<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

હવે માત્ર વેચનાર જ નહીં પરંતુ આખું ઈ-કોમર્સ પ્લેટફોર્મ જવાબદાર ગણાય શકે:ઓનલાઈન શોપિંગ કંપનીઓ માટે નિયમો વધુ કડક બન્યા

ઓનલાઈન શોપિંગ દરમિયાન ડુપ્લિકેટ વસ્તુ મળે,એક્સપાયર થયેલો સામાન આવે,બતાવેલી વસ્તુ અને મળેલી વસ્તુ અલગ હોય અથવા રિટર્ન-રિફંડમાં છેતરપિંડી થાય તો કાનૂની ફરિયાદ કરી શકો છો

નવી દિલ્હી :ઓનલાઈન શોપિંગ દરેક ઘરની જરૂરિયાત બની ગઈ છે. મોબાઇલમાં માત્ર એક ક્લિક કરો અને મિનિટોમાં સામાન ઘર સુધી પહોંચી જાય. પરંતુ આ સુવિધા સાથે ફરિયાદો પણ ઝડપથી વધી રહી છે.

ક્યારેક ગ્રાહકોને નકલી પ્રોડક્ટ મળી જાય છે… તો ક્યારેક તૂટેલો સામાન. ઘણા લોકોનું રિફંડ અટકી જાય છે, તો કેટલાક કેસમાં “ડિલિવર” બતાવી દેવામાં આવે છે છતાં સામાન પહોંચતો જ નથી. હવે આવા કિસ્સાઓ સામે ગ્રાહકોને મોટી કાનૂની સુરક્ષા મળવા જઈ રહી છે.

ભારતમાં Consumer Protection Act 2019 લાગુ થયા પછી ઓનલાઈન શોપિંગ કંપનીઓ માટે નિયમો વધુ કડક બન્યા છે. Amazon, Flipkart, Swiggy, Zomato જેવી મોટી કંપનીઓ પણ હવે જવાબદારીમાંથી બચી નહીં શકે. સરકારે Central Consumer Protection Authority એટલે કે CCPA બનાવી છે, જે ગ્રાહકોની ફરિયાદોની તપાસ કરી કાર્યવાહી કરી શકે છે.

હવે માત્ર વેચનાર જ નહીં… પરંતુ આખું ઈ-કોમર્સ પ્લેટફોર્મ પણ જવાબદાર ગણાઈ શકે છે.

જો ખોટી માહિતી આપી પ્રોડક્ટ વેચાઈ હોય , જો નકલી સામાન મોકલાયો હોય,જો રિફંડ અટકાવવામાં આવ્યા હોય ,અથવા ભ્રામક જાહેરાત બતાવામાં આવી હોય,કંપની સામે સીધી ફરિયાદ થઇ શકે છે .

કાયદા મુજબ ગ્રાહકોને સુરક્ષા, સાચી માહિતી મેળવવાનો અધિકાર, પસંદગીનો અધિકાર, ફરિયાદનો ઉકેલ અને સાંભળવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો તમને ઓનલાઈન શોપિંગ દરમિયાન ડુપ્લિકેટ વસ્તુ મળી હોય, એક્સપાયર થયેલો સામાન આવ્યો હોય, બતાવેલી વસ્તુ અને મળેલી વસ્તુ અલગ હોય અથવા રિટર્ન-રિફંડમાં છેતરપિંડી થઈ હોય… તો હવે તમે કાનૂની ફરિયાદ કરી શકો છો.

 

ડિજિટલ યુગમાં લોકો હવે વધુ જાગૃત બન્યા છે. સોશિયલ મીડિયા અને ઓનલાઈન કન્ઝ્યુમર સિસ્ટમના કારણે લોકો પોતાની અવાજ ઉઠાવી રહ્યા છે. હવે કંપનીઓ માટે માત્ર વેચાણ પૂરતું નથી… ગ્રાહકનો વિશ્વાસ જાળવવો પણ એટલો જ જરૂરી બની ગયો છે. કારણ કે હવે ગ્રાહકોને ખબર પડી ગઈ છે…કે જો છેતરપિંડી થશે… તો કાયદો તેમની સાથે ઉભો રહેશે.

(9:01 PM IST)