<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

સુપ્રીમ કોર્ટને કોઈ ડરાવી શકે નહીં: ન્‍યાયતંત્ર એટલું નબળું નથી

રાહુલ ગાંધીની કૂચ પર CJI સૂર્યકાંત લાલઘૂમઃ વિપક્ષી નેતાઓના દબાણ લાવવાના પ્રયાસો સામે કડક વલણ મતદાર યાદી અનિયમિતતા કેસની સુનાવણી દરમિયાન CJIએ કહ્યું: અમે કાલ્‍પનિક દુનિયામાં નથી જીવતા, બધું જાણીએ છીએ


 

નવી દિલ્‍હી, તા.૧૫: ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંતે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટ તરફની વિરોધ કૂચ અને રાજકીય દબાણ લાવવાના પ્રયાસો પર અત્‍યંત કડક અને તીખી ટિપ્‍પણી કરી છે. મુખ્‍ય ન્‍યાયાધીશે સ્‍પષ્ટ શબ્‍દોમાં સંભળાવી દીધું કે દેશનું ન્‍યાયતંત્ર એટલું નબળું નથી કે તેને કોઈ ડરાવી કે ધમકાવી શકે. સુપ્રીમ કોર્ટ પરિસરમાં ઘેરાવ અને રાજકીય પ્રદર્શનો વચ્‍ચે સુનાવણી હાથ ધરતાં CJI સૂર્યકાંતે ઉમેર્યું હતું કે કોર્ટ પર દબાણ લાવવાના આવા તમામ પ્રયાસો સંપૂર્ણપણે નિરર્થક છે અને ન્‍યાયતંત્ર તેનાથી પ્રભાવિત થયા વગર પોતાનું કામ કરી રહ્યું છે.

આ સમગ્ર વિવાદ ૧૫ ઓક્‍ટોબર, ૨૦૨૬ના રોજ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી અને અન્‍ય વિપક્ષી નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી એક હાઈ-પ્રોફાઈલ અરજીની સુનાવણી દરમિયાન સામે આવ્‍યો હતો. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ સુપ્રીમ કોર્ટ પરિસરમાં અને તેની બહાર યોજાયેલા રાજકીય સરઘસ સામે સખત વાંધો ઉઠાવ્‍યો હતો. ભાટિયાએ અદાલત સમક્ષ દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટના દરવાજે આ પ્રકારે વિરોધ પ્રદર્શનો કરીને ન્‍યાયતંત્રને ડરાવવાનો અને તેના પર માનસિક દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે દેશના ન્‍યાયિક ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને અસ્‍વીકાર્ય ઘટના છે.

વરિષ્ઠ વકીલની આ દલીલોનો પ્રતિસાદ આપતાં CJI સૂર્યકાંત અને ન્‍યાયાધીશ જોયમલ્‍યા બાગચીની બેન્‍ચે ચીફ જસ્‍ટિસના મજબૂત વલણને રજૂ કર્યું હતું. CJI સૂર્યકાંતે કહ્યું: અમે જાણીએ છીએ કે કોર્ટની બહાર શું કહેવામાં આવી રહ્યું છે અને કોર્ટની અંદર શું રજૂ કરવામાં આવી રહ્યું છે. અમે કોઈ કાલ્‍પનિક દુનિયામાં નથી જીવી રહ્યા, અમને દેશની પરિસ્‍થિતિની પૂરી જાણકારી છે. કોઈ પણ વ્‍યક્‍તિ કે પક્ષ સુપ્રીમ કોર્ટને ડરાવવાનો પ્રયાસ કરી શકે નહીં, કારણ કે ન્‍યાયતંત્ર કોઈના દબાણમાં આવે તેવું નબળું નથી અને આવા પ્રયાસો પર કોર્ટ કોઈ ધ્‍યાન આપતી નથી.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અને અન્‍ય વિપક્ષી નેતાઓએ મતદાર યાદીઓના સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન દરમિયાન મોટા પાયે નામો કાઢી નાખવામાં આવ્‍યા હોવાનો અને ગંભીર ગેરરીતિઓ થઈ હોવાનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્‍યા છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવળત્ત ન્‍યાયાધીશની અધ્‍યક્ષતામાં ટેકનિકલ નિષ્‍ણાતો અને પ્રતિષ્ઠિત નાગરિકોની એક સ્‍વતંત્ર કમિટી બનાવીને સમગ્ર લ્‍ત્‍ય્‍ પ્રક્રિયાનું સમયમર્યાદામાં ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ મુદ્દે મુખ્‍ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યા છે.

(3:20 PM IST)