<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણોએ પૃથ્વીના પેટાળમાં મચાવી તબાહી: છેલ્લા ૧૭ વર્ષમાં ૧,૩૯૯ ભૂકંપ નોંધાતા વૈજ્ઞાનિકોમાં ભારે ચિંતા!

'પુંગયે-રી' અને 'માઉન્ટ મંટાપ' પર્વતની નીચે સદીઓથી શાંત પડેલી ફોલ્ટ લાઈન્સ થઈ સક્રિય: હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ બાદ પહાડની આખી ભૂગોળ બદલાઈ ગઈ

પ્યોંગયાંગ : ઉત્તર કોરિયા દ્વારા અગાઉ ગુપ્ત રીતે કરવામાં આવેલા શક્તિશાળી પરમાણુ પરીક્ષણોએ ધરતીના પેટાળમાં એવી ભયાનક હલચલ મચાવી છે કે જેનો અંદાજ ખુદ વૈજ્ઞાનિકોને પણ નહોતો. એક તાજેતરના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ઉત્તર કોરિયાની મુખ્ય ન્યુક્લિયર ટેસ્ટ સાઈટ 'પુંગયે-રી' અને 'માઉન્ટ મંટાપ'ની આસપાસ ભૂકંપ આવવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સૌથી ડરાવનારી બાબત એ છે કે વર્ષ ૨૦૧૭માં કરવામાં આવેલા અંતિમ પરમાણુ પરીક્ષણના વર્ષો પછી પણ આ વિસ્તારમાં સતત આંચકા અનુભવાઈ રહ્યા છે.

 

એક મીડિયા રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોએ વર્ષ ૨૦૦૮ થી ૨૦૨૫ સુધીના ભૂગર્ભીય ડેટાનું ઊંડું વિશ્લેષણ કર્યું છે. આ ૧૭ વર્ષના સમયગાળા દરમિયાન માઉન્ટ મંટાપની આસપાસ કુલ ૧,૩૯૯ નાના-મોટા ભૂકંપ રેકોર્ડ કરવામાં આવ્યા છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આશ્ચર્યજનક બાબત એ છે કે આ વિસ્તાર છેલ્લા ૨,૦૦૦ વર્ષોથી સંપૂર્ણ શાંત અને સુષુપ્ત રહ્યો હતો, જ્યાં કુદરતી ભૂકંપની કોઈ મોટી ઘટના નોંધાઈ નહોતી. પરંતુ, ૨૦૦૬ થી ૨૦૧૭ દરમિયાન ઉત્તર કોરિયા દ્વારા કરાયેલા ૬ વિશાળ ભૂગર્ભ પરમાણુ વિસ્ફોટોએ આખી ભૂગોળ બદલી નાખી છે.

 

શા માટે અટકતા નથી ભૂકંપ?

 

સામાન્ય રીતે પરમાણુ વિસ્ફોટ બાદ થતા આંચકા થોડા અઠવાડિયામાં શાંત થઈ જતા હોય છે, પરંતુ અહીં બિલકુલ વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે. સપ્ટેમ્બર ૨૦૧૭માં કરાયેલા હાઇડ્રોજન બોમ્બ ટેસ્ટની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૩ માપવામાં આવી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો ધમાકો હતો. આ વિસ્ફોટના કારણે પહાડની અંદર આવેલી ગુફાઓ અને ટનલો ધસી પડી હતી અને પહાડની ટોચનું બંધારણ આશરે ૩ મીટર સુધી ખસી ગયું હતું.

 

દક્ષિણ કોરિયા અને ચીનના સંશોધકોના જણાવ્યા મુજબ, ૨૦૧૭ના આ ધમાકા પછી માઉન્ટ મંટાપના પેટાળની જમીન પોતાની મૂળ સ્થિતિમાં પાછી ફરી શકી નથી. પહાડની નીચે સદીઓથી શાંત રહેલી બે મોટી દરારો (Fault Lines) સક્રિય થઈ ગઈ છે. વિસ્ફોટના કારણે ખડકોમાં પડેલી તિરાડોમાં ભૂગર્ભ જળ ભરાઈ જવાથી અંદરના ખડકો એકબીજા પર લપસી રહ્યા છે, જેના પરિણામે સતત ૨ થી ૩.૪ ની તીવ્રતાના ભૂકંપ આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં જો આ ફોલ્ટ લાઈન્સ વધુ ખસશે, તો આ વિસ્તારમાં કોઈ મોટી કુદરતી આપત્તિ અથવા વિનાશક ભૂકંપ પણ સર્જાઈ શકે છે.

 

(9:18 PM IST)