News of Sunday, 5th July 2026
"રોકડી એક પાઈનું પણ નુકસાન નથી થયું" - અદાણી સામેના તમામ ક્રિમિનલ આરોપો પાછા ખેંચવા અંગે અમેરિકાના ન્યાય વિભાગે કોર્ટમાં કર્યો મોટો ધડાકો
અગાઉની સરકારે માત્ર અદાણીને 'બદનામ' કરવાના ઈરાદાથી જ કેસ કર્યો હતો : કેસમાં કાયદાકીય, ક્ષેત્રીય અને પુરાવાઓની ભારે નબળાઈ હોવાથી ક્રિમિનલ કેસ ચલાવવાનો કોઈ અર્થ નથી : યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની ફેડરલ કોર્ટમાં રજૂઆત

વોશિંગ્ટન: અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધના કથિત સિક્યોરિટીઝ ફ્રોડ કેસમાં અમેરિકાના ન્યાય વિભાગ (DoJ) દ્વારા ફેડરલ કોર્ટમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ન્યાય વિભાગે ન્યૂયોર્કના ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ માટેની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વિગતવાર ફાઇલિંગ સબમિટ કરીને જણાવ્યું છે કે, આ ફોજદારી કેસના કેન્દ્રમાં રહેલી સિક્યોરિટીઝમાં રોકાણકારોને કોઈ જ નાણાકીય નુકસાન થયું નથી. રોકાણકારોને નુકસાન ન થયું હોવાની આ હકીકત સરકારના પોતાના જ અગાઉના કાયદાકીય કદમને નબળો પાડે છે અને અદાણી સામેના તમામ ક્રિમિનલ આરોપોને રદ્દ (ડિસ્મિસ) કરવાની માગને સંપૂર્ણ સમર્થન આપે છે.
એક પણ પાઈનું નુકસાન નથી થયું, નોટોની પૂરેપૂરી ચુકવણી થઈ ગઈ:
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા કોર્ટમાં સબમિટ કરાયેલા અહેવાલમાં સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું છે કે, આ કેસની સૌથી મોટી નબળાઈ એ છે કે કથિત ફ્રોડમાં રોકાણકારોને કોઈ આર્થિક નુકસાન ભોગવવું પડ્યું નથી. ફાઇલિંગમાં લખવામાં આવ્યું છે કે, "આ મામલા સાથે જોડાયેલી સિક્યોરિટીઝમાં અત્યાર સુધી રોકાણકારોની એક પણ પાઈ ગુમાવવી પડી નથી." રિપોર્ટ અનુસાર, આ કેસમાં સામેલ બે નોટ્સની રોકાણકારોને પૂરેપૂરી ચૂકવણી (રી-પેમેન્ટ) કરી દેવામાં આવી છે, જ્યારે અન્ય બે નોટ્સની ચૂકવણી પણ નિયમિતપણે ચાલુ જ છે અને ભવિષ્યમાં પણ તેમાં કોઈ ફેરફાર થવાના સંકેત નથી. તેથી કાયદાકીય રીતે અહીં રિકવરી કે વળતર આપવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.
સામાન્ય રોકાણકારો નહીં પણ વિશ્વની સૌથી મોટી સંસ્થાઓ સામેલ હતી:
ન્યાય વિભાગે દલીલ કરી હતી કે આ કેસમાં જેમને કથિત ભોગ બનનાર દર્શાવવામાં આવ્યા છે તે કોઈ સામાન્ય છૂટક રોકાણકારો (રિટેલ ઇન્વેસ્ટર્સ) નથી, પરંતુ વિશ્વની સૌથી મોટી અને અત્યંત અત્યાધુનિક નાણાકીય સંસ્થાઓ છે. આ સિક્યોરિટીઝ શરૂઆતમાં વિદેશી માલિકીની હાઈ-પ્રોફાઈલ અન્ડરરાઈટર્સને વેચવામાં આવી હતી, ત્યારબાદ તેને લાયક સંસ્થાકીય ખરીદદારો (QIBs) ને ટ્રાન્સફર કરવામાં આવી હતી અને ત્યાંથી તે અમેરિકાના મોટા રોકાણકારો પાસે પહોંચી હતી. આવી અલ્ટ્રા-સોફિસ્ટિકેટેડ રોકાણ સંસ્થાઓ ઓફરિંગ મટીરિયલમાં લખેલી સામાન્ય વાતોથી છેતરાઈ ગઈ હોય તે સાબિત કરવું કાયદાકીય રીતે અશક્ય છે, તેથી આ મામલો કોઈ પણ સંજોગોમાં ગુનાહિત સિક્યોરિટીઝનો કેસ બનતો જ નથી.
ભારતમાં બનેલી ઘટના અને અગાઉની સરકાર પર આકરા પ્રહારો:
અમેરિકી ન્યાય વિભાગે આ કેસના કાયદાકીય આધાર પર સવાલો ઉઠાવતા કહ્યું છે કે આ કથિત ગેરરીતિઓ સંપૂર્ણપણે ભારતના ભૌગોલિક વિસ્તારમાં બની હતી. વળી, પ્રૉસિક્યુટર્સ દ્વારા જે નિવેદનોને ટાંકવામાં આવ્યા છે તે માત્ર કોર્પોરેટ ગૌરવ અને નિયમોના પાલનની સામાન્ય વાતો (કોર્પોરેટ પફરી) છે, જેને કોર્ટ અગાઉ પણ બિન-કાર્યવાહી યોગ્ય ગણી ચૂકી છે.
ન્યાય વિભાગે જો બિડેનની અગાઉની વહીવટી સરકારની આકરી ટીકા કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આ આખીય કવાયત માત્ર ગૌતમ અદાણીને 'નામ અને બદનામ' (Name and Shame) કરવાના ઈરાદાથી કરવામાં આવી હતી, જેમાં કેસને ટ્રાયલ સુધી લઈ જવાની કોઈ વાસ્તવિક શક્યતા જ નહોતી. અગાઉની સરકારના અંતિમ દિવસોમાં ઉતાવળે આ કેસને જાહેર કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે આ સમયગાળો કેસની યોગ્યતાને બદલે અન્ય રાજકીય કારણોથી પ્રેરિત હતો.
સિવિલ સેટલમેન્ટ બાદ ક્રિમિનલ કેસ ચલાવવો વ્યર્થ:
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે ઉમેર્યું કે આ મામલો વધુમાં વધુ સિવિલ સેટલમેન્ટ (દવાની રાહે ઉકેલ) માટે યોગ્ય કહી શકાય. અગાઉની વહીવટી સરકારે સમાન તથ્યોના આધારે સમાંતર સિવિલ કેસ પણ દાખલ કર્યો હતો, જે આ વર્ષની શરૂઆતમાં જ સેટલ (ઉકેલાઈ) થઈ ગયો છે. ન્યાય વિભાગે સિવિલ સેટલમેન્ટ પહેલા જ ક્રિમિનલ ચાર્જીસ પાછા ખેંચવાનો નિર્ણય કરી લીધો હતો, પરંતુ આ સેટલમેન્ટ બાદ હવે સાબિત થઈ ગયું છે કે અદાણી સામે ક્રિમિનલ કેસ ચલાવવાનો કોઈ તાર્કિક હેતુ કે અર્થ સરતો નથી.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
