News of Thursday, 24th September 2026
હવે 'ડુપ્લિકેટ પનીર'ને પનીર નહીં કહી શકાય: FSSAI નો મોટો પ્રસ્તાવ, એનાલોગ પ્રોડક્ટ્સ પર 'પનીર' લેબલ મારવા પર મુકાશે પ્રતિબંધ
હોટેલ-રેસ્ટોરન્ટના મેનૂ કાર્ડથી લઈને પેકેટ સુધી સત્ય જાહેર કરવું પડશે; શાકભાજીના તેલ અને સ્ટાર્ચથી બનતા પનીરના વિકલ્પો સામે ફૂડ રેગ્યુલેટરની લાલ આંખ

નવી દિલ્હી, તા.૨૪: દેશમાં ડેરી પ્રોડક્ટ્સના નામે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અને ભે ભેળસેળ રોકવા માટે દેશની સર્વોચ્ચ ખાદ્ય સુરક્ષા સંસ્થા FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક કદમ ઉઠાવ્યું છે. FSSAI એ દૂધ સિવાયના અન્ય પદાર્થો જેવાં કે વનસ્પતિ તેલ (વેજિટેબલ ફેટ) અને સ્ટાર્ચમાંથી બનાવવામાં આવતી એનાલોગ પ્રોડક્ટ્સ (નકલી કે વિકલ્પ પનીર) માટે 'પનીર' (Paneer) શબ્દના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
નવા પ્રસ્તાવિત નિયમો મુજબ, જે ફૂડ બિઝનેસ ઓપરેટરો, હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને કેટરિંગ સર્વિસ ડેરી-આધારિત અસલી પનીરને બદલે એનાલોગ પનીર કે ચીઝ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, તેમણે ગ્રાહકો સમક્ષ તેનું સ્પષ્ટ ડિસ્કલોઝર (જાહેરાત) કરવું પડશે. વેપારીઓએ પોતાના મેનૂ કાર્ડ, ડિસ્પ્લે બોર્ડ અને પેકેજિંગ લેબલ પર ગ્રાહકો સરળતાથી વાંચી શકે તે રીતે સ્પષ્ટપણે દર્શાવવું પડશે કે તેઓ અસલી પનીર વાપરી રહ્યા છે કે તેની જગ્યાએ અન્ય કઈ પ્રોડક્ટ વાપરી રહ્યા છે.
FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે 'એનાલોગ ઇન ડેરી કોન્ટેક્સ્ટ' કેટેગરી હેઠળ અગાઉથી લાઇસન્સ કે રજિસ્ટ્રેશન મેળવનારા ઉત્પાદકોએ પણ હવે તેમના ઉત્પાદનોના નામ, લેબલિંગ અને માર્કેટિંગમાં 'પનીર' શબ્દનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરવો પડશે. તાજેતરમાં ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ નોન-સ્ટાન્ડર્ડ એનાલોગ પનીર પર કડક કાર્યવાહી કરી હતી, જેના અનુસંધાને હવે FSSAI એ સમગ્ર દેશમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય અને હિતોનું રક્ષણ કરવા માટે આ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
