News of Friday, 27th November 2026
વિદેશ પ્રવાસમાં મોંઘા રોમિંગની ઝંઝટ ખતમઃ હવે WhatsApp પરથી જ સીધું ખરીદી શકાશે ઈન્ટરનેશનલ ટ્રાવેલ eSIM: Reliance Jio સાથે ડીલ!
રિલાયન્સ જિયો સહિતની વૈશ્વિક ટેલિકોમ કંપનીઓ સાથે ભાગીદારી થકી વિદેશમાં પણ જૂના નંબર પર જ WhatsApp ચાલુ રહેશે

નવી દિલ્હી, તા.૨૭: વિદેશ પ્રવાસે જતા લાખો મુસાફરો માટે સૌથી મોટી માથાકૂટ સમાન મોંઘા આંતરરાષ્ટ્રીય રોમિંગ ચાર્જ અને એરપોર્ટ પર નવા સિમકાર્ડ શોધવાની ઝંઝટનો હવે કાયમી અંત આવવા જઈ રહ્યો છે. મેટાની માલિકીની લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપએ ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે યુઝર્સ હવે ટૂંક સમયમાં જ વોટ્સએપ એપમાંથી બહાર નીકળ્યા વિના સીધા જ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ડેટા eSIM ખરીદી અને ઇન્સ્ટોલ કરી શકશે. આ નવી સુવિધાની સૌથી મોટી અને રાહતદાયક ખાસિયત એ છે કે વિદેશની ધરતી પર પગ મૂકયા બાદ પણ મુસાફરો પોતાના મૂળ અને જૂના મોબાઈલ નંબર પર જ કોઈપણ અવરોધ વિના WhatsAppનો ઉપયોગ ચાલુ રાખી શકશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે સફળ બનાવવા માટે WhatsApp એ ભારત અને વિશ્વની અગ્રણી ટેલિકોમ તથા eSIM પ્રદાતા કંપનીઓ સાથે હાથ મિલાવ્યા છે. કંપનીએ પોતાની સત્તાવાર બ્લોગ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે ભારતમાં આ સેવા પૂરી પાડવા માટે રિલાયન્સ જિયો સાથે ખાસ ભાગીદારી કરવામાં આવી છે, જ્યારે વૈશ્વિક સ્તરે વેરાઇઝન સ્માર્ટ એક્સિઆટા અને સ્માર્ટ કોમ્યુનિકેશન્સ જેવા દિગ્ગજો પણ આ નેટવર્કમાં જોડાયા છે. વોટ્સએપ ના જણાવ્યા અનુસાર, એપમાંથી eSIM ખરીદવાની અને તેને ફોનમાં એક્ટિવેટ કરવાની સમગ્ર પ્રક્રિયા કોઈને મેસેજ મોકલવા જેટલી જ સરળ અને ગણતરીના ટેપમાં પૂરી થઈ જશે, જેનાથી મુસાફરોને એરપોર્ટ પર સિમકાર્ડના કિઓસ્ક શોધવા કે મફત વાઇ-ફાઇ માટે કાફેમાં ભટકવાની જરૂર નહીં પડે. આ નવી પહેલ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં વોટ્સએપના વડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પગલાંને ટેલિકોમ અને eSIM ક્ષેત્રે કંપનીના પ્રથમ ઐતિહાસિક પ્રવેશ તરીકે ગણાવ્યું હતું અને વિશ્વભરના અન્ય ટેલિકોમ ભાગીદારોને પણ આ મિશનમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. વિશ્વભરમાં ત્રણ અબજથી વધુ સક્રિય યુઝર્સ ધરાવતા વોટ્સએપની આ સુવિધા ટૂંક સમયમાં પસંદગીના દેશોમાં રોલઆઉટ કરવામાં આવશે. જોકે, પ્રથમ તબક્કામાં કયા દેશોનો સમાવેશ થશે અને તેના ડેટા પ્લાનની કિંમતો કેટલી હશે તેની સત્તાવાર યાદી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે, જેના પર પ્રવાસીઓ અને ટેક જગતની ખાસ નજર ટકેલી છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
