<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

દિલ્હી હાઈકોર્ટે એસા (AISA) પ્રમુખ નેહા બોરાની અરજી ફગાવી : પોલીસ નોટિસ મુજબ શાંતિ જાળવવા માટે બોન્ડ ભરવાનો આદેશ યથાવત

જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે અરજી ફગાવતી વખતે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને કાર્યવાહી સાથે જોડાયેલી તમામ સામગ્રી વિદ્યાર્થી નેતાને પૂરી પાડવા આપ્યા નિર્દેશ

નવી દિલ્હી - દિલ્હી હાઈકોર્ટે ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ના પ્રમુખ નેહા બોરા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. નેહા બોરાએ સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) સમક્ષ 'શાંતિ જાળવવા' માટે રૂા. ૧૦,૦૦૦ ના બોન્ડ પર સહી કરવાના પોલીસ નોટિસના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ કેસની સુનાવણી બાદ ફેસલો સંભળાવતા જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે સ્પષ્ટ કર્યું હતું કે હાલના તબક્કે આ રિટ અરજી ફગાવવામાં આવે છે. જોકે, કોર્ટે સત્તાવાળાઓ અને મેજિસ્ટ્રેટને આ સમગ્ર કાર્યવાહી સાથે સંકળાયેલા તમામ સંબંધિત દસ્તાવેજો અને સામગ્રી વિદ્યાર્થી નેતાને ઉપલબ્ધ કરાવવા માટેના નિર્દેશો પણ જારી કર્યા છે.

વિરોધ પ્રદર્શન અને નોટિસની પૃષ્ઠભૂમિ:
અગાઉ નેહા બોરાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ નોટિસ અસ્પષ્ટ અને તથ્યાત્મક રીતે ભૂલભરેલી છે, તેમજ શાંતિ ભંગ થવાની સંભાવના દર્શાવતા કોઈ ઠોસ પુરાવા વિના જ જારી કરવામાં આવી છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના બેનર હેઠળ કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક ખાતે યોજાયેલા ‘લહેરા દો તિરંગા’ માર્ચમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે ૧૬ ઓક્ટોબરે તેમને નિવારક અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને બીજા દિવસે મુક્ત કરાયા હતા.

પોલીસ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૨૬ હેઠળ ૧૭ ઓક્ટોબરે આ નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહીને ૧૦,૦૦૦ રૂપિયાના અંગત બોન્ડ અને એક જામીન સાથે શા માટે બોન્ડ ન ભરવો તેની સ્પષ્ટતા કરવા જણાવાયું હતું. પોલીસ પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા સંભવિત અશાંતિને રોકવા માટે આ કાર્યવાહી આવશ્યક હતી. હાઈકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ અરજી ફગાવી દીધી છે.

(9:45 PM IST)