા બેંક સ્ટેટમેન્ટ.
• જો શેર વાજબી બજાર કિંમત (FMV) કરતા ઓછા ભાવે ખરીદ્યા હોય, તો તેનું કારણ.
કરદાતાઓ માટે નિષ્ણાતોની સલાહ
ખૈતાન એન્ડ કંપનીના ભાગીદાર આશિષ મહેતાએ જણાવ્યું હતું કે, જેમને આવી નોટિસ મળી છે તેમણે તાત્કાલિક અને યોગ્ય દસ્તાવેજો સાથે જવાબ આપવો જોઈએ. ભલે તમે અત્યાર સુધી રિટર્ન ફાઈલ ન કર્યું હોય, પરંતુ જો તમારી પાસે યોગ્ય વેલ્યુએશન રિપોર્ટ અને ભંડોળના પુરાવા હશે, તો મુશ્કેલીમાંથી બચી શકાય છે. જો રોકાણકારો સંતોષકારક જવાબ નહીં આપી શકે, તો ટેક્સની મોટી માંગ સાથે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
