તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
સંતાન ન થવું એ છૂટાછેડાનું કારણ કે 'ક્રૂરતા' નથી: મદ્રાસ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્નીના પક્ષમાં મોટો ફેંસલો!
લગ્નનો ઉદ્દેશ્ય માત્ર સંતાન પ્રાપ્તિ નથી: ફર્ટિલિટી ટ્રીટમેન્ટની શારીરિક-માનસિક પીડા સહન કરતી સ્ત્રી પર દોષનો ટોપલો ન ઢોળી શકાય, કોર્ટે પતિની અપીલ ફગાવી

ચેન્નઈ : વૈવાહિક સંબંધો અને કાયદાકીય બાબતોને લઈને મદ્રાસ હાઈકોર્ટે એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં અવલોકન કર્યું છે કે પત્નીની ગર્ભધારણ કરવાની અસમર્થતા કે સંતાન ન હોવું એ પોતે ક્રૂરતા ગણી શકાય નહીં અને માત્ર આ કારણોસર પત્નીને દોષિત ઠેરવીને છૂટાછેડા આપી શકાય નહીં. ન્યાયાધીશ જી.આર. સ્વામીનાથન અને એમ.ડી. સુમથીની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે લગ્નજીવનનો ઉદ્દેશ્ય માત્ર સંતાન પ્રાપ્તિ પૂરતો સીમિત હોતો નથી.
પતિએ મારપીટ અને અપમાનના કર્યા હતા આરોપો
આ કેસની વિગતો મુજબ, જૂન ૨૦૦૭માં લગ્ન કરનાર પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની તેનું અપમાન કરતી હતી, શંકા રાખતી હતી અને જૂન ૨૦૧૬માં જાહેરમાં તેને નપુંસક કહીને ચંપલ તથા સાવરણીથી હુમલો કર્યો હતો. જો કે, ફેમિલી કોર્ટે આ આરોપોને ફગાવી દીધા હતા, જેની સામે પતિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે પણ ફેમિલી કોર્ટના એ તારણને માન્ય રાખ્યું હતું કે મારપીટ અને અપમાનના આરોપો સંતોષકારક રીતે સાબિત થયા નથી.
ફર્ટિલિટી ટ્રીટમેન્ટની પીડા અને પત્નીનો સમર્પણ ભાવ
ચુકાદો આપતી વખતે હાઈકોર્ટે પ્રજનન ક્ષમતાની સારવાર (ફર્ટિલિટી ટ્રીટમેન્ટ) માં સ્ત્રીએ ભોગવવી પડતી શારીરિક અને ભાવનાત્મક યાતનાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો. કોર્ટે નોંધ્યું કે હોર્મોનલ ઇન્જેક્શન, વારંવારના સ્કેન, બ્લડ ટેસ્ટ અને તબીબી પ્રક્રિયાઓની પીડા વચ્ચે પણ પત્નીએ સંતાન પ્રાપ્તિની આશામાં આ સારવાર કરાવી હતી. અદાલતે સવાલો ઉઠાવતા કહ્યું કે, જે સ્ત્રી પતિ સાથે પરિવાર વસાવવા માટે આટલી વેદના સહન કરતી હોય, તેને દાંપત્ય જીવનનો ત્યાગ કરનાર કે ક્રૂર ગણી શકાય નહીં.
લાંબા સમય સુધી અલગ રહેવું એ પણ છૂટાછેડાનું કારણ નથી
કોર્ટે પતિની એ દલીલ પણ ફગાવી દીધી હતી કે દંપતી લાંબા સમયથી અલગ રહે છે તેથી લગ્નજીવન ભાંગી ગયું છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે પત્નીએ સતત દાંપત્ય જીવન ફરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આમ, હાઈકોર્ટે પતિની અપીલ ફગાવી દીધી છે અને નીચલી કોર્ટના છૂટાછેડા ન આપવાના નિર્ણયને યથાવત રાખીને પારિવારિક સંબંધોમાં સંવેદના અને સમજદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
