તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
અમેરિકાના વિઝા મેળવવા હવે ગજવું વધુ ખાલી કરવું પડશે: પ્રીમિયમ પ્રોસેસિંગ હવે 'વિકલ્પ' નહીં પણ 'મજબૂરી', હજારો ડોલરનો વધારાનો બોજ
સામાન્ય પ્રોસેસિંગમાં મહિનાઓનો વિલંબ થતા અરજદારો પરેશાન: H-1B અને OPT વિઝા માટે લાખો રૂપિયા ખર્ચવા છતાં અનિશ્ચિતતા, જાણો કઈ કેટેગરીમાં કેટલો લાગે છે ચાર્જ

વોશિંગ્ટન:અમેરિકામાં સ્થાયી થવા અથવા કામ કરવા ઈચ્છતા ભારતીયો સહિતના આંતરરાષ્ટ્રીય અરજદારો માટે હવે વિઝા પ્રક્રિયા માત્ર જટિલ જ નહીં, પણ અત્યંત ખર્ચાળ બની ગઈ છે. અમેરિકી ઈમિગ્રેશન વિભાગ (USCIS) માં સામાન્ય વિઝા પ્રોસેસિંગમાં થઈ રહેલા મહિનાઓના વિલંબને કારણે હવે 'પ્રીમિયમ પ્રોસેસિંગ' એ પસંદગીનો વિષય મટીને એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. નિષ્ણાતોના મતે, આ વધારાની ફી હવે એક રીતે 'ઉતાવળનો ટેક્સ' બની ગઈ છે, જે સરકારી વિલંબને કારણે અરજદારોએ ચૂકવવો પડી રહ્યો છે.
માર્ચ ૨૦૨૬ના આંકડા મુજબ, જો કોઈ વિદ્યાર્થી F-1 OPT અથવા STEM OPT માટે ઝડપી મંજૂરી ઈચ્છે છે, તો તેણે સામાન્ય ફી ઉપરાંત ૧,૭૮૦ ડોલર (આશરે ૧.૪૮ લાખ રૂપિયા) વધારાના ચૂકવવા પડે છે. તેવી જ રીતે, H-1B અને L-1 વિઝા માટે આ પ્રીમિયમ ફી ૨,૯૬૫ ડોલર (આશરે ૨.૪૭ લાખ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે. જો આમાં વકીલની ફી અને અન્ય સરકારી ચાર્જ ઉમેરવામાં આવે, તો એક અરજીનો કુલ ખર્ચ ૧૦,૦૦૦ ડોલર (આશરે ૮.૩૦ લાખ રૂપિયા) ને પાર કરી જાય છે. નાના ઉદ્યોગો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ આર્થિક બોજ અસહ્ય બની રહ્યો છે.
ઈમિગ્રેશન વકીલોનું કહેવું છે કે સામાન્ય રીતે H-1B વિઝાના એક્સટેન્શનમાં ૪ થી ૮ મહિનાનો સમય લાગે છે, જ્યારે પ્રીમિયમ પ્રોસેસિંગમાં માત્ર ૧૫ દિવસમાં નિર્ણય આવી જાય છે. નોકરીની શરૂઆતની તારીખ, વિઝા એક્સપાયરી અથવા વર્ક ઓથોરાઈઝેશનમાં પડતા ગેપને કારણે અરજદારો પાસે બીજો કોઈ રસ્તો બચતો નથી. ઘણા કિસ્સાઓમાં કંપનીઓ આ ખર્ચ ઉઠાવવા તૈયાર હોતી નથી, જેના કારણે કર્મચારીઓએ પોતે જ લાખો રૂપિયા ખર્ચવા પડે છે.
ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આ વિલંબથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. જો ગ્રેજ્યુએશન પછી સમયસર OPT (વર્ક પરમિટ) ન મળે, તો તેમને અમેરિકા છોડવું પડી શકે છે અથવા નોકરીની ઓફર ગુમાવવી પડી શકે છે. ઘણી અમેરિકન કંપનીઓએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો વિઝા પ્રોસેસિંગમાં વિલંબ થશે તો તેઓ જોઇનિંગ ડેટ આગળ વધારશે નહીં. આ દબાણને કારણે વિદ્યાર્થીઓ ઉછીના પૈસા લઈને પણ પ્રીમિયમ ફી ભરી રહ્યા છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું પ્રીમિયમ પ્રોસેસિંગમાંથી મળતી કરોડોની આવકનો ઉપયોગ બેકલોગ ઘટાડવા માટે થઈ રહ્યો છે કે નહીં?
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
