તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
નાસાના લેટેસ્ટ સેટેલાઈટ મેપમાં ઉત્તર ભારત ઝળહળ્યું : બિહાર અને ઉત્તર પ્રદેશ વિશ્વના સૌથી પ્રકાશિત વિસ્તારોમાં સ્થાન પામતા સોશિયલ મીડિયા પર ગર્વની લહેર
વર્ષ ૨૦૧૪થી ૨૦૨૨ વચ્ચે પૃથ્વી પર થયેલા ફેરફારોના અભ્યાસમાં ભારતનો વીજળીકરણ અને આર્થિક વિકાસ અવકાશમાંથી દેખાયો : ૧૬ લાખ તસવીરોના વિશ્લેષણ બાદ બિહાર 'હીરાની જેમ ચમકતું' હોવાનું આવતા નેટીઝન્સમાં ભારે ઉત્સાહ

વોશિંગ્ટન:નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) દ્વારા તાજેતરમાં પૃથ્વીના રાત્રિના સમયનો નવો ગ્લોબલ સેટેલાઈટ મેપ બહાર પાડવામાં આવ્યો છે. આ નકશામાં ઉત્તર ભારત, ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશના ભાગો વિશ્વના સૌથી તેજસ્વી પ્રકાશિત પ્રદેશો તરીકે ઉભરી આવતા ઓનલાઈન પ્લેટફોર્મ પર વ્યાપક ચર્ચા જાગી છે. ૧૬ એપ્રિલના રોજ જાહેર કરાયેલ આ વિઝ્યુઅલ્સ વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૨ દરમિયાન પૃથ્વી પર આર્ટિફિશિયલ લાઈટિંગમાં થયેલા ફેરફારોને ટ્રેક કરે છે, જે આર્થિક વૃદ્ધિ અને વીજળીકરણની ઝલક પૂરી પાડે છે.
અવકાશમાંથી કેદ થયેલો ઉત્તર ભારતનો ઝળહળાટ:
વૈજ્ઞાનિકોએ નવ વર્ષના સમયગાળા દરમિયાન દરરોજ રાત્રે એકત્રિત કરવામાં આવેલી અંદાજે ૧.૬ મિલિયન (૧૬ લાખ) સેટેલાઈટ તસવીરોનું વિશ્લેષણ કરીને આ ગ્લોબલ લાઈટિંગ રિપોર્ટ તૈયાર કર્યો છે. ડેટા અનુસાર, ઉત્તર ભારતમાં રાત્રિના સમયે તેજસ્વીતામાં તીવ્ર વધારો થયો છે. જેમાં ઉત્તર પ્રદેશ-બિહાર બેલ્ટ વિશ્વભરમાં સૌથી વધુ નાટ્યાત્મક વધારો દર્શાવતા વિસ્તારોમાંનો એક છે. ઈમેજરીમાં ગોલ્ડન કલરના શેડ્સ તે વિસ્તારો દર્શાવે છે જ્યાં લાઈટિંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે જાંબલી ટોન એવા સ્થળો સૂચવે છે જ્યાં તેજસ્વીતા સ્થિર રહી છે અથવા ઘટી છે. ભારત ઉપરાંત ચીન, મધ્ય પૂર્વ અને મધ્ય અમેરિકાના મોટા ભાગો સમય જતાં વધુ તેજસ્વી દેખાયા છે, જ્યારે યુરોપના મોટાભાગના વિસ્તારોમાં રોશની ઓછી જોવા મળી છે.
સોશિયલ મીડિયા પર ગર્વની લાગણી:
આ નકશો વાયરલ થતા જ યુઝર્સમાં આશ્ચર્ય અને ગર્વની લાગણી જોવા મળી હતી. નેટીઝન્સે ટિપ્પણી કરતા લખ્યું કે, "બિહાર હીરાની જેમ ચમકી રહ્યું છે." ઘણા લોકોએ આ પરિવર્તનને વીજળીની પહોંચમાં સુધારો, વધતી વસ્તી ગીચતા અને માળખાગત સુવિધાઓના વિસ્તરણ સાથે સાંકળ્યું છે. યુઝર્સે નોંધ્યું હતું કે જે વિસ્તારોમાં અગાઉ માત્ર ૬ થી ૮ કલાક વીજળી મળતી હતી ત્યાં હવે ૨૪ કલાક પાવર સપ્લાય ઉપલબ્ધ છે, જે ભારતની છેલ્લા દાયકાની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે.
વૈજ્ઞાનિક પદ્ધતિ અને મહત્વ:
યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટના તિયાન લિ અને ઝે ઝુના નેતૃત્વમાં આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે સેટેલાઈટ પર માઉન્ટ થયેલ 'વિઝિબલ ઈન્ફ્રારેડ ઈમેજિંગ રેડિયોમીટર સ્યુટ' (VIIRS) દ્વારા કેદ કરાયેલા ડેટાનું વિશ્લેષણ કરવા માટે અદ્યતન એલ્ગોરિધમનો ઉપયોગ કર્યો હતો. આ ટેકનોલોજી શહેરો, હાઈવે અને ઉદ્યોગોમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશને શોધી કાઢે છે. નાસા ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર મિગુએલ રોમને જણાવ્યું કે રાત્રિના સમયે પૃથ્વીનું નિરીક્ષણ કરવાથી ઉર્જા ક્ષેત્રની સમજ અને રાષ્ટ્રીય સુરક્ષા હિતોમાં મદદ મળે છે. આ ડેટા આર્થિક રિકવરી, સંઘર્ષના વિસ્તારો પર દેખરેખ અને પર્યાવરણીય ફેરફારોના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
