<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

અમેરિકાના લક્ઝરી ક્રૂઝ શિપમાં નોરોવાઈરસનો આતંક : 'રૂબી પ્રિન્સેસ' જહાજમાં સવાર ૧૦૦થી વધુ મુસાફરો અને ૨૩ ક્રૂ મેમ્બર્સ ગંભીર બીમારીનો ભોગ બન્યા

પ્રિન્સેસ ક્રૂઝ કંપનીના જહાજમાં ચાલુ વર્ષે ત્રીજી વખત વાઈરસનો આઉટબ્રેક થતાં તંત્ર દોડતું થયું : ૩,૦૦૦થી વધુ પ્રવાસીઓ સાથે અલાસ્કા ગયેલા જહાજને સેનિટાઈઝ કરવા માટે સેન ફ્રાન્સિસ્કોમાં ડોક કરાયું

સેન ફ્રાન્સિસ્કો : અમેરિકાના એક પ્રખ્યાત લક્ઝરી ક્રૂઝ શિપમાં નોરોવાઈરસનો મોટો આઉટબ્રેક જોવા મળ્યો છે. 'પ્રિન્સેસ ક્રૂઝ' કંપનીના 'રૂબી પ્રિન્સેસ' નામના જહાજ પર સવાર ૧૦૦થી વધુ મુસાફરો અને આશરે ૨૩ જેટલા ક્રૂ મેમ્બર્સ શંકાસ્પદ નોરોવાઈરસની ઝપેટમાં આવી જતાં ભારે ફફડાટ ફેલાયો છે. અમેરિકાની સ્વાસ્થ્ય સંસ્થા 'સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન' (CDC) દ્વારા આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ સાથે જ ચાલુ વર્ષ દરમિયાન આ કંપનીના જળવાહનોમાં વાઈરસ ફેલાવાની આ ત્રીજી ઘટના નોંધાઈ છે.

 અલાસ્કા અને કેનેડાની સફરે નીકળ્યું હતું જહાજ:
પ્રાપ્ત વિગતો અનુસાર, રૂબી પ્રિન્સેસ જહાજ ૧૨ જૂનના રોજ સેન ફ્રાન્સિસ્કોથી અલાસ્કા અને કેનેડાની સફર માટે રવાના થયું હતું, જે પ્રવાસ પૂર્ણ કરીને ૨ જુલાઈએ પરત ફરવાનું હતું. આ જહાજ પર કુલ ૩,૦૩૨ મુસાફરો અને ૧,૧૪૪ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. પ્રવાસના બે અઠવાડિયાથી વધુ સમય વીતી ગયા બાદ વાઈરસનો આ ભયાનક આઉટબ્રેક સામે આવ્યો હતો. સીડીસી (CDC) ના નિયમો મુજબ, જ્યારે જહાજ પર સવાર કુલ મુસાફરોમાંથી ૩ ટકા કે તેથી વધુ લોકો બીમાર પડે ત્યારે તેને સત્તાવાર રીતે 'આઉટબ્રેક' જાહેર કરવામાં આવે છે. આ ગંભીર પરિસ્થિતિને જોતાં ગુરુવારે જહાજને સેન ફ્રાન્સિસ્કો ખાતે ડિસઇન્ફેક્ટિંગ (જંતુમુક્ત) કરવા માટે ડોક કરવામાં આવ્યું હતું.

 અત્યંત ચેપી છે નોરોવાઈરસ:
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નોરોવાઈરસ એ અત્યંત ચેપી વાઈરસ છે જે માનવ શરીરમાં પ્રવેશીને ઝાડા અને ઉલટી જેવી ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે. આ વાઈરસ સંક્રમિત વ્યક્તિના મળ અથવા ઉલટીના સૂક્ષ્મ કણો મોં વાટે શરીરમાં પહોંચવાથી ફેલાય છે. આ ઉપરાંત, દૂષિત વસ્તુઓ અથવા સપાટીને હાથ અડાડ્યા બાદ તે જ હાથ મોં પર લગાવવાથી પણ આ બીમારી ખૂબ જ ઝડપથી ફેલાય છે. ક્રૂઝ શિપ જેવી જગ્યાઓ જ્યાં તમામ મુસાફરો ખૂબ જ નજીક રહેતા હોય છે, તે આવી બીમારીઓ ફેલાવવા માટે અનુકૂળ કેન્દ્ર સાબિત થાય છે. ચાલુ વર્ષે વિવિધ ક્રૂઝ શિપ પર નોરોવાઈરસના અન્ય છ આઉટબ્રેક પણ જોવા મળ્યા છે.

 વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં:
આ આઉટબ્રેક કયા કારણોસર ફેરાયો તે અંગે પ્રિન્સેસ ક્રૂઝના પ્રવક્તા તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે, હાલ સાવચેતીના પગલારૂપે રૂબી પ્રિન્સેસ જહાજ પરના તમામ બીમાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને આઇસોલેટ (અલગ) કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર વાહનને સંપૂર્ણપણે જંતુમુક્ત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે. આરોગ્ય અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે જંતુઓ અને વાઈરસનો ફેલાવો રોકવા માટે નિયમિત ધોરણે, ખાસ કરીને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અને ભોજન લેતા પહેલાં સાબુ અને પાણીથી સારી રીતે હાથ ધોવાની ટેવ રાખવી જરૂરી છે.

 

(1:40 PM IST)