News of Thursday, 23rd April 2026
હવે ફ્લાઈટની ટિકિટ વગર પણ એરપોર્ટની અંદર જઈ શકાશે: અબુ ધાબીના ઝાયેદ ઈન્ટરનેશનલ એરપોર્ટનો ઐતિહાસિક નિર્ણય
બોર્ડિંગ પાસ વગર એરપોર્ટના લક્ઝરી ટર્મિનલમાં શોપિંગ અને ડાઈનિંગનો માણો આનંદ; UAE નાગરિકો અને રહેવાસીઓ માટે 8 અઠવાડિયાની ખાસ વિન્ડો ખુલી

અબુ ધાબી, તા.23: અબુ ધાબીના ઝાયેદ ઈન્ટરનેશનલ એરપોર્ટે દુનિયાભરના એરપોર્ટ પ્રોટોકોલથી વિપરીત એક અત્યંત રોમાંચક જાહેરાત કરી છે. હવે UAE ના નાગરિકો અને ત્યાં રહેતા વિદેશીઓ (રહેવાસીઓ) ફ્લાઈટની ટિકિટ કે બોર્ડિંગ પાસ વગર પણ એરપોર્ટના હાઈ-ટેક ટર્મિનલની અંદર પ્રવેશ કરી શકશે. આગામી આઠ અઠવાડિયા સુધી ચાલનારી આ વિશેષ પહેલ હેઠળ સામાન્ય જનતા એરપોર્ટના તે વિસ્તારોનો અનુભવ કરી શકશે જે અત્યાર સુધી માત્ર મુસાફરો માટે જ સીમિત હતા.
આ સુવિધાનો લાભ લેવા માટે મુલાકાતીઓએ અગાઉથી ઓનલાઇન નોંધણી કરાવવી પડશે, ત્યારબાદ તેમને PDF ફોર્મેટમાં એક 'ડિજિટલ સિક્યોરિટી પાસ' આપવામાં આવશે. આ પાસમાં રહેલા QR કોડ દ્વારા એરપોર્ટના ચેકપોઇન્ટ, પ્રીમિયમ શોપ્સ અને ડાઈનિંગ એરિયામાં એન્ટ્રી મળી શકશે. એરપોર્ટ સત્તાવાળાઓએ પ્રવાસીઓ માટે ચાર કલાકનું મફત પાર્કિંગ પણ ઓફર કર્યું છે, જો તેઓ એરપોર્ટની અંદર ઓછામાં ઓછો 200 દિરહામનો ખર્ચ કરે અને પાર્કિંગ પાસ વેલિડેટ કરાવે.
જોકે, સુરક્ષાના કારણોસર કેટલાક કડક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. મુલાકાતીઓ પોતાની સાથે લેપટોપ કે ટેબ્લેટ જેવા પર્સનલ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત, બોર્ડિંગ પાસ વગર પ્રવેશ હોવાથી મુલાકાતીઓ તમાકુ કે દારૂની ખરીદી કરી શકશે નહીં. એરપોર્ટની અંદરના તમામ વ્યવહારો કેશલેસ (ડિજિટલ પેમેન્ટ) દ્વારા કરવાના રહેશે. મુલાકાત પૂર્ણ થયા બાદ સિક્યોરિટી બેજ પરત કરવો ફરજિયાત છે, અન્યથા ભવિષ્યમાં આવી સુવિધાઓ પર પ્રતિબંધ લાગી શકે છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
