<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ટ્રેનમાં ઇયરફોન વગર રીલ્સ જોઈ કે મોટેથી વાત કરી તો હવે કાર્યવાહી થશે : પહેલા ₹1,000 દંડ અને ચેતવણી છતાં ન અટક્યા તો 6 મહિનાની જેલ સુધીની સજા

રેલવે એક્ટની કલમ 145 હેઠળ સધર્ન અને ઇસ્ટર્ન રેલવેએ કડક સૂચના જારી કરી : ટીટીઇને દંડ કરવાની સત્તા, સ્ટેશન અને ટ્રેનમાં અનાઉન્સમેન્ટથી જાગૃતિ અભિયાન શરૂ

નવી દિલ્હી તા.૨૪ : ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે રેલવેએ મોટી ચેતવણી જારી કરી છે, ટ્રેનમાં કે રેલવે સ્ટેશન પર ઇયરફોન વગર મોટેથી રીલ્સ જોવી, મ્યુઝિક કે વિડીયો સ્પીકર પર વગાડવા, મોટેથી કે લાંબા સમય સુધી ફોન પર વાત કરવી કે મોટા અવાજે રીંગટોન રાખવી હવે ઉપદ્રવ ગણાશે અને તેના પર રેલવે એક્ટ 1989ની કલમ 145 હેઠળ કાર્યવાહી થઈ શકશે, સધર્ન રેલવે અને ઇસ્ટર્ન રેલવેએ આ અંગે પોતાના તમામ ડિવિઝનને સૂચના આપી છે, રેલવે બોર્ડે વર્ષ 2012માં પણ આ અંગે માર્ગદર્શન આપ્યું હતું, પરંતુ હવે જન વિશ્વાસ કાયદા હેઠળ થયેલા સુધારા બાદ કાર્યવાહી વધુ કડક બની છે, નિયમ મુજબ પહેલી વખત ઉપદ્રવ કરનાર મુસાફરને રેલવે પરિસરમાંથી દૂર કરી શકાશે, તેની ટિકિટ કે પાસ જપ્ત કરી શકાશે અને ₹1,000 સુધીનો દંડ ફટકારી શકાશે, આ દંડ કરવાની સત્તા ટિકિટ એક્ઝામિનરથી નીચેના ન હોય તેવા અધિકૃત કોમર્શિયલ કર્મચારીને આપવામાં આવી છે, જો મુસાફર અધિકૃત રેલવે કર્મચારીની કાયદેસરની સૂચના છતાં પણ ઉપદ્રવ ચાલુ રાખે તો તેને સાદી કેદની 6 મહિના સુધીની સજા, ₹5,000 સુધીનો દંડ કે બંને થઈ શકે છે, એટલે કે માત્ર એક વખત રીલ્સ જોવાથી સીધી જેલ થશે નહીં, પરંતુ ચેતવણી પછી પણ વર્તન ન સુધારનાર સામે કડક કાર્યવાહી થશે, રેલવેએ મુસાફરોને ઇયરફોનનો ઉપયોગ કરવા, ફોનને સાઇલન્ટ કે વાઇબ્રેશન પર રાખવા, રીંગટોનનો અવાજ ઓછો રાખવા અને વાતચીત ટૂંકી અને ધીમા અવાજે કરવા અપીલ કરી છે, ખાસ કરીને એસી કોચમાં આ નિયમનું પાલન વધુ જરૂરી છે, સ્ટેશનો અને ટ્રેનોમાં હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષામાં નિયમિત અનાઉન્સમેન્ટ અને નોટિસ દ્વારા મુસાફરોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, જો કોઈ મુસાફરને અવાજથી તકલીફ પડતી હોય તો તે ઓનબોર્ડ સ્ટાફ કે ટીટીઇને જાણ કરી શકે છે અથવા રેલમદદ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે, રેલવેનો હેતુ દરેક મુસાફરને દંડ કરવાનો નહીં, પરંતુ સહ-મુસાફરોની શાંતિ અને આરામ જાળવવાનો છે.

(3:40 PM IST)