<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

પાસપોર્ટ અરજી અને નવીકરણ(Renewal) માં SIR ડેટાનો કોઈ ઉપયોગ નથી કરાયો: સરકારે રાજ્યસભામાં આપી મહત્વપૂર્ણ સ્પષ્ટતા

ICAO ના આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ પાસપોર્ટમાં ફેરફાર; ૨૭ દેશોમાં ભારતીયોને વિઝા મુક્ત પ્રવેશ અને ૪૭ દેશોમાં વિઝા-ઓન-અરાઇવલની સુવિધા ઉપલબ્ધ

નવી દિલ્હી : ભારતીય પાસપોર્ટ અરજીઓ અને તેના નવીકરણ (Renewal) માં સ્પેસિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ડેટાના ઉપયોગ અંગે ચાલતી વિવિધ અટકળો પર કેન્દ્ર સરકારે પૂર્ણવિરામ મૂકી દીધું છે. રાજ્યસભામાં CPI(M) ના સાંસદ જોન બ્રિટાસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે સ્પષ્ટતા કરી છે કે વિદેશ મંત્રાલય (MEA) કે તેની કોઈ એજન્સીએ પાસપોર્ટ પ્રક્રિયા માટે SIR ડેટાનો ઉપયોગ કર્યો નથી.

પાસપોર્ટમાં ‘રાષ્ટ્રીયતા’ શબ્દ અને ICAO ધોરણો

રાજ્યસભામાં પાસપોર્ટ પુસ્તિકામાં નાગરિકતા અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય પાસપોર્ટ હવે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) ના વૈશ્વિક ધોરણો મુજબ મશીન-રીડેબલ ફોર્મેટમાં તૈયાર કરવામાં આવે છે.

આ આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર જ પ્રમાણિત ટેક્સ્ટ અપનાવવામાં આવ્યો છે અને તેના આધારે પાસપોર્ટમાં 'રાષ્ટ્રીયતા' (Nationality) શબ્દનો સમાવેશ કરાયો છે. પાસપોર્ટ ઈશ્યૂ કરવાની સમગ્ર પ્રક્રિયા પાસપોર્ટ એક્ટ, ૧૯૬૭ મુજબ જ સંચાલિત થાય છે.

વૈશ્વિક પાસપોર્ટ રેન્કિંગ અને વિઝા સુવિધાઓ

ખાનગી સંસ્થાઓ દ્વારા જાહેર કરાતા પાસપોર્ટ રેન્કિંગ અંગે સરકારે સ્પષ્ટ કર્યું કે આવી સંસ્થાઓ પોતાના એકપક્ષીય માપદંડોના આધારે રેટિંગ આપે છે, જેને વૈશ્વિક ધોરણ માની શકાય નહીં.

સરકાર સતત ભારતીય નાગરિકો માટે વૈશ્વિક મુસાફરી સરળ બનાવવા પ્રયાસરત છે. વર્તમાન આંકડા મુજબ:

·         ૨૭ દેશો: ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા-મુક્ત (Visa-free) પ્રવેશ.

·         ૪૭ દેશો: વિઝા-ઓન-અરાઇવલ (Visa-on-Arrival) ની સુવિધા.

·         ૬૬ દેશો: ઇ-વિઝા (e-Visa) ની સુવિધા પૂરી પાડે છે.

કૈલાશ માનસરોવર યાત્રા અને ફસાયેલા ખલાસીઓના આંકડા

સરકારે કૈલાશ માનસરોવર યાત્રા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૨૦૨૫ માં ૬૮૮ યાત્રાળુઓએ આ પવિત્ર યાત્રા કરી હતી, જ્યારે ૨૦૨૬ માટે ૧,૦૦૦ યાત્રાળુઓ લિપુલેખ અને નાથુ લા પાસ દ્વારા યાત્રા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત, વિદેશી જહાજોમાં ફસાયેલા ભારતીય ખલાસીઓને ઉગારવા માટેના આંકડા રજૂ કરતાં સરકારે જણાવ્યું કે ૨૦૨૩ માં ૧૩૨ અને ૨૦૨૫ માં ૩૨૯ ફસાયેલા ખલાસીઓને સહાય પૂરી પાડવામાં આવી છે.

(6:38 PM IST)