<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

હવે UPI કે ઓનલાઈન ફ્રોડનો શિકાર બનનારા ગ્રાહકોને મળશે રૂા.૨૫,૦૦૦ સુધીનું વળતર

દેશમાં સતત વધી રહેલા સાયબર ક્રાઈમ અને ડિજિટલ ફ્રોડના કેસો વચ્‍ચે ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોના હિતમાં એક મોટો નિર્ણય લીધો : આ ઐતિહાસિક નિયમ 1 January 2027 થી સત્તાવાર રીતે અમલમાં આવશેઃ નવા નિયમો હેઠળ, જો કોઈ વ્‍યક્‍તિ ઓનલાઈન બેંકિગ કે UPI સ્‍કેમમાં પૈસા ગુમાવે છે, તો તેને રૂા. ૨૫,૦૦૦ સુધીનું વળતર મળી શકે છે

ભારતમાં ટેકનોલોજીની સાથે ડિજિટલ પેમેન્‍ટનો વ્‍યાપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આજે ચાની કીટલીથી લઈને મોટા મોલ સુધી લોકો UPI, નેટ બેંકિગ, મોબાઈલ બેંકિગ અને ક્રેડિટ-ડેબિટ કાર્ડનો આડેધડ ઉપયોગ કરી રહ્યા છે. જો કે, આ સિક્કાની બીજી બાજુ એ છે કે દેશમાં સાયબર ઠગાઈ અને ઓનલાઈન ફ્રોડના કિસ્‍સાઓ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. દરરોજ હજારો નિર્દોષ ગ્રાહકો ફેક લિક્‍સ, નકલી બેંક કોલ્‍સ, OTP ફ્રોડ અને યુપીઆઈ સ્‍કેમનો ભોગ બનીને પોતાની મહેનતની કમાણી ગુમાવી બેસે છે. આવા પીડિતોની વહારે આવતા હવે ભારતીય રિઝર્વ બેંકે (RBI) એક ક્રાંતિકારી યોજનાને મંજૂરી આપી છે, જેનાથી સામાન્‍ય જનતાનો ડિજિટલ પેમેન્‍ટ સિસ્‍ટમ પર ભરોસો વધુ મજબૂત થશે.

આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નવા નિયમ અનુસાર, જો કોઈ ગ્રાહક ઓનલાઈન બેંકિગ, યુપીઆઈ, મોબાઈલ બેંકિગ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા કોઈ પણ સાયબર ફ્રોડનો શિકાર બને છે અને તેનું કુલ આર્થિક નુકસાન રૂા.૫૦,૦૦૦ સુધીનું હોય, તો તેને મહત્તમ રૂા.૨૫,૦૦૦ સુધીની આર્થિક સહાય (વળતર) આપવામાં આવશે. આ નિયમ ખાસ કરીને એવા મધ્‍યમ અને નાના વર્ગના ગ્રાહકોને ધ્‍યાનમાં રાખીને બનાવવામાં આવ્‍યો છે, જેઓ નાની રકમના ઓનલાઈન ફ્રોડનો ભોગ બને છે અને પોલીસ કે બેંકના ચક્કરમાં પડ્‍યા વગર પોતાના પૈસા કાયમ માટે ગુમાવી દે છે. ખાસ વાત એ છે કે, જો ગ્રાહકની કોઈ નાની-મોટી ભૂલના કારણે પણ આ ફ્રોડ થયું હશે, તો પણ આ યોજના હેઠળ વળતર મળવાની સંભાવના રાખવામાં આવી છે, બશર્તે ગ્રાહકે નિયમોનું પાલન કર્યું હોય.

RBI એ આ નવી વળતર વ્‍યવસ્‍થાના માળખાને આખરી ઓપ આપી દીધો છે. અગાઉ આ નિયમ July ૨૦૨૬ થી દેશભરમાં લાગુ કરવાની યોજના બનાવવામાં આવી હતી. પરંતુ બેંકો અને ટેકનિકલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરની સજ્જતાને ધ્‍યાનમાં રાખીને તેને ૬ (છ) મહિના આગળ ધકેલવામાં આવ્‍યો છે. હવે આ ઐતિહાસિક નિયમ ૧ January ૨૦૨૭ થી સત્તાવાર રીતે અમલમાં આવશે. એટલે કે, જાન્‍યુઆરી ૨૦૨૭ પછી થનારા લાયક ડિજિટલ ફ્રોડના કેસોમાં જ ગ્રાહકો આ સુવિધાનો લાભ મેળવી શકશે.

RBI ના ફાઈનલ ડ્રાફટ મુજબ, સાયબર ફ્રોડના ભોગ બનેલા પાત્ર ગ્રાહકને તેના કુલ નુકસાનના ૮૫% સુધીની રકમ અથવા તો મેક્‍સિમમ રૂા.૨૫,૦૦૦ સુધીનું વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્‍યક્‍તિ સાથે રૂા.૨૦,૦૦૦નું ફ્રોડ થાય છે, તો તેને નિયમોના આધારે તેની નુકસાનીના ૮૫% એટલે કે મોટી રકમ પરત મળી શકે છે.

જો નુકસાન રુા.૫૦,૦૦૦ કે તેથી વધુ હોય, તો પણ વળતરની મહત્તમ મર્યાદા રુા.૨૫,૦૦૦ સુધી સીમિત રહેશે.

જો કે, આ વળતર દરેક સામાન્‍ય કેસોમાં અંધાધૂંધ રીતે નહીં મળે. આ માટે આરબીઆઈએ નક્કી કરેલી ચોક્કસ શરતો અને ગાઈડલાઈન્‍સનું પાલન કરવું અનિવાર્ય રહેશે.

આરબીઆઈની વળતર નીતિનો લાભ લેવા માટે સૌથી મહત્‍વની શરત સમય મર્યાદાની છે. ફ્રોડ થયાના પાંચ દિવસની અંદર ગ્રાહકે સંબંધિત બેંક અથવા નાણાકીય સંસ્‍થાને સત્તાવાર રીતે લેખિત કે ડિજિટલ ફરિયાદ નોંધાવવી પડશે. જેટલી વહેલી ફરિયાદ થશે, વળતર મળવાની શક્‍યતા એટલી જ વધી જશે. સાયબર ફ્રોડની જાણ થતાં જ ગ્રાહકોએ તાત્‍કાલિક પોતાની બેંક હેલ્‍પલાઈન ઉપરાંત કેન્‍દ્રીય સાયબર હેલ્‍પલાઈન નંબર ૧૯૩૦ અને રાષ્ટ્રીય સાયબર અપરાધ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી દેવી જોઈએ.

 

(9:49 AM IST)