News of Friday, 27th November 2026
હવે નોકરિયાત વર્ગને મળશે રાહત : ATMની જેમ UPI દ્વારા મેળવી શકશો પીએફ ઉપાડવાની સુવિધા
આ નવી સુવિધા માટેની ટેકનોલોજી સંપૂર્ણપણે તૈયાર:અલગ-અલગ યુઝર ગ્રુપ્સ વચ્ચે બે રાઉન્ડનું ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂરું કરી લેવાયુ

નવી દિલ્હી :કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના કરોડો સભ્યો માટે એક ક્રાંતિકારી ડિજિટલ સુવિધા લાવવા જઈ રહ્યું છે. હવે પીએફના પૈસા ઉપાડવા માટે લાંબી પ્રક્રિયા કે દિવસો સુધી રાહ જોવાની જરૂર નહીં પડે. સરકાર યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા પીએફ ઉપાડવાની સુવિધા પર કામ કરી રહી છે અને આગામી મહિના એટલે કે ડિસેમ્બર 2026ના અંત સુધીમાં તેને લાગુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, EPFO દ્વારા UPI મારફતે પીએફ ઉપાડવા માટે ઓછામાં ઓછા ₹1,000ની લઘુત્તમ મર્યાદા નક્કી કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓનું માનવું છે કે જો કોઈ લિમિટ રાખવામાં ન આવે, તો કર્મચારીઓ નાની-નાની રકમ માટે પણ વારંવાર ટ્રાન્ઝેક્શન કરશે. આનાથી EPFOની સિસ્ટમ પર બિનજરૂરી ભારણ વધી શકે છે. નાના ટ્રાન્ઝેક્શનને રોકવા અને સિસ્ટમને સુચારુ રાખવાના હેતુથી ₹1,000ની લિમિટ રાખવામાં આવી રહી છે.
આ નવી સુવિધા માટેની ટેકનોલોજી સંપૂર્ણપણે તૈયાર છે. અલગ-અલગ યુઝર ગ્રુપ્સ વચ્ચે બે રાઉન્ડનું ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂરું કરી લેવામાં આવ્યું છે, જેમાં કેટલાક લોકોએ UPI દ્વારા પીએફના પૈસા ઉપાડ્યા પણ છે. ટ્રાયલ દરમિયાન સામે આવેલી નાની-મોટી ખામીઓને દૂર કરી દેવામાં આવી છે. જોકે, EPFOના નવા સોફ્ટવેર પ્લેટફોર્મ 'સેન્ટ્રલાઈઝ્ડ' પર માઈગ્રેશન દરમિયાન હજુ પણ કેટલીક ટેકનિકલ અડચણો આવી રહી છે, જેને ઝડપથી ઉકેલવામાં આવી રહી છે.
જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ્સ મુજબ સરકાર ડિસેમ્બર 2026ના અંત સુધીમાં આ સુવિધા લોન્ચ કરી શકે છે. એટલે કે વર્ષના અંત સુધીમાં નોકરિયાત વર્ગ UPIથી સીધા પીએફ ઉપાડવાનો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2025માં કારોબારી સમિતિની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ થયો હતો અને ઓક્ટોબર 2025ની બોર્ડ બેઠકમાં ઓટોમેટેડ ક્લેમ અને ઝડપી નિકાસીના નવા ફ્રેમવર્કને મંજૂરી મળી હતી.
ટેકનિકલ સ્તરે API તૈયાર કરવાનું અને તેને બેંકિંગ તથા પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ટેકનિકલ એકીકરણ અને સુરક્ષા ટેસ્ટિંગના કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો હતો. આ નવી વ્યવસ્થા લાગુ થયા બાદ પીએફ સભ્યો BHIM એપ દ્વારા UPIનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા ₹1,000 સીધા પોતાના બેંક ખાતામાં મેળવી શકશે, જેનાથી ઈમરજન્સીના સમયે કર્મચારીઓને મોટી રાહત મળશે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
