<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

એનઆરઆઈ ડિપોઝિટનો બેઝ રૂા. ૧.૧૭ લાખ કરોડની રેકોર્ડ સપાટીએ

રૂપિયા સામે ડોલર મજબૂત થતાં વિદેશમાં વસતા ગુજરાતીઓએ બેંકોમાં અધધ રૂપિયા ઠાલવ્‍યા

અમદાવાદ તા.૨૬: રૂપિયા સામે ડોલર મજબૂત થતાં વિદેશમાં વસતા ગુજરાતીઓએ બેંકોમાં અધધ રૂપિયા ઠાલવ્‍યા હતા. જેના પરિણામે ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝિટનો બેઝ રૂ. ૧.૧૭ લાખ કરોડની રેકોર્ડ સપાટીએ પહોંચ્‍યો છે. સ્‍ટેટ લેવલ બેન્‍કર્સ કમિટીના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૬ના અંતે રાજ્‍યમાં કુલ બાકી NRI ડિપોઝિટ વધીને રૂ. ૧.૧૭ લાખ કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષે રૂ. ૧.૦૯ લાખ કરોડ હતી. આમ, તેમાં ૮.૧૫ ટકાનો વધારો નોંધાયો હતો.

રિપોર્ટ પ્રમાણે, નાણાંકીય વર્ષે ૨૦૨૦માં રાજ્‍યનો એનઆરઆઈ ડિપોઝિટ પૂલ રૂ. ૮૦,૧૦૯.૨૧ કરોડ હતો. જેની સરખામણીએ તેમાં અત્‍યાર સુધીમાં લગભગ ૪૭ ટકાનો વધારો થયો હતો. જો કે, આ તાજેતરનો વૃદ્ધિ દર નાણાકીય વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા ૧૮.૧૬ ટકા ના વધારા કરતાં ધીમો રહ્યો હતો. સૂત્રો આ સતત વૃદ્ધિ પાછળ ગુજરાતના વિશાળ વિદેશી ડાયસ્‍પોરા, નિયમિત રેમિટન્‍સ પ્રવાહ અને એનઆરઆઈ દ્વારા બચતનો એક ભાગ ભારતીય બેંકોમાં રાખવાની પસંદગીને જવાબદાર માને છે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે, રૂપિયો નબળો પડવાને કારણે ડોલર રેમિટન્‍સનું રૂપિયામાં મૂલ્‍ય વધી ગયું છે, જેનાથી ભારતમાં ડિપોઝિટ અને રોકાણ વધુ આકર્ષક બન્‍યા છે. ઘણા એનઆરઆઈ ગુજરાતના રિયલ એસ્‍ટેટ સેક્‍ટરમાં પણ રોકાણ કરી રહ્યા છે, જ્‍યાં ફંડ પાર્ક કરવામાં આવે છે અને પાછળથી ઉપાડી લેવામાં આવે છે.

સૂત્રોએ ઉમેર્યું કે આ વધારા પાછળ માત્ર એક્‍સચેન્‍જ રેટમાં ફેરફાર જ એકમાત્ર કારણ નથી. નાણાંકીય વર્ષ ૨૦૨૬માં રૂપિયો ૧૦.૫૭ ટકા નબળો પડ્‍યો હોવા છતાં, NRI ડિપોઝિટ ૮.૧૫ ટકા વધી હતી, જ્‍યારે તેની સરખામણીમાં નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂપિયો માત્ર ૨.૬૭ ટકા ઘટી જવા છતાં NRI ડિપોઝિટમાં ૧૮.૧૬ ટકાનો મોટો વધારો થયો હતો. 

આ ટ્રેન્‍ડ સમગ્ર ભારતમાં નવી NRI ડિપોઝિટ એકત્ર કરવાની ગતિમાં આવેલા ઘટાડાને પ્રતિબિબિત કરે છે. RBI ના ડેટા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૬માં NRI ડિપોઝિટ યોજનાઓમાં, ખાસ કરીને ફોરેન કરન્‍સી નોન-રેસિડેન્‍ટ થાપણોમાં પ્રવાહ ધીમો પડ્‍યો છે. આ પાછળનું કારણ કે ભારત અને વિદેશી બજારો વચ્‍ચે વ્‍યાજ દરોનો તફાવત  છે.

 

 

(2:54 PM IST)