તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
ડાર્ક વેબ નહીં, હવે LinkedIn બન્યું હથિયાર: બ્રિટન-અમેરિકામાં જાસૂસોની ભરતી કરવા ચીનનો નવો માસ્ટર પ્લાન
'ફાઇવ આઇઝ' દેશોના ગુપ્તચર અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો; પ્રોફેશનલ સાઇટ્સ પર નકલી નોકરીઓની જાળ બિછાવીને ચીને બ્રિટનમાં ૨૦,૦૦૦થી વધુ લોકોનો કર્યો સંપર્ક : અમેરિકામાં પાંચ વર્ષમાં ૧૪૦ જાસૂસો પકડાયા

લંડન: વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની જાસૂસી કરવા માટે ચીને હવે ડાર્ક વેબ કે કોઈ અન્ડરગ્રાઉન્ડ નેટવર્કને બદલે પ્રોફેશનલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'LinkedIn' ને પોતાનું નવું હથિયાર બનાવ્યું છે. 'ફાઇવ આઇઝ' (અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ) ના ગુપ્તચર ગઠબંધન દ્વારા બહાર પાડવામાં આવેલા એક અત્યંત સંવેદનશીલ અહેવાલ મુજબ, ચીની ગુપ્તચર એજન્સીઓ પશ્ચિમી દેશોમાં સેના અને સરકાર સાથે જોડાયેલા સંભવિત જાસૂસોની ભરતી કરવા માટે આ રોજગાર વેબસાઇટ્સનો મોટા પાયે દુરુપયોગ કરી રહી છે. આ વૈશ્વિક જાળ અંતર્ગત ચીની એજન્ટોએ અત્યાર સુધીમાં માત્ર બ્રિટનમાં જ ૨૦,૦૦૦ થી વધુ હાઈ-પ્રોફાઈલ પ્રોફેશનલ્સનો સંપર્ક સાધ્યો છે, જેના કારણે યુરોપિયન દેશોની આંતરિક સુરક્ષા સિસ્ટમમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ચીનની આ જાસૂસી મોડસ ઓપરેન્ડી (કામ કરવાની પદ્ધતિ) અત્યંત ચતુરાઈભરી અને વ્યવસ્થિત છે. ચીની ગુપ્તચર એજન્ટો સૌથી પહેલા LinkedIn જેવી પ્રતિષ્ઠિત રોજગાર સાઇટ્સ પર મોટી કંપનીઓના નામે આકર્ષક નોકરીઓની નકલી જાહેરાતો પોસ્ટ કરે છે. જે લોકો આ નોકરીઓ માટે અરજી કરે છે, તેમની બેકગ્રાઉન્ડ પ્રોફાઇલની ખૂબ જ ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ખાસ કરીને એવા પરિવારો અથવા વ્યક્તિઓને પ્રાથમિકતા આપવામાં આવે છે જેઓ જે-તે દેશની સરકાર, સંરક્ષણ મંત્રાલય કે સૈન્ય સાથે સીધા જોડાયેલા હોય. ત્યારબાદ તેમને ઓનલાઈન કે રૂબરૂ ઇન્ટરવ્યુ માટે બોલાવીને મોટી રકમની લાલચ આપી જાસૂસી કરવા અને દેશની ગુપ્ત માહિતીઓ લીક કરવા માટે બ્રેઈનવોશ કરીને રાજી કરવામાં આવે છે.
આ આંતરરાષ્ટ્રીય જાસૂસી નેટવર્કનો વ્યાપ કેટલો ખતરનાક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, અમેરિકાના ન્યૂઝ ચેનલ સીબીએસના અહેવાલ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ચીન માટે જાસૂસી કરવાના આરોપમાં ૧૪૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તાજેતરમાં કેલિફોર્નિયાના એક મેયરનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના પૂર્વ રાજદ્વારી જીમ લુઈસે ખુલાસો કર્યો છે કે ૨૦૧૨ માં સત્તા પર આવ્યા બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીનની જાસૂસી પાંખને અતિ-આધુનિક બનાવવાનો આદેશ આપ્યો હતો, જેમાં હાલ ૬,૦૦૦,૦૦૦ થી વધુ એજન્ટો સક્રિય છે. ચીનની આ ખતરનાક પકડનો ડર એટલો વધારે છે કે તાજેતરમાં યુએસ સત્તાવાળાઓ જ્યારે ચીનની મુલાકાતે ગયા ત્યારે સુરક્ષાના કારણોસર તેમને પોતાના અંગત ફોન કે લેપટોપ લઈ જવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
