<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

રેલવેમાં હવે કોઈ ‘બીજા દરજ્જા’ના મુસાફર નહીં: સુપ્રીમ કોર્ટે માનવ ગરિમા અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

ટ્રેનની ટિકિટ ખોવાઈ જવાથી પ્રવાસી ગેરકાયદેસર સાબિત થતો નથી, ૨૦૧૫ના અકસ્માત પીડિતના પરિવારને રૂ. ૮ લાખ ચૂકવવાના આદેશ સાથે રેલવે પ્રશાસનને તેની સરવાળાઓ અને સત્તાવાર પરિભાષા બદલવા તાકીદ કરી

નવી દિલ્હી: ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો પ્રવાસીઓની આત્મસન્માન અને સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત પ્રગતિશીલ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની ખંડપીઠે રેલવે વિભાગ દ્વારા વપરાતી સદીઓ જૂની પરિભાષા સામે લાલ આંખ કરતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ મુસાફરને ‘સેકન્ડ-ક્લાસ પેસેન્જર’ (બીજા વર્ગના મુસાફર) કહી શકાય નહીં. અદાલતે સખત શબ્દોમાં ટકોર કરી હતી કે, આ પ્રકારનું સંબોધન વ્યક્તિની ગરિમા અને ભારતીય બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. કોર્ટે રેલવે મંત્રાલયને તાકીદ કરી છે કે આ શબ્દ પ્રયોગ માત્ર ડબ્બાઓ અથવા કોચની શ્રેણી પૂરતો મર્યાદિત રાખવો જોઈએ, જે-તે પ્રવાસીના સામાજિક દરજ્જા માટે નહીં.

આ ચુકાદો વર્ષ ૨૦૧૫માં ચાલતી ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ પામેલા ચંદ્રકાંત ઠક્કર નામના પ્રવાસીના વળતરના કેસની સુનાવણી દરમિયાન આવ્યો છે. અગાઉ રેલવે ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટે એવા વાહિયાત તર્ક સાથે વળતર આપવાનો ઈનકાર કર્યો હતો કે અકસ્માત બાદ મૃતક પાસેથી ટ્રેનની ટિકિટ મળી નહોતી. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોના આ આદેશને ફગાવી દેતા માનવતાવાદી અભિગમ અપનાવ્યો હતો. જસ્ટિસે સ્પષ્ટ જણાવ્યું કે અકસ્માતની આપત્તિજનક ક્ષણોમાં મુસાફરનો સામાન કે ટિકિટ ખોવાઈ જવી અત્યંત સ્વાભાવિક બાબત છે અને માત્ર ટિકિટ ન મળવાને કારણે કોઈ વ્યક્તિનો કાયદેસર પ્રવાસી હોવાનો દરજ્જો રદ થઈ જતો નથી. અદાલતે મૃતકના પત્નીના સોગંદનામાને ગ્રાહ્ય રાખીને રેલવેને રૂ. ૮ લાખ વ્યાજ સહિત ચૂકવવાનો હુકમ કર્યો છે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે દેશની સૌથી મોટી પરિવહન વ્યવસ્થા એવી ભારતીય રેલવેમાં સુરક્ષાના ધારાધોરણો સુધારવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. અદાલતે નિર્દેશ આપ્યો છે કે પ્રવાસીઓની સફર સુરક્ષિત બનાવવા અને અકસ્માતો અટકાવવા માટે ગ્રાઉન્ડ લેવલ પર ખાલી પડેલી જગ્યાઓ પર તાકીદે નવી ભરતી કરવામાં આવે. રેલવે પ્રશાસને માત્ર આધુનિકીકરણ પાછળ દોડવાને બદલે સ્ટાફની તંગી દૂર કરવી જોઈએ જેથી ભારતીય યુવાનોને કાયમી રોજગારી મળે અને તકનીકી તેમજ માનવીય ભૂલોને કારણે સર્જાતી ટ્રેન દુર્ઘટનાઓ અટકાવીને નિર્દોષ મુસાફરોના જીવ બચાવી શકાય.

(6:41 PM IST)