News of Saturday, 3rd October 2026
ઉત્તરાખંડના કોટદ્વારમાં વેપારી સાથેની બોલાચાલી બાદ ધરપકડ કરાયેલા ચર્ચિત જિમ માલિક 'મોહમ્મદ દીપક'ને બીજા જ દિવસે કોર્ટે આપ્યા જામીન: શાંતિ ભંગ ન કરવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૩૦ હેઠળ નોટિસ ફટકારાઈ
ઉજ્જૈનની મસ્જિદના ડિમોલિશન અંગેની સોશિયલ મીડિયા પોસ્ટ પર કમેન્ટ કરવા મામલે સર્જાયો હતો વિવાદ; અગાઉ મુસ્લિમ વેપારીના સમર્થનમાં આવીને ચર્ચામાં આવેલા દીપક કુમાર સામે સ્થાનિક વેપારીને ધમકાવવાનો અને કથિત ગાળાગાડી કરવાનો ગુનો નોંધાયો હતો

કોટદ્વાર (ઉત્તરાખંડ): ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના કોટદ્વાર ખાતે એક સ્થાનિક વેપારીને ધમકાવવા અને કથિત અભદ્ર વર્તન કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા ચર્ચિત જિમ માલિક દીપક કુમાર ઉર્ફે 'મોહમ્મદ દીપક'ને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) કોર્ટે ધરપકડના બીજા જ દિવસે જામીન મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જામીન આપવાની સાથે જ તંત્રે તેમની સામે કડક વલણ અપનાવતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૩૦ હેઠળ નોટિસ ફટકારી છે. આ નોટિસ મુજબ આગામી છ મહિના દરમિયાન જો તેમના તરફથી વિસ્તારમાં શાંતિ ભંગ કરવાનો કે કાયદો-વ્યવસ્થા ડહોળવાનો કોઈ પણ પ્રયાસ થશે તો તેમની સામે દંડાત્મક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
સમગ્ર વિવાદની વિગત મુજબ, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક મસ્જિદના આંશિક ડિમોલિશનના મુદ્દે દીપક કુમારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ પર સ્થાનિક વેપારી આશુતોષ ટોંકે કમેન્ટ કરી હતી, જેને લઈને બંને વચ્ચે વિવાદ ઊભો થયો હતો. ફરિયાદ મુજબ, આ કમેન્ટથી નારાજ થઈને દીપક કુમાર વેપારીની દુકાને પહોંચ્યા હતા અને તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરીને ધમકી આપી હતી. ઘટના બાદ વેપારીઓએ એકઠા થઈને પોલીસ મથકે વિરોધ નોંધાવ્યો હતો અને કડક કાર્યવાહીની માંગ કરી હતી, જેને પગલે પોલીસે અટકાયતી પગલાંરૂપે દીપક કુમારની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દીપક કુમાર ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં ભારે ચર્ચામાં આવ્યા હતા. કોટદ્વારમાં એક મુસ્લિમ દુકાનદારને કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા હતા ત્યારે દીપકે તેમની વચ્ચે પડીને દુકાનદારનો બચાવ કર્યો હતો. એ સમયે વિરોધ કરનારાઓએ તેમનું નામ પૂછતાં તેમણે પોતાનું નામ "મોહમ્મદ દીપક" બતાવ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એ ઘટના બાદ દીપકને આર્થિક બહિષ્કાર અને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમના જિમના ગ્રાહકોની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. તાજેતરની આ નવી ઘટનાને પગલે કોટદ્વારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સોશિયલ મીડિયા પર કડક નજર રાખવામાં આવી રહી છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
