તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Wednesday, 15th July 2026
બાળકોના હક પર કોઈ તરાપ મારી શકે નહીં: "રમવું એ બાળકોનો મૂળભૂત અધિકાર, સોસાયટીઓ તેના પર પ્રતિબંધ ન લાદી શકે" – કર્ણાટક હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો!
એપાર્ટમેન્ટ એસોસિએશનો માટે કોર્ટનો મોટો આદેશ: સીડી અને લોબી જેવા કોમન એરિયામાં કુંડા કે અન્ય સામાન મૂકીને અકસ્માતો નોતરવા પર પણ કાયમી મનાઈ હુકમ.

બેંગલુરુ : બાળકોના શારીરિક અને માનસિક વિકાસને લઈને કર્ણાટક હાઇકોર્ટે એક અત્યંત પ્રશંસનીય અને મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ઠરાવ્યું છે કે રમતગમત એ બાળકોનો મૂળભૂત અધિકાર (Fundamental Right) છે અને કોઈ પણ એપાર્ટમેન્ટ કે રહેવાસી સંગઠન (RWA) સોસાયટીના કોમન પ્લે એરિયા (રમતના મેદાન) માં બાળકોના રમવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી શકે નહીં. બેંગલુરુના સહકારનગરમાં આવેલા એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં રહેતા દંપતી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરતા હાઈકોર્ટે આ મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.
જસ્ટિસ હંચતે સંજીવકુમારે આ કેસની સુનાવણી દરમિયાન અત્યંત સંવેદનશીલ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, "બાળકોને મનોરંજનથી વંચિત રાખી શકાય નહીં. રમતો રમવી એ બાળકોનો મૂળભૂત અધિકાર છે અને તેના પર પ્રતિબંધ મૂકવાથી તેમનું એકંદર સ્વાસ્થ્ય છીનવાઈ જાય છે." હાઇકોર્ટે એસોસિએશનને તેના અગાઉના એકપક્ષીય નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. કોર્ટે આદેશ આપ્યો છે કે આગામી ત્રણ મહિનામાં સોસાયટીની જનરલ બોડી મીટિંગ બોલાવવામાં આવે અને તમામ સભ્યોની સંમતિથી બહુમતી દ્વારા નક્કી કરવામાં આવે કે મેદાનમાં કઈ રમતો રમી શકાય. પરંતુ, માત્ર એકાદ-બે રમતોના વિવાદને બહાનું બનાવીને બાળકોના રમવાના સમગ્ર અધિકારને છીનવી શકાય નહીં.
આ વિવાદની શરૂઆત ૨૦૧૨માં થઈ હતી, જ્યારે અપીલકર્તા દંપતીમાંથી પત્ની સીડી પરથી લપસી જતાં ગંભીર ફ્રેક્ચરનો ભોગ બન્યા હતા અને તેમણે સર્જરી કરાવવી પડી હતી. દંપતીનો આરોપ હતો કે એસોસિએશને કોમન સીડીઓ અને કોરિડોરમાં ફૂલોના કુંડા મૂક્યા હતા. આ કુંડાઓમાં પાણી પાવાને કારણે સીડીઓ સતત લપસણી રહેતી હતી. વારંવારની રજૂઆતો છતાં એસોસિએશને કુંડા હટાવ્યા નહોતા અને ઉલટાનું કોમન પ્લે એરિયામાં બાળકોના ફૂટબોલ રમવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. નીચલી અદાલતે આ કેસ ફગાવી દીધા બાદ દંપતીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
હાઇકોર્ટે દંપતીની શારીરિક પીડા અને તબીબી દસ્તાવેજોને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને એસોસિએશન વિરુદ્ધ કાયમી મનાઈ હુકમ જારી કર્યો છે. કોર્ટે સોસાયટીને આદેશ આપ્યો છે કે સામાન્ય સીડી, કોરિડોર કે લોબી જેવા કોમન એરિયામાંથી તમામ કુંડા અને નડતરરૂપ સામગ્રી તાત્કાલિક દૂર કરવામાં આવે, જેથી અન્ય કોઈ રહેવાસી અકસ્માતનો ભોગ ન બને. આ ચુકાદો દેશભરની તમામ હાઉસિંગ સોસાયટીઓ માટે એક મોટી નસીહત સમાન છે, જ્યાં અવારનવાર બાળકોના રમવા અને સામાન્ય જગ્યાઓના વપરાશને લઈને વિવાદો થતા રહે છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
