તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
નોટિસની માથાકૂટ ગઈ, હવે સીધી FIR: ચૂંટણી પંચે દાયકાઓ જૂના આચારસંહિતાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર
નોટિસની પ્રક્રિયામાં સમય વેડફાતો હોવાથી ચૂંટણી પ્રક્રિયાને ઝડપી બનાવવા અને કાનૂની સખ્તાઈ વધારવા કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં લેવાયો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી : ભારતીય ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન મામલે એક ક્રાંતિકારી અને અત્યંત કડક નિર્ણય લીધો છે. દાયકાઓથી ચાલી આવતી નોટિસ આપવાની પરંપરાગત પ્રક્રિયામાં મોટો બદલાવ લાવીને પંચે હવે સીધી FIR નોંધાવવાની નવી નીતિ અમલમાં મૂકી છે. નવા નિયમો હેઠળ, જો કોઈ આચારસંહિતાનો ભંગ કરશે, તો તેને પંચ દ્વારા નોટિસ ફટકારીને જવાબ માંગવાની રાહ જોવામાં નહીં આવે, પરંતુ સીધી જ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પ્રક્રિયામાં વિલંબ ટાળવા લીધેલો નિર્ણય
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ ચૂંટણી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાનું છે. હાલના સમયમાં ચૂંટણીઓ ઓછા તબક્કામાં અને ખૂબ જ ટૂંકા સમયગાળામાં પૂર્ણ થતી હોય છે. અગાઉની વ્યવસ્થા મુજબ, જ્યારે કોઈ ઉલ્લંઘન થાય ત્યારે પંચ નોટિસ આપતું હતું, જેનો જવાબ મેળવવામાં અને આગળની કાર્યવાહી કરવામાં ઘણો સમય જતો રહેતો હતો. આ મર્યાદિત સમયમાં ન્યાયિક પ્રક્રિયા પૂરી કરવી મુશ્કેલ બનતી હોવાથી હવે સીધી એફઆઈઆરનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કાર્યવાહી
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અગાઉ નોટિસ અને ચેતવણી જેવા પગલાં ઘણીવાર બેઅસર સાબિત થતા હતા. હવે એફઆઈઆરના માધ્યમથી 'લોક પ્રતિનિધિત્વ અધિનિયમ' હેઠળ ગુનેગારો સામે ત્વરિત અને સીધી કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. પંચનો દાવો છે કે આનાથી કાનૂની સખ્તાઈ વધશે અને આચારસંહિતાનું પાલન વધુ અસરકારક રીતે કરાવી શકાશે.
તાજેતરના કિસ્સાઓનો ઉલ્લેખ
આ નવી નીતિની અમલવારીના ઉદાહરણો પણ સામે આવ્યા છે. આ વખતે સાતમી એપ્રિલે આસામમાં યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન ખડગે દ્વારા કરવામાં આવેલી સાંપ્રદાયિક ચૂંટણી અને પવન ખેડા દ્વારા હિમંતા સામે કરવામાં આવેલા આક્ષેપોના મામલે કોઈ નોટિસ આપવામાં આવી નહોતી, પરંતુ સીધી જ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે પંચ હવે આક્રમક મૂડમાં છે અને કોઈપણ ક્ષતિ ચલાવી લેવા માંગતું નથી.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
