તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
હવે યુદ્ધાય કૃતનિશ્ચય નહીં, બુદ્ધાય કૃતનિશ્ચયની જરૂર : પૂ.મોરારીબાપુનો નૂતનવર્ષ સંદેશ
આ નૂતન વર્ષે વિશ્વમાંથી સંઘર્ષ દૂર થાય તેવી પ્રાર્થના : ચિત્રકૂટધામ તલગાજરડાથી આપ્યો સંદેશ : અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરીએ, સ્વીકાર એ જ મહામંત્ર

રાજકોટ તા.૩ : પૂ.મોરારીબાપુએ ચિત્રકૂટધામ તલગાજરડાથી નૂતનવર્ષ ૨૦૨૬ નિમિત્તે દેશ-વિદેશના તમામ ભાઈ-બહેનોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.
પૂ.મોરારીબાપુએ પોતાના સંદેશમાં જણાવ્યું કે, આપણે નાનપણમાં પ્રાર્થના કરતા હતા - ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા’ - આ ઔપનિષદિય પ્રાર્થના અસતોમાં સતગમય, તમસોમાં જ્યોતિરગમય, મૃત્યોરમાં અમૃતમગમયનો ભાવ વ્યક્ત કરે છે. દિવાળી અને નૂતનવર્ષના મંગલ પ્રસંગે આપણા ઋષિઓની દૃષ્ટિ હંમેશા અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાની રહી છે. અંધકાર એટલે અવિદ્યા, મોહ અને અહંકાર. આ આસુરી સંપદામાંથી વિવેક, જ્ઞાન, સત્ય, પ્રેમ અને કરુણા જેવા શાશ્વત પ્રકાશના તત્વો તરફ પરમાત્મા આપણને દોરી જાય તેવી પ્રાર્થના છે.
વધુમાં પૂ.મોરારીબાપુએ વિશ્વમાં શાંતિ માટે પ્રાર્થના કરતા કહ્યું કે, પુરા સંસારમાં સંઘર્ષ શમે, યુદ્ધો શાંત થાય અને પરસ્પર સંવાદનું વાતાવરણ રચાય. કોઈપણ જાતના ભેદભાવ વગર આપણે એકબીજાનો સ્વીકાર કરતા થઈએ, કારણ કે ‘સ્વીકાર એ મહામંત્ર છે.’
ગીતાનો સંદર્ભ આપતા પૂ.મોરારીબાપુએ કહ્યું કે ભગવાન કૃષ્ણએ અર્જુનને ‘યુદ્ધાય કૃતનિશ્ચય’ કહ્યું હતું, તે સમય, સ્થાન અને સંજોગો પ્રમાણે હતું. પરંતુ જો આજે કૃષ્ણ ફરી પ્રગટે તો કદાચ એવું કહે કે - હે અર્જુન, હવે યુદ્ધાય કૃતનિશ્ચય નહીં, ‘બુદ્ધાય કૃતનિશ્ચય’ - તમે બુદ્ધ બનો, બુદ્ધ બનવાનો નિર્ણય કરો.
અંતમાં પૂ.મોરારીબાપુએ તમામ દર્શકો, શ્રોતાઓ અને વાચકોને નવા વર્ષ અને દિવાળીના વંદન અને પ્રણામ પાઠવ્યા હતા. તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા) ની યાદીમાં જણાવ્યું છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
