<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

હવે E20 એથેનોલ પેટ્રોલ સામે મોરચો: દિલ્હીના ટ્રાન્સપોર્ટર્સ 4 ઓગસ્ટે સંસદ માર્ચ કરશે

ટ્રાન્સપોર્ટર્સનો આરોપ છે કે એથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે ગાડીઓના એન્જિનમાં ગંભીર ખરાબી અને સામાન્ય વાહનચાલકો તથા ટ્રાન્સપોર્ટર્સને ભારે આર્થિક નુકસાન

નવી દિલ્હી :દેશભરમાં વાહનોમાં 100% ઈંધણ તરીકે વાપરવામાં આવી રહેલા E20 પેટ્રોલ સામે હવે ટ્રાન્સપોર્ટ સંસ્થાઓએ મોરચો માંડ્યો છે. દિલ્હીના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનોએ E20 પેટ્રોલના નિર્ણયને પાછો ખેંચવાની માંગ સાથે આગામી 4 ઓગસ્ટે સંસદ તરફ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે.

દિલ્હી ટેક્સી એન્ડ ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ એન્ડ ટૂર ઓપરેટર્સ એસોસિએશનના નેતૃત્વ હેઠળ આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટર્સનો આરોપ છે કે એથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે ગાડીઓના એન્જિનમાં ગંભીર ખરાબીઓ આવી રહી છે અને સામાન્ય વાહનચાલકો તથા ટ્રાન્સપોર્ટર્સને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

એસોસિએશનના પ્રમુખ સંજય સમ્રાટે આ પ્રદર્શન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે- દેશભરમાંથી એવા અહેવાલો આવી રહ્યા છે કે E20 પેટ્રોલના કારણે ગાડીઓના એન્જિન, ફ્યુઅલ પંપ અને રબરના ભાગો ઝડપથી ખરાબ થઈ રહ્યા છે. આટલી ગંભીર સમસ્યા હોવા છતાં દેશના જનપ્રતિનિધિઓ અને સાંસદો મૌન છે. અમે 4 ઓગસ્ટે સંસદ માર્ચ યોજીને આ મુદ્દે સોયેલા સાંસદોને જગાડવાનો પ્રયાસ કરીશું.

તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, આ પ્રદર્શન સંપૂર્ણપણે બિન-રાજકીય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સક્રિય થયેલી ઈ-20 જનતા પાર્ટી કે કોકરોચ જનતા પાર્ટી (CJP) જેવા કોઈ પણ ઓનલાઇન ગ્રુપ કે રાજકીય પક્ષ સાથે તેમના સંગઠનને કોઈ લેવાદેવા નથી. આ લડાઈ માત્ર વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટર્સના હક માટે છે.

 

 

 

આ વિરોધ માર્ચને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હરીશ સભરવાલે પણ સમર્થન આપ્યું છે. તેમણે સરકારની નીતિ સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે- સરકારે E20 પેટ્રોલને જ એકમાત્ર વિકલ્પ બનાવીને જનતા પર ઠોકી બેસાડવું જોઈએ નહીં. ગાડી માલિકો અને સામાન્ય મુસાફરો પાસે સામાન્ય પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ હોવો જ જોઈએ. હાલમાં પંપ પર કોઈ અન્ય વિકલ્પ જ આપવામાં નથી આવી રહ્યો, જે અયોગ્ય છે.

હરીશ સભરવાલે ઉમેર્યું હતું કે તેઓ 4 ઓગસ્ટની સંસદ માર્ચનું સમર્થન કરે છે, પરંતુ હાલના તબક્કે કોઈ અનિશ્ચિતકાલીન હડતાળની જાહેરાત કરવામાં આવી નથી.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર E-20 જનતા પાર્ટી નામના અભિયાન હેઠળ વાહનચાલકો E20 પેટ્રોલ સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા હતા. ત્યારબાદ હવે દિલ્હીના મોટા ટ્રાન્સપોર્ટ સંગઠનો રોડ પર ઉતરીને વિરોધ કરવા જઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટર્સની માંગ છે કે કાં તો E20 પેટ્રોલ પાછું ખેંચવામાં આવે અથવા તો પંપ પર સાદા પેટ્રોલનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે.

(12:05 AM IST)