<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

હવે પાળતું ડોગીની હાવભાવ અને અવાજને પણ સમજી શકાશે : AI ડિવાઇસ કરશે શ્વાનની મનની વાતનો અનુવાદ

ભૂખ, પાણી, રમવાની ઈચ્છા અથવા બહાર જવાની જરૂરિયાત જેવી બાબતો ઓળખવામાં આ ડિવાઇસ મદદરૂપ બની શકે

ઘરમાં પાલેલું ડૉગ કે કેટ શું કહેવા માગે છે, તે સમજવું મોટાભાગના પેટ પેરેન્ટ્સ માટે સૌથી મોટો પડકાર હોય છે. ભૂખ લાગી છે, બહાર ફરવા જવું છે, રમવું છે કે કોઈ તકલીફ છે—આ બધું તેઓ પોતાના અવાજ અને હાવભાવથી વ્યક્ત કરે છે, પરંતુ તેનો સાચો અર્થ સમજવો હંમેશા સરળ નથી. હવે આ મુશ્કેલીનો ટેક્નોલોજી આધારિત ઉકેલ સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર હાલમાં એક AI આધારિત Dog Language Translator ડિવાઇસ ખૂબ ચર્ચામાં છે. આ નાનું કોલર જેવું ડિવાઇસ ડૉગ અથવા કેટના ગળામાં પહેરાવવામાં આવે છે અને સ્માર્ટફોન એપ સાથે જોડાઈ જાય છે. કંપનીનો દાવો છે કે તે પાળતુ પ્રાણીના અવાજનું વિશ્લેષણ કરીને તેનો અર્થ ફોનમાં દર્શાવે છે, જેથી માલિક પોતાના પેટની જરૂરિયાત વધુ સારી રીતે સમજી શકે.

 

આ ડિવાઇસમાં AI ટ્રાન્સલેશન ટેક્નોલોજી, એપ કંટ્રોલ અને GPS ટ્રેકિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડૉગ કે કેટ અવાજ કરે ત્યારે એપમાં નોટિફિકેશન આવે છે અને તે શું વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તેનો અંદાજ આપવામાં આવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ભૂખ, પાણી, રમવાની ઈચ્છા અથવા બહાર જવાની જરૂરિયાત જેવી બાબતો ઓળખવામાં આ ડિવાઇસ મદદરૂપ બની શકે છે.

 

 

કંપનીનો દાવો છે કે AI મોડેલને આશરે 10 લાખથી વધુ પેટ ડેટા સેમ્પલ્સ પર ટ્રેન કરવામાં આવ્યો છે. ડિવાઇસ અવાજને રેકોર્ડ કરે છે, તેને ક્લાઉડ આધારિત AI સિસ્ટમમાં વિશ્લેષિત કરે છે અને પછી અનુમાનના આધારે પરિણામ આપે છે. કંપની મુજબ તેની 94 ટકા સુધીની એક્યુરેસી હોવાનું કહેવાય છે.

સ્પેસિફિકેશન

• બેટરી: 280 mAh

• બેટરી બેકઅપ: અંદાજે 1 કલાક

• વજન: 27.2 ગ્રામ

• વોટરપ્રૂફ: IP65

• ફીચર્સ: AI ટ્રાન્સલેશન, એપ કંટ્રોલ, GPS ટ્રેકિંગ

• ઉપયોગ: ડૉગ અને કેટ માટે (બર્ડ્સ અથવા ફિશ માટે નહીં)

આ ડિવાઇસ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેની કિંમત ₹19,999 છે અને કેટલીક ઓફરમાં ₹1,000 સુધીનું કૂપન ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે, જેના પછી અસરકારક કિંમત ₹18,999 થાય છે.

જોકે આ ડિવાઇસ વિશે ઘણા દાવા કરવામાં આવે છે, પરંતુ ડૉગ અથવા કેટની ભાષાનું 100% સચોટ અનુવાદ શક્ય છે તેવા દાવાને લઈને સ્વતંત્ર વૈજ્ઞાનિક પુરાવા મર્યાદિત છે. આવા AI ગેજેટ્સ મુખ્યત્વે અવાજના પેટર્ન અને વર્તનના આધારે સંભાવિત અર્થ દર્શાવે છે. તેથી તેને સંપૂર્ણ સત્ય માનવાને બદલે એક સહાયક ટેક્નોલોજી તરીકે જ જોવી વધુ યોગ્ય રહેશે.

(12:55 AM IST)