તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
હવે ઘરનું રસોડું બજેટ ખોરવાશે! ટાટાના મીઠા, ચા અને કઠોળના ભાવમાં તોતિંગ વધારાના એંધાણ
કાચા માલની વધતી કિંમતો, વિલંબિત ચોમાસું અને વૈશ્વિક સપ્લાય ચેઇનની કટોકટી વચ્ચે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ભાવ વધારવાનો આપ્યો સ્પષ્ટ સંકેત: આગામી ૧૫ થી ૩૦ દિવસમાં ગ્રાહકો પર પડશે ફુગાવાનો નવો માર

મુંબઈ : મોંઘવારીના અસહ્ય બોજ હેઠળ દબાયેલા સામાન્ય ગ્રાહકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે, જ્યાં રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ટાટા બ્રાન્ડની આવશ્યક ચીજવસ્તુઓ હવે વધુ મોંઘી થવા જઈ રહી છે. દેશની અગ્રણી કંપની 'ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ' (TCPL) એ સંકેત આપ્યો છે કે ઉત્પાદન ખર્ચમાં સતત થઈ રહેલા વધારાને કારણે તે ટૂંક સમયમાં પોતાની ફ્લેગશિપ પ્રોડક્ટ્સ જેવી કે ટાટા ટી, ટાટા સોલ્ટ (મીઠું) અને ટાટા સંપન્ન બ્રાન્ડના કઠોળના ભાવમાં વધારો કરવાનું વિચારી રહી છે. આ નિર્ણયથી દેશના કરોડો પરિવારના માસિક કરિયાણાના બિલમાં સીધો ઉછાળો જોવા મળશે.
કંપનીના જણાવ્યા મુજબ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ અને યુદ્ધની પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. વધુમાં, આ વર્ષે વિલંબિત ચોમાસાના કારણે ચાના પાનનું ઉત્પાદન ઘટતાં તેની કિંમતોમાં ૭% થી ૧૦% નો સીધો ઉછાળો નોંધાયો છે. ટાટા કન્ઝ્યુમર્સે તાજેતરમાં જ ચાના ભાવમાં આંશિક વધારો કર્યો હતો, પરંતુ કાચા માલનો ખર્ચ સતત વધી રહ્યો હોવાથી હવે આગામી ૧૫ થી ૩૦ દિવસમાં તમામ પેકેજ્ડ ફૂડ અને કઠોળના ઉત્પાદનોની કિંમતોની સમીક્ષા કરીને નવો ભાવવધારો ઝીંકાય તેવી પૂરી શક્યતા છે.
આશ્ચર્યજનક વાત એ છે કે ટાટા કન્ઝ્યુમરે તાજેતરના ત્રિમાસિક ગાળામાં ઉત્કૃષ્ટ નાણાકીય પ્રદર્શન કર્યું છે. કંપનીની કુલ આવક ૧૨% વધીને ₹૫,૩૪૮.૮૮ કરોડ અને ચોખ્ખો નફો ૨૮% ના ઉછાળા સાથે ₹૪૪૪.૮૬ કરોડ નોંધાયો છે. આટલા સુંદર નફા છતાં કંપનીનું કહેવું છે કે, વ્યવસાયિક સંતુલન અને નફાકારકતા જાળવી રાખવા માટે વધી રહેલા ઉત્પાદન ખર્ચનો બોજ ગ્રાહકો પર ટ્રાન્સફર કરવો અનિવાર્ય બની ગયો છે. આગામી દિવસોમાં જો કાચા માલમાં રાહત નહીં મળે, તો ટાટાની પ્રોડક્ટ્સ મોંઘી થતાં સામાન્ય માનવીના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ડહોળાઈ જશે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
